સ્પોર્ટ્સ / યુદ્ધ, ક્રિકેટ વર્લ્ડકપ અને બોયકોટની બબાલ

article by nirav panchal

નીરવ પંચાલ

Mar 04, 2019, 04:42 PM IST

પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યંત તણાવભર્યો માહોલ છે. એ સંજોગોમાં બંને દેશો વચ્ચે વેપાર, સાંસ્કૃતિક અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ થવી જોઈએ કે નહીં એ બાબતે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

  • ભારત સેમિફાઇનલ માટે ક્વૉલિફાય થાય અને પાકિસ્તાન સામે ફરી રમવાનું થાય તો એ તબક્કે આપણે શું કરીશું?

આ સંજોગોમાં ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને મીડિયાએ ક્રિકેટના વિષયમાં પોતપોતાના મત રજૂ કર્યા છે અને તેનાથી ભારતે શું કરવું જોઈએ એના જવાબમાં બે ભાગ પડી ગયા છે. એક પક્ષનું કહેવું એવું છે કે ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં ન રમવું જોઈએ. બીજો પક્ષ એવું કહે છે કે ભારતે વર્લ્ડકપમાં રમવું જોઈએ અને તેમને હરાવવું જોઈએ. બંને પક્ષોની દલીલ અમુક અંશે વાજબી છે અને અમુક અંશે થોડીક વિરોધાભાસી છે. હરભજન સિંહ, ગાંગુલી જેવા ખેલાડીઓ સ્પષ્ટપણે માને છે કે ભારતે પાક સામે વર્લ્ડકપમાં ન રમવું જોઈએ ભારતરત્ન સચીન તેંડુલકર અને લીજેન્ડરી ઓલરાઉન્ડર કપિલ દેવનું કહેવું એવું છે કે પાકને 2 પોઇન્ટ્સ આપી દેવાના બદલે ભારતે મજબૂત ટક્કર આપવી જોઈએ. સચીનની દલીલનું લોજિક એ છે કે ચાલો આપણે પાકિસ્તાન સામે રમવાનું ટાળી દઈએ તો રમ્યા વગર વોકઓવર આપવાના ગ્રૂપ સ્ટેજના 2 પોઇન્ટ્સ જતા કરી દેવા પડે. એનું બીજું પાસું એ પણ છે કે જો ભારત સેમિફાઇનલ માટે ક્વોલિફાય થાય અને પાકિસ્તાન સામે ફરી રમવાનું થાય તો એ તબક્કે શું કરવું જોઈએ એ વિશે કોઈ કહી રહ્યું નથી. જો સેમિફાઇનલમાં પણ ફરી વોકઓવર આપીએ તો વર્લ્ડકપ જતો કરવો પડે. ભારતીય ફેન્સ માટે આ સ્થિતિનો ઉકેલ શોધવો અગ્નિપરીક્ષા સમાન છે. ભૂતકાળમાં કારગિલ યુદ્ધ સમયે ભારત અને પાકિસ્તાનની ટેસ્ટ શ્રેણી યોજાઈ હતી.
કેપ્ટન કોહલીનું કહેવું એવું છે કે બીસીસીઆઇ જે નિર્ણય લે એ આખરી રહેશે. બીસીસીઆઇએ હજુ સુધી કોઈ સ્પષ્ટ વલણ અપનાવ્યું નથી. અધિકારીઓનું કહેવું એવું છે કે ભારત સરકાર જે નિર્ણય લે એ મુજબ વર્લ્ડકપમાં રમવું કે નહીં એ નિર્ણય લેવામાં આવશે. બીસીસીઆઇએ આઇસીસીને આતંકવાદને આશરો આપનાર દેશોનો બોયકોટ કરવા માટે પત્ર લખ્યો છે. આ ખૂબ જ સેન્સિટિવ વિષય છે, મેચ બોયકોટ કરવાને લીધે પડનાર આર્થિક ફટકા અને એડવર્ટાઇઝમેન્ટ રેવેન્યુને ધ્યાનમાં રાખીને આઇસીસી આ મુદ્દા પર પોતાનો પક્ષ લેશે એવું હાલ પૂરતું જણાઈ રહ્યું છે.
[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી