મોહની આજ્ઞાથી મોટું છે રાજધર્મનું પાલન

article by vijayshanker mehta

પં. વિજયશંકર મહેતા

Sep 06, 2018, 03:10 PM IST

પથ્થરની શિલા પર જ રાજમહેલ જેવા સુખનો અહેસાસ કરતા શ્રીરામ-સીતાએ ગંગા કિનારે નિદ્રા લીધી. લક્ષ્મણજી અને નિષાદરાજ પહેરેદારની જેમ જાગતા રહ્યા અને રાત્રી કેવી રીતે પસાર થઇ તેની ખબર જન પડી.


ભગવાન પ્રાત:કાળે જાગ્યા. નિત્યકર્મોથી પરવારીને કંદમૂળનો આહાર લીધો, કલ્પવૃક્ષનું દૂધ લઇને ભાઇ લક્ષ્મણની મદદથી વાળની જટા બનાવી લીધી. આ દૃશ્ય જોઇને સુમંતજીની આંખો ભરાઇ આવી. મનમાં ને મનમાં વિચારવા લાગ્યા: શું થઇ ગયું છે અયોધ્યાના સુખચેનને, કોઇની ખરાબ નજર લાગી ગઇ છે?

મારે રાજધર્મનું પાલન કરવાનું છે, મોહની આજ્ઞાનું નહીં. માફી માગું છું સુમંતજી, 14 વર્ષ પૂરાં થતાં પહેલાં હું અયોધ્યા પાછો નથી જઇ શકતો

ત્યારે ભગવાન રામ સુમંતજીને બોલાવીને કહે છે: હવે તમે અમારી સાથે આગળ ન આવતા પાછા અયોધ્યા જતા રહો. સુમંતજી બોલ્યા: મહારાજની આજ્ઞા છે કે ચાર દિવસ ફેરવીને તમને પાછા અયોધ્યા લઇ જાઉં. મારો પણ એવો જ આગ્રહ છે રાજકુમાર, મહેરબાની કરીને પાછા વળો.


શ્રીરામ કહે છે: પિતાની આજ્ઞા હતી કે હું 14 વર્ષ માટે વનમાં જાઉં. મારે રાજધર્મનું પાલન કરવાનું છે, મોહની આજ્ઞાનું નહીં. માફી માગું છું સુમંતજી, 14 વર્ષ પૂરાં થતાં પહેલાં હું અયોધ્યા પાછો નથી જઇ શકતો. પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ મૃત્યુ સમાન હોય છે. હું એવો અપયશ નથી ઇચ્છતો કે અયોધ્યાના લોકો કહે કે રામ પિતાની આજ્ઞા ભૂલીને અડધે રસ્તેથી પાછા ફરી ગયા.


સુમંતજી સીતાજીને કહે છે તમે ચાલો. સીતાજી કહે છે: ઇતિહાસને બદલવાનો પ્રયાસ ન કરો સુમંતજી. જે થઇ ગયું તે થઇ ગયું. પતિનાં ચરણોમાં જ મારું જીવન છે. કૃપા કરી મને એમની સાથે રહેવા દો.


લક્ષ્મણજીને જોઇને બોલે છે: તમે તો ચાલો સુમિત્રાનંદન. લક્ષ્મણજી તો સ્વભાવે તીખા હતા. બોલ્યા: સુમંતજી, મહારાજ દશરથને જઇને કહી દો... જ્યારે એમણે રાણી કૈકયીને વચન આપવાની વાત કરી હતી, ત્યારે મેં પણ તેમનું પૂરું માન રાખ્યુ હતું, પરંતુ તેઓ કહી રહ્યા હોય કે રામને ચાર દિવસ ફેરવીને લઇ આવો તો હું ક્ષમા ચાહું છું. આમ પણ લક્ષ્મણને બેવડું ધોરણ સ્વીકાર્ય નથી. જાઓ, કહી દો રાજાજીને કે લક્ષ્મણ તમારી ઇચ્છાઓનો વિરોધ કરે છે.
ભગવાન રામ સમજી ગયા, લક્ષ્મણને શાંત પાડ્યા અને સુમંતજીને કહ્યું: પિતાજી આમ પણ પરેશાન છે. કૃપા કરી લક્ષ્મણજીના મોઢેથી નીકળેલી વિસ્ફોટક વાતો તેમને ન કહેતા. લક્ષ્મણે જે કાંઇ પણ કહ્યું તે બદલ તેના વતી હું માફી માગું છું.


હરિઇચ્છા આગળ વિવિશ સુમંત રથ પર સવાર થઇને એકલા અયોધ્યા તરફ જવા નીકળ્યા.
સાર: પ્રતિષ્ઠિત પુરુષ માટે અપયશ મૃત્યુ સમાન હોય છે. શ્રીરામ જેવા મર્યાદા પુરુષોત્તમ માટે મોહની આજ્ઞાથી વધુ રાજધર્મનું પાલન મહત્ત્વપૂણ હતું.

X
article by vijayshanker mehta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી