પુત્ર વિયોગમાં સૂર્યવંશનો ‘સૂરજ’ અસ્ત થઇ ગયો

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 27, 2018, 04:15 PM IST

સુમંતની રાહમાં દશરથજી રાણી કૌશલ્યાના મહેલમાં આવી ચૂક્યા હતા. મરણાભિમુખ દશામાં મુખેથી રામ...રામ...ની વચ્ચે એક જ વાત નીકળતી હતી- ક્યારે આવશે સુમંત? જેવા સુમંતજીનો રથ અયોધ્યા પહોંચ્યો, દશરથજીના જીવમાં જીવ આવ્યો. કહેવા લાગ્યા: સુમંત આવી ગયા છે. હવે રામનાં પણ દર્શન થઇ જશે. બે દિવસથી અચેતન પડેલા દશરથ રામની આવવાની આશામાં ઊભા થઇ ગયા.

સુમંતજી ખાલી હાથે આવ્યા? મારા રામને ના લાવ્યા? રામ વિના હવે જીવન અશક્ય છે. રામ...રામ... કરતા પાછા દશરથજી ધડામ દઇને પડી ગયા

મહેલમાં આવી સુમંતજી રાજાને પ્રણામ કરીને કહે છે: ક્ષમા માગું છું મહારાજ, રામને લાવી ન શક્યો. સાંભળતા જ દશરથજી પર ભારે વજ્રઘાત થયો. શું કહી રહ્યા છો સુમંતજી? ખાલી હાથે આવ્યા, મારા રામને, મારા પ્રાણને ના લાવ્યા? રામ વિના હવે જીવન અશક્ય છે. રામ...રામ... કરતા પાછા ધડામ દઇને પડી ગયા.


કૌશલ્યાજી સમજાવે છે: હિંમત રાખો મહારાજ. આ તમે શું કહી રહ્યા છો. તમે જ હિંમત ગુમાવશો તો અમે કેમ જીવીશું. આપણો રામ આવશે, જરૂર આવશે. તે દિવસ પાછો આવશે જ્યારે રામ આપણી સામે હશે.


દશરથજી કહે છે: હવે મને સાંત્વના ન આપો રાણી. મને સ્મરણ થઇ રહ્યું છે. મને શ્રવણકુમાર અને તેમનાં માતાપિતા દેખાઇ રહ્યાં છે. એ શ્રવણ જે મારા તીરથી મૃત્યુ પામ્યો હતો અને તેમનાં આંધળાં ઘરડાં માબાપે મરતાં મને શાપ આપ્યો હતો કે એક દિવસ હું પણ મારા સંતાનના વિરહમાં તડપી-તડપીને મરીશ. લાગે છે તે સમય આવી ગયો છે. જો રામ, લક્ષ્મણ અને સીતા ન આવ્યાં તો મને જવા દો.


અહીં તુલસીદાસ લખે છે: ‘રામ રામ કહિ રામ કહિ રામ રામ કહિ રામ, તનુ પરિહરિ રઘુબર બિરહઁ રાઉ ગયઉ સુરધામ.


તડપતા રામ...રામ... કહેતા કહેતા રાજા દશરથે પ્રાણ ત્યજી દીધા. સૂર્યવંશનો સૂર્ય હંમેશ માટે અસ્ત થઇ ગયો. એ ચક્રવર્તી રાજા જે ભ્રમણ માટે સ્વર્ગ જતા હતા અને તેમના સન્માનમાં ઇન્દ્ર ઊભા થઇને તેમને સિંહાસન આપતા હતા. તે દશરથ પોતાના અંતિમ સમયે જમીન પર પડ્યા હતા, પુત્ર વિયોગમાં તડપતા હતા. જેના કારણે પૃથ્વી પર રામ આવ્યા. જેમણે એ બતાવ્યું કે વચન શું હોય છે તે દશરથ આવી રીતે સંસારથી વિદાય થઇ ગયા.


દશરથજી દ્વારા પ્રાણ ત્યાગવાની સૂચના મળતાં વશિષ્ઠજી દોડતા આવ્યા. તેમની આંખોમાંથી આંસુઓનો સાગર છલકાયો. ધન્ય છે એ મૃત્યુ જેના પર કોઇ સંત પણ રોવા લાગ્યા.
સાર: મૃત્યુ અટલ છે. એનું સત્ય એક દિવસ સૌની સાથે બનવાનું છે. પરંતુ ધન્ય છે તે મૃત્યુ જેના પર કોઇ સંત પણ રોવા લાગ્યા.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી