પરિક્રમા / શ્રદ્ધા કે ભક્તિનું મહત્ત્વ કેટલું?

article by nagindas shagavi

નગીનદાસ સંઘવી

Dec 23, 2018, 12:05 AM IST

અનુયાયીઓની સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા આજે દુનિયામાં સૌથી વધારે છે અને જગતમાં ભાગ્યે જ એવો કોઇ દેશ હશે કે જ્યાં ઓછા વધતા પ્રમાણમાં ખ્રિસ્તીઓનો વસવાટ ન હોય. આ પરિસ્થિતિ અને આજના વિશ્વમાં યુરોપના સાંસ્કૃતિક વર્ચસ્વના કારણે આખી દુનિયાએ આજે ખ્રિસ્તી પંચાંગ ને ખ્રિસ્તી ઉત્સવો અપનાવી લીધા છે. ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણીમાં બધા ધર્મોના લોકો ભાગ લેતા હોય છે.

આપણા પૂર્વજોની કથા આપણા મતમતાંતરો કરતાં અલગ છે. આ હકીકત માત્ર ખ્રિસ્તીઓ જ નહીં, હિંદુઓ, મુસલમાનો, બૌદ્ધો, જૈનોને પણ લાગુ પડે છે

પણ નાતાલનો ઉત્સવ મોટાભાગે ખ્રિસ્તીઓ જ ઊજવે છે કારણ કે પચ્ચીસમી ડિસેમ્બર ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ ગણાય છે. નાતાલ એટલે જન્મસ્થાન અથવા જન્મસમય. પણ હવે મૂળ અર્થ ભુલાઇ ગયો છે અને 25મી ડિસેમ્બર માત્ર ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઊજવાય છે પણ 25મી ડિસેમ્બરની ઉજવણી તો ઇસુના જન્મ અગાઉ બે હજાર વર્ષથી થતી આવે છે અને ઇસુ જોડે 25મી ડિસેમ્બરને કશો સંબંધ નથી. ગરીબ, અજ્ઞાન, કુટુંબમાં જન્મેલા ઇસુ ખ્રિસ્તના જન્મની તારીખ કોઇ જાણતું નથી અને બાઇબલમાં પણ તેનો કશો ઉલ્લેખ નથી.


25મી ડિસેમ્બર મકરસંક્રાંતિના ઉત્સવ તરીકે પ્રાચીન ઇજિપ્તમાં ઊજવાતી હતી અને બધા સમ્રાટો દેવાશી ગણતા હોવાથી 25મી ડિસેમ્બર દરેક સમ્રાટના જન્મદિન તરીકે ઊજવવાનો રિવાજ પડ્યો. આધુનિક ખગોળશાસ્ત્રના આધારે ચાલીએ તો સૂર્યનો મકર પ્રવેશ એકવીસમી ડિસેમ્બરે થાય છે. આપણે ચૌદમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઊજવીએ છીએ તે આપણા ખગોળશાસ્ત્રીઓના અજ્ઞાનનું પરિણામ છે અને પચ્ચીસમી ડિસેમ્બરની ઉજવણી તે ઇજિપ્તમાં ખગોળશાસ્ત્રીઓની ગણતરી ભૂલ છે, પણ રિવાજ પડ્યો તે પડ્યો અને રૂઢિ-રિવાજ બધાં શાસ્ત્રો કરતાં વધારે મજબૂત હોય છે.


ઇજિપ્તને જીતી લેનાર પારસી સમ્રાટ દરીયુષ પ્રાચીન ઇતિહાસના બાહોશ વહીવટકાર હતા અને 25મી ડિસેમ્બર પારસી સમ્રાટોના જન્મદિવસ તરીકે ઊજવવાની શરૂઆત કરી. પારસી સામ્રાજ્ય ગ્રીસના સેનાપતિઓએ જીતી લીધું અને આ નબળું પડી ગયેલું સામ્રાજ્ય રોમના કબજામાં આવ્યું ત્યારે રોમના ગણતંત્રનું રાજકારણ હતું. પણ જુલિયસ સીઝરના અનુગામીઓએ ગણતંત્રનો નાશ કરીને રાજાશાહી સ્થાપી ત્યારે 25મી ડિસેમ્બર રોમન બાદશાહોનો જન્મદિવસ તરીકે ઊજવવાનો રિવાજ પડ્યો અને પાંચસો વરસ સુધી આ દિવસ રોમન બાદશાહોના જન્મદિવસ તરીકે ઊજવાતો હતો.


આવી એક ઉજવણીના પ્રસંગે યેરુસલેમમાં ઇસુનાં માબાપ આવ્યાં ત્યારે બાળક ઇસુ તેમની સાથે હતા. ખ્રિસ્તી સંપ્રદાયના કેટલાક વિદ્વાન ઇતિહાસકારોના માનવા મુજબ ઇસુ તે વખતે ચાર વરસના હતા તેથી ખ્રિસ્તી સંવતનો આરંભ ખોટી રીતે થયો છે તેવું પણ કહેવાય છે.


મકરસંક્રાંતિની ઉજવણી થવાનું કારણ એ છે કે એકવીસમી ડિસેમ્બરથી સૂર્યની ગતિ ઉત્તર ભૂખંડમાં શરૂ થાય છે અને અતિશય ઠંડીમાં ઠુંઠવાઇ મરતાં માનવીઓ, પશુઓ અને વનસ્પતિને પણ મોટી રાહત મળે છે. આજની સુવિધાઓ- ગરમ કપડાં અથવા એરકંડિશનો અને છત્રીઓના કારણે ઋતુઓની ફેરબદલી આપણા માટે મહત્ત્વની નથી પણ ખુલ્લાં જંગલો, પર્વતો કે નદીકિનારે વસવાટ કરનાર આદિમાનવો માટે સૂરજનો તડકો કેટલો મહત્ત્વનો હોય તેની કલ્પના કરવી અઘરી નથી. આ ફેરફાર-ઠંડીની વિદાય અને વસંત, ગ્રીષ્મનું આગમન સમાજ માટે વધામણાનો અવસર છે. ભગવાન કે ભગવાનના અવતાર જેવા રાજાઓ જ આ ચમત્કાર કરી શકે તેવી માન્યતા સહજ છે.


રોમ સામ્રાજ્ય લગભગ પાંચસો વરસ ટક્યું અને પછી જર્મનોના હાથે ખતમ થયું. તદ્દન સંસ્કારવિહીન જર્મનોએ ફેલાવેલી અંધાધૂંધીના કારણે યુરોપમાં અંધારયુગ શરૂ થયો. ત્રણસો વરસ સુધી યુરોપમાં રાજતંત્ર નથી, વહીવટ નથી, કાયદો નથી, શાળાઓ નથી. નીતિમત્તાના કોઇ ધારાધોરણ નથી, માટે જેની તલવાર અને લાઠી તેની ભેંસ એવા આ જમાનામાં માત્ર એક નાનકડું કોડિયું ટમટમી રહ્યું અને ખ્રિસ્તી સંપ્રદાય-ચર્ચ સર્વભૌમ બન્યું. ગીબન લખે છે તેમ રોમન કેથલિક ચર્ચ રોમન સામ્રાજ્યનો મુગટ પહેરીને તેની કબર પર ચડી બેઠું અને આ રોમન કેથલિક ચર્ચના કારણે થોડું ભણતર, થોડાં પુસ્તકો, થોડા નીતિનિયમો, થોડી વ્યવસ્થા સચવાઇ રહ્યાં.

આ ત્રણસો વરસ (ઇસવીસન 500થી 800) યુરોપના ઇતિહાસમાં અતિશય બેહાલીનો જમાનો છે પણ રોમન કેથલિક ચર્ચે પોતાના બાદશાહ, પોતાના પયગંબર ઇસુ ખ્રિસ્તના જન્મદિનના ધાર્મિક ઉત્સવ તરીકે ઊજવવાની શરૂઆત કરી અને આજની ઘડી સુધી આ ઉત્સવ ઊજવાતો રહ્યો છે.


25મી ડિસેમ્બરની ઉજવણીની આ ઇતિહાસ કથા શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક છે પણ ઇતિહાસના કઠોરશાસ્ત્રમાં શ્રદ્ધા કે ભક્તિનું ખાસ કશું મહત્ત્વ હોતું નથી. આપણા પૂર્વજોની કથા આપણા મતમતાંતરો કરતાં ઘણી અલગ છે. આ હકીકત માત્ર ખ્રિસ્તીઓ જ નહીં પણ હિંદુઓ, મુસલમાનો, બૌદ્ધો, જૈનોને પણ લાગુ પડે છે. કોઇપણ ધર્મની ઐતિહાસિક માનવકથા બધાં દેવ-દેવીઓને ભૂંસી નાખે છે.
[email protected].com

X
article by nagindas shagavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી