ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું કામ કાયદા ઘડવાથી ન થઈ શકે!

article by nagindas shangvi

નગીનદાસ સંઘવી

Sep 16, 2018, 12:05 AM IST

ભ્રષ્ટાચારીઓને સજા કરીને આ દૂષણ નાબૂદ કરવા માટે ત્રીસ વરસ અગાઉ ઘડાયેલા કાયદામાં સુધારણા કરીને ભ્રષ્ટાચારની વ્યાખ્યાનો વધારે વિસ્તાર કરવામાં આવ્યો છે. માત્ર નાણાંની લેવડદેવડ જ નહીં પણ સરકારી દફતરોમાં કામ કરી આપવા માટે હરકોઇ પ્રકારનાં લાભ કે સગવડ કરી આપવામાં આવે તે હવેથી ભ્રષ્ટાચાર ગણાશે. પરદેશી પ્રવાસોની સગવડ કરી આપવી, મોંઘીદાટ હોટલોમાં રહેવાની જોગવાઇ કરવી અથવા બીજી આડકતરી રીતે ધનલાભ કરાવી આપવો તે પણ ભ્રષ્ટાચારનો જ પ્રકાર છે. આ વ્યાખ્યામાં શરીરસુખ માટેની માગણી કરવી તે પણ ભ્રષ્ટાચાર ગણાશે.


આ સુધારણા આવકાર્ય છે પણ અધૂરા છે. ભ્રષ્ટાચાર તો લંકાદહન વખતના હનુમાનના પૂંછડા જેટલી લંબાઇ ધરાવે છે અને સતત વિસ્તાર પામે છે. તેને આવરી લેવા માટે આખી લંકાનગરીનાં ગોદડાં અપૂરતાં થઇ પડેલાં તેમ ભ્રષ્ટાચારનું આવરણ કરવું અશક્ય છે. વ્યાખ્યાઓ બાંધવાથી અથવા સજાની સખ્તાઇ વધારવાથી ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાય અથવા ઘટાડી શકાય તેવું માને તેને સવાયો શેખચલ્લી ગણવો જોઇએ.


સામાજીક કે રાજકીય દૂષણોનું નિવારણ કરવું હોય તો તેની કારણ મીમાંસા શોધવી અને સમજવી જરૂરી છે. ભ્રષ્ટાચાર હંમેશાં અછતના કારણે પેદા થાય છે. દાક્તરી કે ઇજનેરી શિક્ષણ લેવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય તેના કરતાં ઓછી શૈક્ષણિક સંસ્થાઓ હોય ત્યાં સુધી ભાતભાતના રૂપાળા નામે ભ્રષ્ટાચાર થવાનો જ છે. સરકારી કામ કરી આપવામાં બિનજરૂરી વિલંબ કરી શકાય તેવી સગવડ હોય તો જરૂરિયાતમંદ લોકોએ એક યા બીજા રૂપે લાંચ આપવી પડે છે. રુશવતખોરી અને શિખામણ-સલાહ એકબીજાથી વિરુદ્ધ રીતે વર્તે છે. શિખામણ આપવી સહુને ગમે છે, લેવાનું કામ કોઇને ગમતું નથી. લાંચ રુશવત આપવાનું કોઇને પસંદ પડતું નથી પણ લેનારની ખોટ કદી પડતી નથી.

અછત ભ્રષ્ટાચારનું સૌથી મોટું અને મહત્ત્વનું પરિબળ હોવા છતાં અછત એકમાત્ર કારણ નથી. બીજું કારણ લાલસા-માનસિક કારણ છે

આ બાબતનો નક્કર નમૂનો જોવો હોય તેણે 1985 અગાઉની પરિસ્થિતિ જોઇ લેવી. અગાઉના વખતમાં ટેલિફોનની માગણી એટલી જબરી હતી અને સગવડ એટલી ટાંચી હતી કે જરૂરિયાત ધરાવનાર લોકોએ નાના મોટા સરકારી કર્મચારીઓને માંગી રકમ ચૂકવવી પડતી. રાજીવ ગાંધી અને સામ પિત્રોડાએ પાંચ વરસમાં ટેલિફોનની સગવડ એટલી વધારી મૂકી કે 1990 પછી ટેલિફોન ભ્રષ્ટાચાર આપમેળે નાબૂદ થયો અને ટેલિફોન કર્મચારીઓએ માખીઓ મારવા સિવાય બીજું કામ રહ્યું નહીં. આવો જ બીજો દાખલો સિમેન્ટનો આપી શકાય. સિમેન્ટની ભયંકર અછતનો ગેરલાભ ઉઠાવીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અબ્દુલ રહેમાન અંતુલેએ કરોડો રૂપિયા એકઠા કર્યા. હવે સિમેન્ટ માટે કોઇ કોડીની રુશવત પણ આપતંુ નથી.


ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું કામ કાયદા ઘડવાથી કદી થઇ શકે જ નહીં. આગળ વધીને કહીએ તો આવા કાયદાઓ જ ભ્રષ્ટાચારનું રૂપ બદલીને તેમાં ઉમેરણ કરે છે અને અદાલતી કર્મચારીઓ અને વકીલોને રોજગારી પૂરી પાડે છે. રેલવે ટિકિટ આસાનીથી મળી શકે નહીં અને મુસાફરી જરૂરી હોય તો ટિકિટ આપનાર અને તપાસનારને લાંચ મળશે જ તેની ખાતરી રાખવી જોઇએ. જે વસ્તુ, જે સેવા, એ સગવડ લોકો માટે જરૂરી હોય તેને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવી જોઇએ. પણ લાંચ રુશવતનો લાભ લેનાર લોકો તેમાં આડખીલીઓ નાખવાની મથામણ કર્યા સિવાય રહેવાના નથી. દાક્તરી શિક્ષણ માટેની જરૂરી સંસ્થાઓ સ્થાપવા-ચલાવવા માટે સરકારી-બિનસરકારી ક્ષેત્રે તૈયારી હોવા છતાં દાક્તરી મંડળી Medical Council of India તેમાં કેટલીક વખત બિનજરૂરી રીતે આડો પગ કરે છે. ભ્રષ્ટાચાર-આચરનારને સજા કરીએ તેમ અછતની પરિસ્થિતિ ઊભી કરનારને પણ સજા થવી જોઇએ.


અનેક પ્રકારની અછતગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી રહેલાં વિકાસશીલ રાજ્યો અને સમાજોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે હોય છે અને વધારે રહેવાનું છે. અછત ભ્રષ્ટાચારનું સૌથી મોટું અને સૌથી વધારે મહત્ત્વનું પરિબળ હોવા છતાં અછત એકમાત્ર કારણ નથી. બીજું કારણ લાલસા-માનસિક કારણ છે. માણસ અતિશય અસંતોષી પ્રાણી છે. ધન, સત્તા, પ્રતિષ્ઠા ગમે તેટલા પ્રમાણમાં મળે પણ તે કદાપિ પૂરતાં થઇ પડતાં નથી. બધા ધર્મો અને બધા ધર્મપુરુષોએ આ પ્રકારના પરિગ્રહને મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો છે અને અપરિગ્રહને પાંચ મહાવ્રતોમાં સ્થાન અપાયું છે. પણ લાલસા કે પરિગ્રહ છોડવાની વાતો કરવાનું કામ અતિશય સહેલું છે તેનો અમલ કરવો તે અતિશય અઘરું, લગભગ અશક્ય કહી શકાય તેવું કામ છે. લાલસા માનસિક વૃત્તિ હોવાથી કાયદાઓ કે રાજ્યદંડ તેનું નિવારણ કરી શકે તેમ નથી. તેથી બધી રીતે છત હોય તેવા સમાજોમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળે છે.


અંગ્રેજીમાં કહેવાય છે કે દુનિયામાં બધા માણસોની જરૂરિયાત પૂરી પાડી શકાય પણ એક માણસના લોભને પૂરો કરી શકાય નહીં. (It is possible to satisfy the need of all, but not the greed of one person) ભ્રષ્ટાચાર સંપૂર્ણ નાબૂદી શક્ય ન હોય તો પણ તેનો આદર્શ સ્વીકારીને આ દિશામાં જેટલા પ્રમાણમાં જેવી રીતે, જ્યાં સુધી જઇ શકાય ત્યાં સુધી જવું તે સામાજિક વિકાસનો માર્ગ છે.
[email protected]

X
article by nagindas shangvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી