એશિયન ગેમ્સ - મેડલ જીતવાની હરણફાળ

article by nirav panchal

નીરવ પંચાલ

Sep 09, 2018, 12:05 AM IST

જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતે મેડલ્સ ટેલીમાં 69 મેડલ્સ સાથે 8મું સ્થાન મેળવ્યું. મેડલ્સની દૃષ્ટિએ ભારતનું એશિયન ગેમ્સમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું જેમાં ભારતીય એથ્લિટ્સે 15 ગોલ્ડ, 24 સિલ્વર તેમજ 30 બ્રોન્ઝ મેડલ જીત્યા. આ પહેલાં 2014 એશિયન ગેમ્સમાં ભારતે 57 મેડલ્સ જીત્યા હતા અને એ પહેલા ગુંગઝો (ચાઈના) એશિયન ગેમ્સમાં 65 મેડલ્સ જીત્યા હતા. 15 ગોલ્ડ જીતવાની સાથે 67 વર્ષ પહેલાં સૌ પ્રથમ વાર યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે પોતાનો જ ગોલ્ડ મેડલ જીતવાના વિક્રમની બરાબરી કરી. આ વર્ષે અમુક ઈવેન્ટ્સમાં એથ્લિટ્સ ધાર્યા મુજબ મેડલ્સ ન જીતી શક્યા તો બીજી બાજુ અમુક ઈવેન્ટમાં ભારતીય એથ્લિટ્સનો દબદબો રહ્યો.

દેશમાં જો સ્પોર્ટ્સ ક્લ્ચર વિકસશે તો જ એથ્લિટ્સને જીતવાની પ્રેરણા મળશે

મેડલ ટેલીમાં 10 મેડલની વૃદ્ધિ કરવા સાથે ભારતીય શૂટિંગ ટીમે એક મજબૂત પરફોર્મન્સ આપ્યું. રાહી સરનોબતે વિમેન 25 મી.પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનાર હિના સીધુએ 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. રવિ કુમાર અને અપૂર્વી ચંદેલાએ 10 મી. એર રાઇફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો જ્યારે ટીનેજર્સ સૌરભ ચૌધરી તેમજ વીહાને અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર જીતીને મેદાન મારી લીધું. ભૂતપૂર્વ નેવી અફસર સંજીવ રાજપૂતે 50 મી. રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર જીતીને પોતાનું મેડલ જીતવાનું ફોર્મ જાળવી રાખ્યું.


12 આંગળીઓ ધરાવનાર અને પીડાદાયક જડબાથી પરેશાન હેપથાલોન એથ્લિટ સ્વપ્ના બર્મને ગોલ્ડ જીત્યો. ટ્રિપલ જમ્પ ઇવેન્ટમાં 48 વર્ષ પછી અરપિંદર સિંહના શાનદાર પરફોર્મન્સથી ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. જવેલીનથ્રોના સુપરસ્ટાર 20 વર્ષીય નીરજ ચોપરાએ પોતાની ગોલ્ડ મેડલ જીતવાની પરંપરાને આગળ ધપાવી. 100 મીટર રેસમાં દૂતીચંદે 20 વર્ષના અંતરાલ પછી ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. 2014માં સાવ છેલ્લી ઘડીના ટેસ્ટ્સ દરમિયાન હાયપરએન્ડ્રોજેનીસમ કોન્ટ્રોવર્સીનો ભોગ બનેલી દૂતીએ 2 સિલ્વર મેડલ જીતીને એક અકલ્પનિય કમબેક કર્યું છે. ભારતે એથ્લેટિક્સમાં 7 ગોલ્ડ સાથે કુલ 19 મેડલ જીત્યા છે જેમાં 800 મીટર રેસમાં મંજિત સિંહ, 1500 મીટર રેસમાં જીન્સન જોહન્સન, 4X400 મીટર રેસમાં હિમા દાસ, સરિતા ગાયકવાડ અને ટીમ, તેમજ હિમા દાસનો 400 મીટર રેસની સિલ્વર મેડલ એ વાતની સાક્ષી છે કે આવનારા સમયમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ્સમાં ભારતનો મેડલ જીતવાનો સિલસિલો ચાલુ રહેશે.


સેઈલિંગ ટીમે એક સિલ્વર તેમજ 2 બ્રોન્ઝ જીત્યા તો રોવિંગ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો અને રોવિંગની બીજી ઈવેન્ટ્સમાં 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા. બોક્સિંગમાં અમિત પંઘલે 49 કિલો ઇવેન્ટમાં ઉઝબેકિસ્તાનના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ ચેમ્પિયનને પછાડીને ગોલ્ડ જીત્યો તો બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો.


કબડ્ડી તેમજ હોકીમાં ભારતનું પ્રદર્શન ધારણા મુજબ ન રહ્યું. કબડ્ડી વિમેન્સ ફાઇનલમાં અમ્પાયરિંગ ભૂલને કારણે મોમેન્ટમ શિફ્ટ થયું અને ભારતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. જ્યારે મેન્સ ટીમ પહેલી વાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલથી વંચિત રહી. હોકીમાં મેન્સ ટીમ મલેશિયા સામે સેમી ફાઇનલમાં શૂટઆઉટમાં હારી ગઈ જ્યારે વિમેન્સ ટીમ ફાઇનલમાં જાપાન સામે 1-2થી પરાજિત થઇ, આમ માત્ર 1 બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ જીતી શકાયો.
જો દેશમાં સ્પોર્ટ્સ ક્લ્ચર વિકસશે તો જ એથ્લિટ્સને જીતવાની પ્રેરણા તેમજ હકારાત્મક વાતાવરણ મળશે. કોમનવેલ્થ ગેમ્સ બાદ ભારતનું એશિયન ગેમ્સનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. હવે આવું જ પ્રદર્શન 2020 ઓલિમ્પિક્સમાં આગળ આવે છે કે નહિ એ આપણે એક સમાજ, દેશ અને સ્પોર્ટ્સ પ્રેમીઓ તરીકે જોવાની ફરજ છે.

[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી