Back કથા સરિતા
નીરવ પંચાલ

નીરવ પંચાલ

સ્પોર્ટ્સ (પ્રકરણ - 31)
લેખક યુવા ટેક્નોક્રેટ છે અને ‘દિવ્ય ભાસ્કર’માં ખેલકૂદ પર લખે છે.

વિમેન્સ ક્રિકેટ ટીમ, જૂના વિવાદો અને નવા કોચ

  • પ્રકાશન તારીખ06 Jan 2019
  •  

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમના કોચ તરીકે વુરકેરી રમનની વરણી કરવામાં આવી છે. ગયા મહિને વિમેન્સ ટીમ વર્લ્ડકપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમ સામે ખરાબ રીતે હારીને નોકઆઉટ થઇ હતી. એ મેચમાં કેપ્ટન હર્મનપ્રીત કૌરે ટીમની સૌથી અનુભવી ખેલાડી મિથાલી રાજનો સમાવેશ કર્યો નહોતો. આ નિર્ણયને લઇને ખાસો એવો વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ એવા સમાચાર આવ્યા હતા કે એ નિર્ણય કોચ રોમેશ પોવારની સહમતી સાથે લેવાયો હતો.

મિથાલીએ ભારતીય ટીમની હાર બાદ સોશિયલ મીડિયા પર કોચ વિરુદ્ધ પોતાનો આક્રોશ ઠાલવીને પોતાની નારાજગી દર્શાવી હતી. મેચમાં મિથાલી રાજ હોત તો પરિણામ શું હોત એ ચર્ચા અસ્થાને છે પણ આટલી અગત્યની વર્લ્ડકપ સેમિફાઇનલમાં પોતાના સૌથી અનુભવી ખેલાડીને બેન્ચ પર બેસાડી રાખવી એ કપ્તાન તો ઠીક કોચિંગનું તેમજ લીડરશિપનું સ્તર દર્શાવે છે.

પૂર્વ કોચના વિવાદ પછી હવે સૌની નજર નવા કોચ રમન અને એમની કાર્યપદ્ધતિ પર રહેશે. રમન સામે ઘણા મોટા પડકારો છે

વર્લ્ડકપ પહેલા વિમેન્સ ટીમના કોચ તુષાર અરોઠે એ કોચપદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું અને તેમના સ્થાને રોમેશ પોવારને લાવવામાં આવ્યા હતા. તેમનો કોન્ટ્રાક્ટ વર્લ્ડકપ સુધી જ હતો પરંતુ સેમિફાઇનલના પરિણામ પછીના વિવાદોના કારણે તેમનો કોન્ટ્રાક્ટ એક્સટેન્ડ કરવામાં આવ્યો નહોતો. રસપ્રદ વાત એ છે કે મિથાલીએ કોચ રોમેશની સાથે એડમિનિસ્ટ્રેટિવ કમિટીના મેમ્બર ડાયના એડૂલજી પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા.


બીસીસીઆઈએ એડહોક સિલેક્શન કમિટીનું ગઠન કર્યું હતું, જેમાં કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને વિમેન્સ ટીમના કોચને પસંદ કરવાની જવાબદારી સોંપાઈ હતી. કોચ તરીકે ઓવેસ શાહ, મનોજ પ્રભાકર, ગેરી કર્સ્ટન, વેંકટેશ પ્રસાદ અને ડબલ્યુ વી રમન જેવાં નામો પર પણ ચર્ચા થઇ હતી, કોન્ફ્લિક્ટ ઓફ ઇંટ્રેસ્ટના નિયમ હેઠળ બેંગ્લોરની આઈપીએલ ટીમના કોચ હોવાને લીધે ગેરી કર્સ્ટન કોચપદની રેસમાંથી બહાર થઇ ગયા હતા અને રમનના કોચ તરીકેના બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી કરવામાં આવી છે.


સૌની નજર હવે રમન અને એમની કાર્યપદ્ધતિ પર રહેશે. ટીમ સાથે એમની પહેલી ટૂર ન્યુઝીલેન્ડમાં 24 જાન્યુઆરીથી શરૂ થશે. તેઓ બંગાળ અને તામિલનાડુની ટીમના કોચ રહી ચૂક્યા છે અને કિંગ્સ ઇલેવન પંજાબની આઇપીએલ ફ્રેન્ચાઈઝના આસિસ્ટન્ટ કોચ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. રમન સામે ઘણા મોટા પડકારો છે. ટીમમાં અત્યારે બોલિંગ કોચની ગેરહાજરી છે, ત્યારે ટીમ કેવું પરફોર્મ કરે છે એ જોવું રહ્યું.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP