ચૂંટણી પૈસા વગર ન જીતાય, પણ માત્ર પૈસાથી પણ ન જીતાય

article by nagindash shangvi

નગીનદાસ સંઘવી

Sep 02, 2018, 12:05 AM IST

ભારતમાં ચૂંટણીઓ લડવા માટેના જે નિયમો ઘડાયા છે તેમાં કેટલીક વાહિયાત જોગવાઇઓનો પણ સમાવેશ થાય છે અને આગે સે ચલી આતી હૈ તેથી તે બાબતમાં નવેસરથી વિચાર કરવાની કોઇને જરૂર લાગતી નથી. ચૂંટણીમાં ઊભા રહેનાર ઉમેદવારે કેટલો ખર્ચ કરવો તેની રકમ ઠરાવવામાં આવી છે. છેલ્લી ગોઠવણ મુજબ લોકસભાનો ઉમેદવાર સિત્તેર લાખ સુધી ખર્ચી શકે છે. મોટાં રાજ્યોની વિધાનસભાના ઉમેદવાર માટે 28 લાખ ઠરાવવામાં આવ્યા છે.

આધુનિક લોકશાહીમાં ચૂંટાઇ આવવું હોય તો ઉમેદવાર કાં તો સંત હોવો જોઇએ, અથવા શ્રીમંત જોઇએ અને કાં તો શઠ હોવો જોઇએ

આ મોટી દેખાતી રકમ ખરેખર એટલી ઓછી છે કે આટલો ખર્ચ કરનાર ચૂંટણી જીતી શકે જ નહીં. લોકસભાના મતદાર ક્ષેત્રમાં સરેરાશ આઠથી દસ લાખ મતદારો હોય છે. ઉમેદવાર પોતાના તમામ મતદારોને એક જ કાગળ ટપાલથી મોકલી આપે તેમાં ચાલીસ લાખનો ખર્ચ થાય. તેથી ઉમેદવારોએ રસ્તો કાઢ્યો છે. તેમણે ચૂંટણી પત્યા પછી જે ખર્ચેલી રકમનો જે હિસાબ આપવાનો હોય તે બધા હિસાબ ખોટા લખવામાં આવે છે. બધા ઉમેદવારોએ આપેલા આ હિસાબ ખોટા છે તેવું ચૂંટણીપંચના અધિકારીઓ પણ સારી પેઠે સમજે છે પણ આટલી ઓછી રકમ વાપરવાના નિયમના બધા ઉમેદવારોએ ખોટા હિસાબ સાચા હોવાના પત્ર પર સહી કરવી પડે છે. આપણા તમામ ચૂંટાયેલા ઉમેદવારોના રાજકીય જીવનની શરૂઆત એક જુઠ્ઠાણાથી થાય છે તેમાં એક પણ અપવાદ નથી. જવાહરલાલ હોય કે મોરારજીભાઇ હોય પણ ઠરાવેલી રકમમાં કોઇ ચૂંટણી જીત્યું જ નથી.


આમાં વ્યક્તિગત આગેવાનનો દોષ નથી, દોષ નિયમનો છે. કાયદો એટલો વાહિયાત છે કે તેનું પાલન થઇ શકે જ નહીં અને આવા અતિશય ઊંચા આદર્શો ઠોકી બેસાડવામાં આવે ત્યારે લોકોએ ઢોંગી બનવું જ પડે છે. પોતાની ભૂલ સ્વીકારી લેવાના બદલે ચૂંટણીપંચે દરેક ઉમેદવાર પર દેખરેખ રાખવા માટે નિરીક્ષકો રાખ્યા છે, રોજરોજનો હિસાબ લખાય તેવો આગ્રહ રાખ્યો છે. તેના કારણે ઉમેદવારે હિસાબનીશનો ખર્ચ ઉપાડવો પડે છે અને નિરીક્ષકોના પગારભથ્થાં ચૂંટણીપંચે ચૂકવવાં પડે છે.


તેથી ચૂંટણીઓ વધારે ને વધારે મોંઘી અને વધારે ને વધારે ફરેબી બનતી જાય છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં સરકાર ઉમેદવારો અને રાજકીય પક્ષોએ મળીને કુલ રૂ. 30,000 કરોડનો ખર્ચ કર્યો તેવો અંદાજ મુકાયો છે. 543 સભાસદોની ચૂંટણીનો સરેરાશ ખર્ચ જણ દીઠ 6000 કરોડનો લગભગ થાય છે. સિત્તેર લાખની ખર્ચ મર્યાદા અને સરેરાશ 6000 કરોડની આ બે વચ્ચે કશો મેળ બેસાડવો અશક્ય છે. ચૂંટણીખર્ચની મર્યાદા દુનિયાની બીજી કોઇ લોકશાહીમાં જોવા મળતી નથી. આપણે બધાથી મુઠી ઊંચેરા છીએ તેવા ભ્રમમાં રાચવાથી કશો ફાયદો થવાનો નથી. આવી મર્યાદા રાખવાથી આપણી લોકસભા અને વિધાનસભાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ચૂંટાઇ આવશે તેવી દલીલ હાસ્યાસ્પદ છે. આધુનિક લોકશાહીમાં ચૂંટાઇ આવવું હોય તો ઉમેદવાર કાં તો સંત હોવો જોઇએ, અથવા શ્રીમંત જોઇએ અને કાં તો શઠ (હરામખોર) હોવો જોઇએ. સંતો દુનિયામાં શોધ્યા જડતા નથી અને જડે તો પણ રાજકારણમાં તેમનું કશું ઊપજે નહીં તેથી શ્રીમંત અને શઠ લોકો જ ચૂંટણીમાં વિજયી બની શકે છે.


આ હકીકત દુનિયાભરનો દસ્તૂર છે. અમેરિકાની સેનેટ તો કરોડપતિઓની ક્લબ (club) તરીકે જ ઓળખાય છે અને આપણી પાર્લામેન્ટમાં મધ્યમ વર્ગનો અથવા ગરીબ સમાજનો સાંસદ શોધ્યો જડવાનો નથી. ચૂંટણીખર્ચની મર્યાદા ઠરાવવી અને આટલી નાનકડી રકમની છૂટ આપવી તે અસત્યને અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા જેવું થાય. આધુનિક લોકશાહીના ટીકાકારો તેને (plutocracy) શ્રીમંતોનું રાજ્ય કહે છે. તેમાં થોડી અતિશયોક્તિ છે પણ વાત ખોટી નથી. આધુનિક લોકશાહીના કારભારમાં આમજનતાનો ભાગ નથી પણ તેમનો અવાજ જરૂર સંભળાય છે કારણ કે ઉમેદવારો શ્રીમંત હોય છતાં ગરીબ અને મધ્યમ સ્થિતિના મતદારો પાસે જઇને તેમણે કાલાવાલા કરવા પડે છે અને સત્તા મળ્યા પછી ફરી વખત ચૂંટાઇ આવવા માટે લોકોનાં કામ થોડા ઘણા અંશે પણ કરવાં પડે છે. ચૂંટણી પૈસા વગર જીતી શકાય નહીં પણ માત્ર પૈસાથી પણ જિતાતી નથી. લોકમતની જરૂર પડે છે. અમદાવાદમાં જયકૃષ્ણ હરિવલ્લભદાસ જેવા શ્રીમંત ઇન્દુચાચા જેવા ફકીર સામે હાર્યા.


ચૂંટણીની રમતમાં ઘણાં પરસ્પર વિરોધી પરિબળો સંડોવાય છે તેથી માત્ર નાણાંથી, માત્ર લોકચાહનાથી, માત્ર જોરતલબીથી, માત્ર લાંચરુશવતથી કે માત્ર મતદારોને દારૂ પાવાથી ચૂંટણી જીતી ન શકાય. આ બધાની પંચકુટિયા ભેળ જરૂરી બને છે. ચૂંટણીમાં બધાની જરૂર પડે છે, પણ મૂળ મુદ્દો ફરી ખંખોળીએ તો કાં તો ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચની મર્યાદા કાઢી નાખવી જોઇએ કાં તો રકમ વાજબી ઠરાવવી જોઇએ. ચૂંટણી મર્યાદા કાઢી નાખવાથી કશો ફરક પડવાનો નથી. ઉમેદવારે તો અત્યારે પણ મન ફાવતો ખર્ચ કરવો પડે છે અને કરે છે પણ ખરા. પણ આવી મર્યાદા રદ કરવામાં આવે તો ચૂંટણીમાં ઢોંગબાજી અને જુઠ્ઠાણાં થોડાં ઓછાં થાય. કાયદા ઘડવાથી લોકોને ડરાવી કે લલચાવી શકાય પણ કાયદાથી લોકોને કે સમાજને સુધારી શકાય નહીં તે કડવા સત્યનો ઘૂંટડો ગળે ઉતાર્યા સિવાય ચાલવાનું નથી.
[email protected]

X
article by nagindash shangvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી