અંબરમેં કુંતલ જાલ દેખ, પદ કે નીચે પાતાલ દેખ

article by nirav panchal

નીરવ પંચાલ

Sep 02, 2018, 12:05 AM IST

મારા તમારા જેવા કૃષ્ણભક્તોમાં બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા માટે અણુબૉમ્બ તૈયાર કરનાર ડો. રોબર્ટ ઓપનહાઇમર, જર્મન સિક્રેટ પોલીસ શુટઝસ્તાફેલનો કમાન્ડર હેઇનરીક હિમલર તેમજ અહિંસાના પૂજારી એવા શ્રીકૃષ્ણ નામધારી ગાંધીજીનો પણ સમાવેશ થાય છે. આમ દરેક ભક્તના જીવનમાં શ્રીકૃષ્ણનું સ્થાન પોતાની સમજણ મુજબ અલગ અલગ છે.


જો અધ્યાત્મના વાઘા ઉતારી લઇએ તો ગીતા એ મોટિવેશનલ ગ્રંથ છે એમ કહેવામાં કોઈ બાધ નથી જણાતો. સ્પોર્ટ્સમાં દરેક ખેલાડી માટે એક ધ્યેય હોવો જરૂરી છે. જો ધ્યેય નક્કી હોય તો જીત નક્કી થઇ જાય છે. યુદ્ધની શરૂઆતમાં અર્જુનને એ વાંધો નથી કે મારે યુદ્ધ કરવાનું છે, વાંધો એ છે કે જેને મારવાના છે એ બધા પોતાના કુટુંબીઓ છે. આ ક્ષણે પ્રભુ શ્રીકૃષ્ણ પોતે શ્રીમુખેથી અર્જુનને ભગવદ્્ગીતા સંભળાવે છે. એને હથિયાર ઉપાડવા માટે મોટિવેટ કરે છે, ‘તારું કર્મ કર ધનુર્ધર, સફળતા અને નિષ્ફ્ળતાના જોડાણથી દૂર રહીને માત્ર યુદ્ધ કરવા પર ધ્યાન આપ.’ અર્જુન પાંડવોનો એમવીપી છે. શ્રીકૃષ્ણ જાણે છે કે જો અર્જુન હથિયાર મૂકી દેશે તો યુદ્ધમાં પાંડવોનું જીતવું અશક્ય છે. આ પ્રસંગનો સીધો સંબંધ સ્પોર્ટ્સ સાથે છે. ટીમ સ્પોર્ટ્સમાં મુખ્ય ખેલાડીનું પરફોર્મ કરવું, તેને સતત પ્રોત્સાહન તેમજ પોતાની જવાબદારીની યાદ અપાવવી એ એક કોચ કે મેનેજરથી વધુ કોણ જાણી શકે?

શ્રીકૃષ્ણ લીડર છે, વ્યૂહરચના ઘડવામાં માહેર છે. સમય આવ્યે મુત્સદ્દીપણું દાખવે છે

યમુનામાં દડો લેવા એમ જ કૂદકો નથી મારી લેતા, પોતે યોગેશ્વર છે. ધરામાં નાગને નાથવા માટે પોતે કુશળ છે અને જળયુદ્ધના નિષ્ણાત છે. જેના ઝેરથી નગરજનોને તકલીફ અને પીડા થાય છે એને નાથવા માટે પોતે લીડર બને છે. ગેડીદડો રમતી વખતે સાથી ખેલાડીઓને આગળ કરે છે. માખણ ચોરવા માટેની યોજના ય એમની પોતાની અને ઉપર ચડવાનું જોખમ પણ પોતે લે છે.


ક્રિકેટ હોય કે ફોર્મ્યુલા વન રેસ, ટેનિસ હોય કે બોક્સિંગ વ્યૂહરચનાઓનું દરેક સ્પોર્ટ્સમાં આગવું મહત્ત્વ છે. પિતામહ સામે શિખંડીનું યુદ્ધ, જયદ્રથવધ માટે સૂર્યાસ્ત જેવું વાતાવરણ કે પછી ગાંધારીના આશીર્વાદ ન મળે એ માટે દુર્યોધનને કૌપીન પહેરવાનું સૂચન, આમ આવા અનેક પ્રસંગોમાં શ્રીકૃષ્ણે યુદ્ધમેદાનના નિયમો તોડવાના બદલે નિયમોની ધરી પાંડવો તરફી ઝૂકે તેવું આયોજન કર્યું.


શ્રીકૃષ્ણ પોતે લીડર છે, વ્યૂહરચના ઘડવામાં માહેર છે. સમય આવ્યે મુત્સદ્દીપણું પણ દાખવે છે. યુદ્ધ કરવા સામી છાતીએ નરકાસુર સામે લડવા દ્વારિકાથી પ્રાગજોતિષપુર જાય છે પણ જરાસંધ સામે મથુરાનગરીને બચાવવા માટે રણમેદાનમાંથી પીછેહઠ કરીને દ્વારિકાનગરીમાં યાદવોને શાંતિ અને સુખ મળી રહે એ માટે રણછોડ બને છે. પોતે એક શ્રેષ્ઠ વક્તા છે, લોકો સાથે કેવી રીતે વાત કરવી અને એમની ખૂબીઓ અને ખામીઓ પિછાણીને એમની સાથે કયું કામ ક્યારે લેવડાવવું જોઈએ એ સારી રીતે જાણે છે. મહાભારતના યુદ્ધમાં પોતે પાંડવોને રણભૂમિમાં રહીને વિરોધી મહારથીઓ સામે કઈ રીતે જીતવું, યુદ્ધમાં શું ધ્યાન રાખવું એ તમામ બાબતો સુપેરે જાણે છે.


યાદ કરો ભારત પાકિસ્તાનની સુપર ઓવર. 2007ના ટી 20 વર્લ્ડકપમાં ધોનીએ જોગીન્દર શર્માને આખરી નિર્ણાયક ઓવર આપીને કહ્યું હતું કે તું આ પહેલાં કરી ચૂક્યો છે અને મને વિશ્વાસ છે કે તું મેચ જિતાડી આપીશ. જો હારી જઈશું તો એની જવાબદારી હું લઈશ. બોસ અને લીડર વચ્ચેનો આ ભેદ છે. લીડર પ્રેરણા આપે છે અને નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
તમામ વાચકોને જન્માષ્ટમીના મંગલમય પર્વની શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.
(શીર્ષક પંક્તિ : રામધારીસિંહ "દિનકર’)
[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી