આપણે ત્યાં મોરચાઓનો અનુભવ બહુ સારો નથી રહ્યો

article by nagindash shanvi

નગીનદાસ સંઘવી

Sep 05, 2018, 12:05 AM IST

પ્રાદેશિક અને રાષ્ટ્રીય ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગવા માંડ્યા છે અને નાની-મોટી દરેક ઘટના અંગે આગેવાનો જે પ્રતિભાવ આપે છે તેમાં ચૂંટણીની ઝલક આબેહૂબ ઝીલી શકાય છે. રાહુલ ગાંધીએ જર્મની અને ઇંગ્લેન્ડની સભાઓમાં સંઘ પરિવાર અને નરેન્દ્ર મોદી સામે જે ઘણા ઘાતી પ્રહારો કર્યા તેમાં પણ ચૂંટણી ઝુંબેશની કડવાશ નીતરે છે. 2014ની ચૂંટણીમાં અને ત્યાર પછી મળેલા પરાજયની લાંબી હારમાળાથી તેમને જે કઈ વેદના-હતાશા થઈ હશે તેનો અણસાર સુધ્ધાં તેમણે આવવા દીધો નથી.

લાંબા વખતથી રાજસત્તાનો ભોગવટો કરનાર અંદરખાનેથી સડી જાય તે આખી દુનિયાનો દસ્તૂર છે. આજે આ રોગથી કોંગ્રેસ પક્ષ પરેશાન છે, આવતી કાલે...

જોકે, તેમની આ કડવાશ માત્ર વિરોધીઓ પ્રત્યે નથી. પોતાના જ પક્ષના વયોવૃદ્ધ આગેવાનોને પણ તેમણે છોડ્યા નથી. 2014ના પરાજયનાં કારણોમાં તેમણે કોંગ્રેસ આગેવાનો વચ્ચે વૃદ્ધ અને યુવાન નેતાઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને પણ જવાબદાર ઠરાવ્યો છે, પણ 2014 વખતે અતિશય વૃદ્ધ કહી શકાય તેવા આગેવાનો સત્તાસ્થાને ન હતા. ચિદંબરમ્, એન્થની કે કમલનાથને અતિશય વૃદ્ધ કહી શકાય તેમ નથી અને ડો. મનમોહનસિંહને પરાજય માટે જવાબદાર ગણવા એ તો એકડો છોડીને મીંડાને વળગવા જેવું થાય. કોંગ્રેસ પક્ષની સૌથી મોટી નબળાઈ જ એ છે કે તેના સમર્થ અને સંનિષ્ઠ આગેવાનોને પ્રજા સમક્ષ કદી મૂકવામાં આવતા નથી. કોંગ્રેસ પક્ષ એટલે ઇન્દિરા ગાંધી પરિવાર એવું કાયમી સમીકરણ થઈ ગયું છે અને તેથી ખુદ કોંગ્રેસમાં પણ વૈકલ્પિક નેતાગીરીને વિકસવા માટે અવકાશ મળતો નથી.


રાજવંશોનો જમાનો પૂરો થયો છે તે રાહુલ ગાંધી પણ સારી પેઠે સમજે છે અને તેથી નરેન્દ્ર મોદીએ વાપરેલા ‘શાહજાદા’નું વિશેષણ તેમને સૌથી વધારે ખૂંચે છે, પણ એક જ કુટુંબને પ્રાધાન્ય મળવાથી આખો કોંગ્રેસ પક્ષ એક જ થાંભલા પર ઊભેલો પક્ષ બની ગયો છે. આ થાંભલો ઇન્દિરા ગાંધી જેવો મજબૂત હોય તો તેમાં કશું જોખમ નથી, પણ રાજીવ ગાંધી જેવા નબળા પુરવાર થયેલા આગેવાનના કારણે કોંગ્રેસ પક્ષે અને રાજવંશે પણ લાંબો વખત વનવાસમાં ગુજારવો પડ્યો.


લોકશાહીમાં સિંહાસને પહોંચવા માટેનો એકમાત્ર માર્ગ ચૂંટણી હોય છે અને રાહુલ ગાંધીએ અનેક ચૂંટણીઓમાં પોતાની નબળાઈ પુરવાર કરી છે. છેલ્લે કર્ણાટકમાં ભાજપે જીતેલી બાજુ ગુમાવી છે અને કોંગ્રેસે પોતાની જીતનો ભોગ આપીને સંયુક્ત સરકારમાં ભાગીદારી મેળવી લીધી છે, પણ આ સરકારમાં ઊભા થયેલા વિખવાદ કર્ણાટકી અખબારોમાં જોરશોરથી ગાજે છે.


2019ની રાષ્ટ્રીય ચૂંટણીમાં ઝુકાવતા અગાઉ કોંગ્રેસે અને ભાજપે પણ અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહે છે અને રાજસ્થાન-મધ્યપ્રદેશમાં તો લગભગ સીધો સામનો થવાનો હોવાથી ભાજપ-કોંગ્રેસના બળાબળની પરીક્ષા આપમેળે થઈ જવાની છે.


30 વર્ષ પછી લોકસભામાં કોઈ પણ એક પક્ષે બહુમતી બેઠકો જીતવાનું પરાક્રમ ભાજપે કરી બતાવ્યું છે અને છતાં તેમણે નામ પૂરતો ભાજપી મોરચો પણ અકબંધ જાળવી રાખ્યો છે. આ મોરચામાંથી શિવસેના અને તેલુગુ દેશમ પક્ષે વિદાય લીધી છે, પણ પોતપોતાના પ્રદેશની બહાર આ બેમાંથી એક પણ પક્ષનું કશું મહત્ત્વ નથી.


નરેન્દ્ર મોદીએ 31 ટકા જેટલા મતદારોના ટેકાથી બહુમતી મેળવી છે, તેથી બધા વિરોધ પક્ષો એક થઈ જાય તો તેમને સહેલાઈથી હરાવી શકાય તેવું માનવામાં આવે છે, પણ ચૂંટણીનું ગણિત આટલું સીધુંસાદું નથી. રાજકીય પક્ષોના આગેવાનો એક થઈ જાય તેના કારણે મતદારો પણ એક થઈ જાય છે તેવું માની લેવાનું કારણ નથી અને વિરોધ પક્ષોની એકતા આડે હજુ ઘણાં વિઘ્નો ઊભેલાં છે. પ્રાદેશિક કક્ષાએ મજબૂતી ધરાવતા રાજકીય પક્ષો પોતપોતાના મતદાર સંઘોને જાળવી રાખવા ઉત્સુક હોય છે અને તેથી પોતાને મનધારી સંખ્યામાં ઉમેદવારી કરવા ન મળે તો સંગઠન સાધવાનું અતિશય અઘરું, લગભગ અશક્ય બની જાય. પોતાના ક્ષેત્રમાં ગઠબંધનના સાથી પક્ષો માટે જગા ફાળવવા માટે કોઈ પક્ષ તૈયાર ન થાય. ઉત્તરપ્રદેશ, બંગાળ, આંધ્ર કે બિહારમાં કોંગ્રેસી ઉમેદવારોની મોટી સંખ્યા કોઈ સાંખે નહીં અને ઓછી સંખ્યામાં ઉમેદવાર મળે તો કોંગ્રેસ તેમાં જોડાવા તૈયાર થાય તેવું બનવું શક્ય દેખાતું નથી.


મોરચો બાંધવા માટે મુખ્ય વિરોધ પક્ષોના આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે તેમ ભાજપ પણ પોતાના સાથીઓને ટકાવી રાખવા અને નવા સાથીઓની શોધ માટે મથામણ કરશે જ અને કેન્દ્રમાં અને 15 રાજ્યોમાં સત્તા ધરાવનાર ભાજપ પોતાના જૂના સાથીઓને રાજી રાખવા અને નવા સાથીઓને મેળવવા માટે જે અને જેટલું આપી શકે તેટલું કોંગ્રેસ આપી શકે તેમ નથી. કોને, કેટલું, ક્યારે અને કેવી રીતે મળે છે તેની ગણતરી રાજકારણમાં તોડજોડની મુખ્ય ગણતરી હોય છે. આજે પણ રાહુલ ગાંધી જેટલા ઉત્સાહથી ચૂંટણીની ઝુંબેશ ચલાવી રહ્યા છે તેટલો સક્રિય ઉત્સાહ અન્ય આગેવાનોમાં દેખાતો નથી.


લાંબા વખતથી રાજસત્તાનો ભોગવટો કરનાર અંદરખાનેથી સડી જાય તે આખી દુનિયાનો દસ્તૂર છે. આજે આ રોગથી કોંગ્રેસ પક્ષ પરેશાન છે, આવતી કાલે આ પરિસ્થિતિનો સામનો ભાજપે પણ કરવો પડશે. રાજકારણમાં તો ‘આજનો લહાવો લીજિયે રે કાલ કોણે દીઠી છે.’ તે સ્થિતિનો સ્વીકાર કરવો જોઈએ.

1967થી
આપણા દેશમાં નાના-મોટા પક્ષોના મોરચાઓ બંધાયા છે અને બંધાયા પછી લગભગ તરત જ તૂટી પડ્યા
છે

વિપક્ષોનું ગઠબંધન થાય તે પહેલાંથી વિખવાદ શરૂ થયો છે. કોંગ્રેસ કારોબારીએ રાહુલનું નામ આગળ ધર્યા પછી રાહુલ ગાંધીએ પરિસ્થિતિ સુધારી લીધી છે અને કટ્ટરપંથી હિન્દુત્વની નાગચૂડથી મુક્ત હોય તેવા કોઈ પણ આગેવાનને કોંગ્રેસ વડાપ્રધાન તરીકે સ્વીકૃતિ આપશે.
ગઠબંધન માટે અતિશય જહેમત ઉઠાવનાર મમતા બેનરજીએ ચૂંટણી પછી આગેવાન નક્કી કરવાની સૂચના આપી છે. પોતે વડાપ્રધાન પદના ઉમેદવાર નથી તેવી સ્પષ્ટતા કરીને રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ અને અઠંગ રાજકારણી શરદ પવારે દરખાસ્ત કરી છે કે 2019ની ચૂંટણીમાં જે પક્ષને વધારેમાં વધારે બેઠક મળે તેનો આગેવાન વડોપ્રધાન બને.


આ દરખાસ્ત થોડી ઉતાવળે કરવામાં આવી છે. હજુ તો ગઠબંધનની સ્થાપના માટેની મંત્રણા પણ શરૂ થઈ નથી. આવા મોરચા બંધાય, મોરચાનો વિજય થાય અને બહુમતી બેઠકો મળે તો પણ કોઈ પણ એક પક્ષને નિર્ણાયક સંખ્યામાં બેઠકો મળવાની નથી. ઈ.સ. 1967થી આપણા દેશમાં નાના-મોટા પક્ષોના મોરચાઓ બંધાયા છે અને બંધાયા પછી લગભગ તરત જ તૂટી પડ્યા છે. આપણે ત્યાં મોરચાઓનો અનુભવ બહુ સારો નથી રહ્યો અને કોંગ્રેસી મોરચાના અતિશય વિચક્ષણ અને અતિશય સંનિષ્ઠ વડાપ્રધાન મનમોહનસિંહે પણ લાલુપ્રસાદ, શાહબુદ્દીન અને શીબુ સોરન જેવા ગુનાખોરોને પ્રધાનમંડળમાં સ્થાન આપીને આબરૂ ગુમાવવી પડેલી.
[email protected]

X
article by nagindash shanvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી