નટસમ્રાટ : વિદૂષક વિક્રમાદિત્ય બની શકે નહીં

article by pranav golwelkar

પ્રણવ ગોળવેલકર

Sep 05, 2018, 12:05 AM IST

ભૂલો કરવાનો સૌને હક છે, દરેકને સમ્રાટ બનવાનાં સ્વપ્નો જોવાનો અધિકાર છે, પણ માત્ર સિંહાસન પર બેસીને માથે મુગટ પહેરી લેવાથી વિદૂષક વિક્રમાદિત્ય બની જતો નથી. ગુજરાતી નટસમ્રાટની તુલના મરાઠી નટસમ્રાટ સાથે થશે જ, થવી જ જોઈએ, કારણ કે આ નટસમ્રાટ એ મરાઠી નટસમ્રાટ પરથી જ બનાવેલું છે. આક્રોશ એ વાતનો નથી કે આ નટસમ્રાટમાં કોણે શું કર્યું, આક્રોશ એ વાતનો છે કે આપણે શ્રેષ્ઠતા દર્શાવવાની એક ઉત્તમ તક ખોઈ દીધી છે.

આ નટસમ્રાટ છે, નટની
જિંદગીનું અંતિમ શિખર

આ ફિલ્મ જોઈને અધકચરા રિવ્યૂઝ લખનારા ચંગુ-મંગુ કે છગન-મગનોને એ વાતનો ખ્યાલ નથી કે ‘નટસમ્રાટ’ની ભૂમિકા ભજવવાની નથી હોતી, જીવી જવાની હોય છે અને નટસમ્રાટ ‘જીવ્યા’ પછી જિંદગીમાં જીવવા માટે કશું બચતું નથી. કશું બચવું ન જોઈએ.


મરાઠી ભાષામાં બનેલા નટસમ્રાટમાં અદ્્ભુત કામ કરનારા નાના પાટેકરે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું, આ ભૂમિકા અભિનેતાના શરીરમાંથી જીવને શોષી લે છે. આ ભૂમિકા એટલી ‘ઇન્ટેન્સ’ છે કે તખ્તા પર તેને ભજવનારા ડૉ. શ્રીરામ લાગુને હૃદયનો દુખાવો શરૂ થઈ ગયો હતો. એમના પછી દત્તા ભટ્ટે આ ભૂમિકા ભજવવાની શરૂ કરી અને એમાં જ મૃત્યુ પામ્યા. ત્યારબાદ આ ભૂમિકા કરનારા સતીશ દુબાશીને પણ એ જ રોગ લાગુ પડી ગયો! આ નાટકમાંથી અભિનેતા દૂર થવાનો પ્રયત્ન કરે તો પણ ‘નટસમ્રાટ’ એની જિંદગીમાંથી દૂર થઈ શકતો નથી. આ નટસમ્રાટ છે, નટની જિંદગીનું અંતિમ શિખર, નટ તરીકેના હોવાપણાનું અંતિમ સત્ય!


આ ફિલ્મ વિશે વાત કરતાં મહેશ માંજરેકરે કહ્યું હતું, ‘આ ફિલ્મના બે પ્રમુખ એક્ટરો અન્ય એક સિનિયર એક્ટરને મળવા જાય છે એવો સિન લખાયેલો હતો. આ સિનિયર એક્ટર માટે અમિતાભ બચ્ચનનું નામ નક્કી હતું, પરંતુ ફિલ્મના રશીઝ જોયા પછી લાગ્યું કે આ ફિલ્મમાં આ સીનની જરૂર જ નથી!’


નટસમ્રાટ એટલો પાવરફુલ હતો અને હોવો જોઈએ કે જેને મહાનાયકની જરૂર જ ન પડે. સિદ્ધાર્થ રાંદેરિયાએ આ ‘ભૂલ’ કરવા જેવી નહોતી. ગુજરાતી ફિલ્મમાં પાત્રવરણી પણ જરા વિચિત્ર છે. મનોજ જોશીનું સાઇડ રોલમાં હોવું સમજાય એવું નથી. તેમની એક્ટિંગની રેન્જ વધુ વિશાળ છે. એમને સાઇડ રોલમાં જોઈને અર્જુન કૌરવોની સેનામાં જોડાઈ ગયો હોય એવી હોરિબલ ફીલિંગ થયા કરે છે.

આપણી ભાષામાં એક સચોટ કહેવત છે, પારકી આશ સદા નિરાશ. નટસમ્રાટ એ બીજી ભાષાનું છે. એની નબળી નકલે એક ગુજરાતી તરીકેનું માથું ઝુકાવી દીધું છે.

એક વાત યાદ રહે, આ ફિલ્મ રિવ્યૂ નથી. જુલિયસ સિઝરના રિવ્યૂ હોતા નથી, થઈ શકે પણ નહીં. મરાઠી અભિનેતાઓ નટસમ્રાટના ‘રિવ્યૂ’ કરતા નથી, એ સ્વપ્ના જુએ છે, એક દિવસ નટસમ્રાટ બનવાનાં. નાના પાટેકરે કહ્યું હતું કે એ જ્યારે તખ્તા પર નવોસવો આવ્યો હતો ત્યારે એનું અને એની સાથેના એક્ટરોનું સ્વપ્ન હતું. એક દિવસ ‘નટસમ્રાટ’ ભજવવાનું. ગુજરાતી એક્ટરો માટે આ ફિલ્મે એક માઇલ સ્ટોન બનવાની તક ગુમાવી છે. આવી તક વારંવાર આવતી નથી એટલે જ આ રિવ્યૂ નથી, આ આરોપનામું છે, એક્ટર જેને જિંદગીભર સાથે લઈને ફરે એ સ્વપ્નને ખંડિત કરવાનું તહોમતનામું છે.


ગુજરાતી ફિલ્મોનો પ્રેક્ષક પણ ઇન્ટેલિજન્ટ છે. એને મૂર્ખ માનવાની ભૂલ ન કરવી. આ ફિલ્મે પ્રેક્ષકોની યાચના કરવી પડશે અને યાચકના રોલમાં ‘નટસમ્રાટ’ સારો નહીં લાગે, નટસમ્રાટનો જ એક અદ્્ભુત ડાયલોગ છે, ‘કોઈ ક્ષમા આપે એ માટે જુલિયસ સિઝર ક્યારેય પ્રાર્થના કરતો નથી અને કોઈ પ્રાર્થના કરે એટલે જુલિયસ સિઝર એને ક્ષમા આપતો નથી.’ આવી ફિલ્મો માટે જે સામે બેઠો છે એ પ્રેક્ષક જુલિયસ સિઝર છે, એ કશું નબળું, કશું પણ નહીં ગમતું ચલાવવા તૈયાર હોતો નથી. ભાષાના નામે, એક્ટિંગના નામે કે પછી પ્રયત્નોના નામે ગમે તેવો રદ્દી માલ પધરાવી દેશો તો એ ચલાવી લેશે નહીં.


યાદ રાખવું પડશે કે સામે હોલમાં દરેક ખુરશી એક સિંહાસન છે અને દરેક સિંહાસન પર જુલિયસ સિઝર બેઠેલો છે અને એ ‘સિઝર’ ભલે ગુજરાતી હોય ક્ષમા આપવાની ટેવ એને પણ નથી જ. ગુજરાતી પ્રેક્ષકોને આજ સુધી વિદૂષકવેડાં પીરસનારાઓને હવે પ્રેક્ષકોનો ટેસ્ટ ઊંચો નથી એ ફરિયાદ કરવાનો પણ હક્ક નથી.


આ ફિલ્મ બનાવવાનો હેતુ એક અજરાઅમર કૃતિ સર્જવા કરતાં ગાડરિયો પ્રવાહ શરૂ કરવાનો કે લોકપ્રિયતાની વહેતી ગંગામાં હાથ ધોવાનો વધુ લાગે છે. જ્યારે તખ્તાના નાટક, નટસમ્રાટને ફિલ્મમાં ઉતારવાનું નક્કી થયું ત્યારે લેખક મહેશ માંજરેકર ગૂંચવાઈ ગયા હતા, કારણ કે એમને ફિલ્મ બનાવવી હતી. નાટક જ બનાવવું હોત તો ચાર કેમેરા ઊભા કરી નાટકને જ શૂટ કરી શક્યા હોત. કંઈક જુદું, કંઈક અનોખું કરવાના વિચારમાંથી એ સળગેલા થિયેટર અને નટસમ્રાટના મિત્રનો વિચાર આવ્યો. આ મિત્ર નટસમ્રાટનો ઓલ્ટર ઇગો છે. સળગેલા થિયેટર અને એ મિત્ર વિના નટસમ્રાટ ફિલ્મ સાવ અધૂરી લાગત. આપણા ગુજ્જુભાઈએ કંઈક જુદું કરવાની એવી કોઈ તસદી લીધી નથી. નકલમાં અક્કલ શું કામ વાપરવીના ન્યાયે બધું એમનું એમ લઈ લીધું છે. હા, મૂળ મરાઠીમાં જે યાદગાર છે એ ‘કુણી ઘર દેતકા ઘર’નો ડાયલોગ અહીં નથી. કેમ?


આપણી ભાષામાં એક સચોટ કહેવત છે, પારકી આશ સદા નિરાશ. નટસમ્રાટ એ બીજી ભાષાનું છે. એની નબળી નકલે એક ગુજરાતી તરીકેનું માથું ઝુકાવી દીધું છે. ગુજરાત પાસે ઓરિજિનલ કન્ટેન્ટની કમી નથી. ગુજરાતી કલાકારો માટે એક ચેલેન્જ હજુ ઊભી છે. એક એવો સમ્રાટ બનાવો જેની બીજી ભાષાના લોકોએ નકલ કરવી પડે અને લાખ પ્રયત્નો પછી પણ એ લોકો નકલ કરી ન શકે, તો તમે નટ સાચા, બાકી તો આજકાલ વિદૂષકો ઢગલાના ભાવે મળી રહે છે.


જનોઈવઢ : નાયકનું દુ:ખ એટલું તીવ્ર હોવું જોઈએ કે પ્રેક્ષકોને એ પોતાનું લાગવા માંડે, પ્રેક્ષકો સમરસ થઈ જાય અને એમની સહાનુભૂતિના દરવાજેથી એમનું પોતાનું દુ:ખ પણ વહી જાય.

- નટસમ્રાટ

[email protected]

X
article by pranav golwelkar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી