સ્પોર્ટ્સ / રણજી ટ્રોફીમાં વિદર્ભે રંગ રાખ્યો

article by nirav panchal

નીરવ પંચાલ

Feb 17, 2019, 03:26 PM IST

વિદર્ભે સતત બીજા વર્ષે રણજી ટ્રોફી ટાઇટલ જીતી લીધું છે અને એ સાથે વિદર્ભના કેપ્ટન ફૈઝ ફૈઝલે સતત 2થી વધુ વાર રણજી ટાઇટલ ડિફેન્ડ કરનાર કેપ્ટન લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. મુંબઈની ટીમના પૂર્વ કપ્તાન બાપુ નાડકર્ણીએ સતત 3 વાર ટાઇટલ ડિફેન્ડ કર્યાનો રેકોર્ડ છે, જે હજુ સુધી અતૂટ છે. ભારતમાં ક્રિકેટ અતિશય લોકપ્રિય છે અને છતાંય ડોમેસ્ટિક ક્રિકેટને દર્શકો તરફથી જોઈએ એવો પ્રતિસાદ નથી મળતો એ વાત હજુ ય એટલી જ સાચી છે. હજુ ગયા અઠવાડિયે વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાયેલી ફાઇનલનું ઉદાહરણ તાજું છે. ફાઇનલમાં પણ સ્ટેન્ડ ખાલી રહ્યાં હતાં.

  • સિઝનમાં 69 રનની એવરેજથી 1000થી વધુ રન અને 4 સેન્ચુરી સાથે વસીમ જાફરે વિદર્ભને મજબૂત સ્થિતિમાં મૂકી આપ્યું

વિદર્ભની ટીમે રેલ્વેઝ અને મુંબઈ જેવી ખમતીધર ટીમ્સને ધોબીપછાડ આપી ત્યારથીજ ટાઇટલ જીતવાના પ્રબળ દાવેદાર તરીકે આગળ પોઇન્ટ્સ ટેબલમાં આગેકૂચ કરી હતી અને એમાં વેટરન બેટ્સમેન વસીમ જાફરનો સિંહફાળો રહ્યો છે. સિઝનમાં 69 રનની એવરેજથી 1000થી વધુ રન અને 4 સેન્ચુરી સાથે જાફરે વિદર્ભને સિઝન દરમિયાન મજબૂત સ્થિતિમાં લાવીને બોલર્સ માટે ગેમ સેટ કરી આપી છે. ફઝલ અને જાફર જ્યારે જ્યારે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે ત્યારે મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરે ઉપયોગી રન કરીને બોલર્સ ડિફેન્ડ કરી શકે એટલો સ્કોર કરવા સફળ રહ્યા. આદિત્ય સરવતેએ વિદર્ભના રણજી ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એક સિઝનમાં 50થી વધુ વિકેટ લઈને અનોખો કીર્તિમાન અંકે કર્યો છે. ફાઇનલમાં ઇન ફોર્મ ચેતેશ્વર પુજારાની વિકેટ લઈને એણે સાબિત કરી દીધું કે એ સામાન્ય બોલર નથી. વિદર્ભના જ ઉમેશ યાદવ પછી આદિત્યનું નેશનલ ટીમમાં સિલેક્શન ક્યારે થાય તે જોવું રહ્યું.
આ ટાઇટલ જીતમાં કોચ ચંદ્રકાન્ત પંડિતની કોચિંગ ટેક્ટિક્સને હવે અવગણી શકાય એમ નથી. પંડિતે કુલ મળીને પોતાની કોચિંગ કારકિર્દીમાં 5 રણજી ટ્રોફી ટાઇટલ પોતાના નામે કર્યા છે. પંડિત પોતે લેજેન્ડરી કોચ રમાકાન્ત આચરેકરના શિષ્ય રહી ચૂક્યા છે.
રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલ પછીની મેચના અમુક નિર્ણયો અમ્પાયરિંગની દૃષ્ટિએ ચર્ચાસ્પદ રહ્યા. બીસીસીઆઇએ રનઆઉટ, નો બોલ કે સ્ટમ્પિંગના નિર્ણયો માટે રિપ્લે અને થર્ડ અમ્પાયરની નિમણૂક છેલ્લી 4 સિઝનથી કરી છે, પરંતુ કોટ બિહાઇન્ડ કે લેગ બીફોર માટે ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય જ સ્વીકૃત ગણાય છે.
[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી