મેડલ્સ જીતવા માટે સ્પોર્ટ્સ ફેડરેશનની ભૂમિકા

article by nirav panchal

નીરવ પંચાલ

Sep 23, 2018, 12:05 AM IST

આપણે અહીં કોમનવેલ્થ ગેમ્સ 2018 દરમિયાન આ કોલમમાં ભારતમાં સ્પોર્ટ્સ વિષેના વાતાવરણ વિષે ચર્ચા કરી ચૂક્યા છીએ. એ વખતનો મુદ્દો એ હતો કે ભારતમાં સ્પોર્ટ્સ ક્લ્ચરનો અભાવ ભારતને વૈશ્વિક ઈવેન્ટ્સમાં મેડલ ન જીતવામાં થોડા ઘણા અંશે કારણભૂત બને છે. નીતિઆયોગનો રિપોર્ટ પણ કંઇક એવું જ જણાવે છે. વર્ષો સુધી સ્પોર્ટ્સ ભારતના ડેવલપમેન્ટ કરીક્યુલમના પરિઘની બહાર રહ્યું હોવાના કારણે ભારતનો સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં સામાન્ય દેખાવ અને સામાન્ય ઇતિહાસ રહ્યો હતો. હોકીમાં એક ધનરાજ પિલ્લાઈ, બેડમિન્ટનમાં એક પ્રકાશ પાદુકોણ, ટેનિસમાં એક વિજય અમૃતરાજ કે પછી ટ્રેક એન્ડ ફિલ્ડમાં એક પી.ટી. ઉષા. બસ, આઝાદી પછી ક્રિકેટ સિવાય ભારતના સ્પોર્ટ્સ ઇતિહાસમાં ગણી શકાય એવાં ખૂબ ઓછાં નામો છે કે જેનો ગૌરવબોધ એક ભારતીય તરીકે આપણને થવો જોઈએ.
વર્ષો સુધી જે જડ માન્યતાઓ ભારતીય માનસિકતામાં સડો કરીને પેસી ગઈ હતી કે ભારતીયો વર્લ્ડ ઇવેન્ટમાં પરફોર્મ ન કરી શકે એમાં છેલ્લાં 15-20 વર્ષોમાં આ બાબતે એક ધરખમ સુધારો થયો છે. હોકીમાં હવે સંદીપ સિંહ, સરદાર સિંહ, બેડમિન્ટનમાં સાઈના નેહવાલ, પી.વી. સિંધુ, ટ્રેક એન્ડ ફિલ્ડમાં દૂતી ચંદ, હિમા દાસ, ટેનિસમાં રોહન બોપન્ના જેવા એથ્લિટ્સ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ અને એગ્રેસિવ માઈન્ડસેટને કારણે હવે ઘરેલુ નામ થઇ ગયાં છે. સમયની માંગ છે કે હવે ભારતમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને વિવિધ ફેડરેશનમાં અનુશાસન આવે અને જેથી કરીને એથ્લિટ્સનો સર્વાંગી વિકાસ થાય અને મેડલલક્ષી તૈયારીઓનો પ્રોગ્રામ બને.

સમયની માંગ છે કે હવે ભારતમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં અનુશાસન આવે

ભારતીય બંધારણ જ્યારે ઘડાયું ત્યારે સ્પોર્ટ્સને એક શોખ તથા મનોરંજનથી વધુ ઊંચો દરજ્જો મળ્યો નહોતો. સ્પોર્ટ્સમાં કારકિર્દી બની શકે અને નવા નવા કીર્તિમાનો રચીને દેશનું નામ ઊંચું થઇ શકે એ ખ્યાલ જ નહોતો. એ ખ્યાલ ન હોવાના ય પોતાના સામાજિક અને આર્થિક કારણો હતાં. છેક 1992 સુધી લિબરલ પોલિસીના આગમન પછી અને ખાસ કરીને વિશેષ બજેટ, સંસ્થાઓ તેમજ કોર્પોરેટ કંપનીઓના આગમન પછી ભારતમાં સ્પોર્ટ્સ હવે એક ક્રાંતિકારી તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. અગાઉ મિત્તલ ચેમ્પિયન્સ ટ્રસ્ટ અને હવે ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ જેવી સંસ્થાઓના અથાગ પ્રયત્નોથી કોઈ પણ વર્લ્ડ ઇવેન્ટમાં ભારતીય મેડલ ટેલી સન્માનનીય સ્થાને પહોંચે છે જ્યાં પહોંચવું આજથી 20 વર્ષ પહેલાં લગભગ મુશ્કેલ લાગતું હતું. ક્રિકેટ તેમજ બીજા અલગ અલગ સ્પોર્ટ્સ ફેડરેશન્સના સામાજિક કે પછી નફો કમાવાના ઉદ્દેશને લીધે સ્પોર્ટ્સ પોતે જ એક ઉદ્યોગ બની ગયો છે. પ્રાઇવેટ કંપની તેમજ વિદેશી કંપનીઓના ઇન્વેસ્ટમેન્ટને લીધે હવે ફ્રેન્ચાઈઝી મોડેલનું આગમન થયું, બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ, ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ, સ્પોન્સર્સ જેવી અલગ અલગ રેવેન્યુ ચેનલ્સ ઊઘડી જવાથી સ્પોર્ટ્સમાં આવકના સ્ત્રોતો વ્યવસ્થિત બની ગયા છે. આમ છતાં હજુ સ્પોર્ટ્સ ગવર્નન્સનું સ્થાન કંઇક ચોક્કસ રીતે ચોખ્ખું જોઈ શકાય એટલું નથી.


જ્યારે મેડલ જિતાય ત્યારે જે તે ગવર્નમેન્ટને જે ક્રેડિટ મળવી જોઈએ એટલી મળતી નથી અને જ્યારે મેડલ જીતવામાં નિષ્ફળતા મળે ત્યારે સરકાર અને એની પોલિસીની ભરપૂર ટીકા થાય છે. જે ન થવું જોઈએ. મેડલ જીતવા માટે સારા એથ્લિટ્સની સાથે સારું ગવર્નન્સ પણ એટલું જ અગત્યનું છે. યાદ રાખવું ઘટે કે જે તે એથ્લિટ્સ જ્યારે મેટ પર કે કોર્ટ પર ઊતરે ત્યારે એની પર કરોડો લોકોની નજર હોય છે. એની માનસિક પરિસ્થિતિ, ન્યુટ્રીશન, કપરા પ્રવાસો અને બીજી તૈયારીઓ માટે જે તે ફેડરેશન અને અધિકારીઓની જવાબદારી જ્યાં સુધી નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી ચોક્કસ પણે મેડલ્સ જીતવાની આશાઓ રાખવી નિરર્થક છે. [email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી