સન્માનને લાયક બનવું પડે છે

article by nagindash sangvi

નગીનદાસ સંઘવી

Sep 12, 2018, 12:05 AM IST

ભારતીય લોકશાહીના આગેવાનો અને આમજનતા પણ પોતાનાં વાણી અને વર્તનથી ભારતીય લોકશાહીની આબરૂ અને સંસ્થાકીય કાર્યક્ષમતા ધૂળધાણી કરી રહ્યા છે. કોઈ પોતાના કાર્યકરોને રાજી રાખવા માટે મનગમતી છોકરીઓ ઉઠાવી લાવવાની દરખાસ્ત કરે છે તો કોઈ પોતાના રાજકીય પક્ષના DNAમાં બ્રાહ્મણત્વનો આભાસ જોઈ રહ્યા છે. ધર્મ કે જાતિના નામે લોકરંજનના ઢોલ પીટનાર લોકો દેશ અને સમાજને પછાતપણા તરફ ધકેલવામાં પાછું વળીને જોતા નથી. ચોતરફ લાવ-લાવ અને ખાઉં-ખાઉંના બૂમબરાડાથી લોકશાહી ટોળાશાહીમાં પલટાઈ ગઈ છે.

પક્ષપાતી સભાપતિઓ સાંસદો, ધારાસભ્યો તરફથી માન મેળવવા
માટે લાયકાત ધરાવતા નથી

અમેરિકાના માજી પ્રમુખ કેનેડીની વિખ્યાત હાકલ (દેશ અને સરકારે તમારા માટે શું કર્યું છે તે પૂછવાના બદલે તમે દેશ અને સરકાર માટે શું કર્યું છે તે પૂછતા શીખો.) આપણા માટે કલ્પનાતીત બાબત બની ગઈ છે. મોઢું ભરાઈ જાય અને આંખ ફાટી પડે તેવા ભયંકર શબ્દોની ચોતરફ ફેંકાફેંકી થઈ રહી છે. સત્તાધારીઓનો વિરોધ કરીને તેમને પાઠ ભણાવવાનો લોકશાહીનો મોંઘા મૂલનો અધિકાર ભાંગફોડ અને ખૂનામરકી માટે વપરાય છે અને પોતે કરેલા પાપ પર પ્રકાશ પાથરવા કોઈ તૈયાર થતું નથી. સમાજમાં દાખલો બેસાડવા માટે નમૂનેદાર વર્તાવ કરવાની જેમની જવાબદારી છે તે પ્રજાના પ્રતિનિધિઓ પોતાના નમૂના જેવા વર્તાવથી આમજનતાને અવળા રસ્તે ચડાવી રહ્યા છે.


ભારતીય રાજકારણમાં સતત પ્રગટ થઈ રહેલાં આ બધાં વિવિધ લક્ષણોનો સરવાળો કરીએ તો જે મહારોગ આપણને વળગ્યો છે તેને ટોળાશાહીનું નામ આપી શકાય. આપણી પરિસ્થિતિનું વર્ણન કરવાનું અથવા તેને વખોડી કાઢવાનું કામ ઘણું સહેલું છે, પણ તેના નિવારણ માટેનો ઉપાય-યોજના ઘડી કાઢવી અને તેનો અમલ કરવો તે ઘણું વધારે અઘરું કામ છે.


ઉપપ્રમુખ અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ એક ઉપાય બતાવ્યો છે અને તેમણે ઉપરની ટોચથી સુધારણાનો આગ્રહ રાખ્યો છે. પ્રજા જેમને પોતાના પ્રતિનિધિઓ તરીકે ચૂંટી કાઢે છે અને નાના-મોટા દરેક પ્રસંગે તેમના તરફ મીટ માંડે છે તેવા સાંસદો અને ધારાસભ્યોએ પોતાનાં વાણી અને વર્તનને વધારે નમૂનેદાર બનાવવા જોઈએ. આ વરિષ્ઠ વર્ગ સુધરી જાય તો તેમની દેખાદેખીએ બીજા લોકો પણ આપમેળે સુધરશે અથવા તેમને સુધારવા માટે બીજા ઉપાય શોધવા પડશે, પણ ઉપપ્રમુખે પોતાના ઘરથી સુધારણાની શરૂઆત કરવાનો અનુરોધ કર્યો છે.


સાંસદો અને ધારાસભ્યોએ પાર્લામેન્ટ, ધારાસભાઓમાં અને બહાર પણ જે રીતે વર્તવું-બોલવું જોઈએ તે માટેની એક આદર્શ આચારસંહિતા બનાવવી જોઈએ અને તેનો ચોકસાઈથી અમલ કરવો જોઈએ. આ પ્રકારની આચારસંહિતા ઘડાય અને બધા સાંસદો, ધારાસભ્યો તેનું પાલન કરે તેવી અપેક્ષા પણ રાખવામાં આવે છે. આચારસંહિતાનું પાલન ન કરે તેમના માટે ખાસ કોઈ સજાની જોગવાઈ તેમાં કરવામાં આવશે કે કેમ તે વિશે વેંકૈયા નાયડુએ કશી ચોખવટ કરી નથી. જે આચાર કે વિનંતીની પાછળ દંડશક્તિનું બળ હોતું નથી તેનું પાલન કોઈ કરે નહીં.
દેખીતી રીતે વાજબી લાગે તેવી આ દરખાસ્ત બે રીતે ખોટી છે. આવી આચારસંહિતા તો જાગતાને જગાડવા જેવી વ્યર્થ છે. પોતાનાં વાણી કે વર્તન બરાબર નથી તેવું તો બધા સાંસદો અને બધા ધારાસભ્યો જાણતા જ હોય છે. સામાન્ય માણસ કોઈ પણ બાબતમાં ખોટું કે ખરાબ કરતો હોય ત્યારે પોતાના દોષ તો તે જાણતો જ હોય છે અને જાણવા છતાં પણ તે લોભ-લાલચ અથવા ક્રોધના કારણે ગેરવર્તન કરે છે. મહાભારતમાં મહાપાપી ગણવામાં આવેલા દુર્યોધને પણ કહ્યું છે તેમ હું અધર્મ જાણું છું છતાં તેમાંથી અટકી શકતો નથી. ગુનાખોરી અજાણતાં થતી જ નથી. તેથી સાંસદો અને ધારાસભ્યો, બરાડા પાડે, સભામાં ધાંધલ મચાવે, મારામારી કરે અથવા માઇક કે પેપર વેઇટનો હથિયાર તરીકે ઉપયોગ કરે તે કંઈ અજાણતાંમાં કરતા નથી, જાણીબૂઝીને કરે છે. તેમને પોતાના આચાર અંગેના નિયમોની પૂરેપૂરી ખબર હોવા છતાં પણ તેઓ આ રીતે વર્તે છે. આ બધા મહાનુભાવો ભૂલ કરતા નથી, પાપ કરે છે અને લાખ શિખામણ કે હજાર આચારસંહિતાઓ પછી પણ તેમનામાં સુધારો થવાની સંભાવના નથી, કારણ કે તેમને સુધરવું જ નથી.

બીજો વાંધો એ છે કે આવી કોઈ આચારસંહિતાની કશી જરૂર નથી. સભાગૃહોમાં કામકાજના જે નિયમો ઘડાયા છે તેમાં આવી બધી આચારસંહિતાઓ સમાઈ જાય છે. સભાપતિના નાના-મોટા દરેક આદેશનું પાલન કરવું, પોતાનો વારો આવે ત્યારે અને મળી હોય તેટલી મિનિટ જ બોલવું, બૂમબરાડા કરવા નહીં, પોતાની બેઠક છોડીને અધ્યક્ષની ખુરશી પાસે જવું નહીં, કાગળો કે ચીજવસ્તુઓની ફેંકાફેંકી કરવી નહીં. આ આને આવા પ્રકારના વિગતવાર નિયમો ઘડાયા છે. એલફેલ બોલી શકાય નહીં. અયોગ્ય શબ્દ બોલાઈ જાય તો તેને સભાની નોંધમાંથી કાઢી નાખવામાં આવે. આ બધા નિયમોનું પાલન કરવાની અને કરાવવાની સત્તા અને જવાબદારી સભાપતિઓની છે અને ગેરવર્તન કરનાર સભાસદને ઠપકો આપવાની, તેને સભાગૃહમાંથી કાઢી મૂકવાની સત્તા પણ છે. સભાસદ બહાર ન જાય તો તેને ઊંચકીને અથવા ટીંગાટોળી કરીને બહાર લઈ જવા માટેના ખાસ અધિકારીઓ, માર્શલ હોય છે. વધારે ધાંધલખોરને થોડા દિવસ સભાબંધી કરી શકાય છે.


પણ આપણી સંસદ અને ધારાસભાઓના સભાપતિઓ એટલા નબળા છે કે પોતાની સત્તા વાપરતા નથી. સભાસદો દેકારો બોલાવે ત્યારે ચૂપચાપ તમાશો જોઈ રહેનાર સભાપતિને પદભ્રષ્ટ કરવો જોઈએ, કારણ કે તે પોતાની ફરજ બજાવતો નથી. સભાગૃહના નિયમોનું મક્કમ પાલન કરવામાં આવે તે જ સૌથી મોટી આચારસંહિતા છે. નિયમો પાળવા-પળાવવામાં અપૂરતા નીવડેલા સભાપતિઓ આચારસંહિતાનું પાલન પણ કરાવી શકવાના નથી.

આપણે ત્યાં બધા સ્પીકરો હંમેશાં પક્ષો સાથે જોડાયેલા હોય છે. અનંતશયનમ્ આયંગાર અને હુકમસિંહ જેવા સ્પીકરો નિવૃત્ત થયા પછી ગવર્નરો બન્યા છે. નીલમ સંજીવ રેડ્ડી ભારતના સંઘપ્રમુખ બનેલા સંખ્યાબંધ સ્પીકરોએ પ્રધાનપદ ભોગવ્યાં છે

લોકસભામાં આવી આચારસંહિતા 2004માં ઘડાઈ છે, પણ તેનાથી કશો અર્થ સરતો નથી.
સાતસો વર્ષ જૂની ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં સભાપતિના આદેશ સર્વમાન્ય ગણાય છે. બીજી લોકશાહીઓમાં થોડી ધાંધલ પ્રસંગોપાત થતી હોય છે, પણ આપણા જેટલી નીચી કક્ષાએ તો કોઈ ઊતરતું નથી. શરૂઆતના જમાનામાં અમેરિકાની લોકસભામાં મારામારીના દાખલા નોંધાયા છે, પણ ઇંગ્લેન્ડની આમસભામાં છેલ્લા બસો-અઢીસો વર્ષમાં આવો કોઈ પ્રસંગ બન્યો નથી અને અધ્યક્ષનું માન હંમેશાં જળવાયું છે. આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે ઇંગ્લેન્ડની આમ સભાનો સ્પીકર તદ્દન તટસ્થ હોય છે. સ્પીકર બન્યા પછી તે પોતાના પક્ષમાંથી ખસી જાય છે. ચૂંટણી લડે છે, પણ પ્રચાર કરતો નથી અને તેની સામે કોઈ રાજકીય પક્ષ ઉમેદવાર મૂકતો નથી. આમસભામાં પક્ષોની વારાફેરી અને સત્તાંતર થયા કરે છે, પણ સ્પીકર તેનો તે જ હોય છે. નિવૃત્ત થયા પછી તે કોઈ હોદ્દો કે સત્તાસ્થાન સ્વીકારતો નથી.


આપણે ત્યાં બધા સ્પીકરો હંમેશાં પક્ષો સાથે જોડાયેલા હોય છે. અનંતશયનમ્ આયંગાર અને હુકમસિંહ જેવા સ્પીકરો નિવૃત્ત થયા પછી ગવર્નરો બન્યા છે. નીલમ સંજીવ રેડ્ડી ભારતના સંઘપ્રમુખ બનેલા સંખ્યાબંધ સ્પીકરોએ પ્રધાનપદ ભોગવ્યાં છે અને આપણે ત્યાં સત્તાધારી પક્ષ બદલાય ત્યારે સ્પીકર પણ બદલાય છે. આવો સ્પીકર નિષ્પક્ષ છે તેવું કોઈ કહી શકે નહીં અને ભાજપ સાથે જોડાયેલાં સુમિત્રા મહાજન કે વેંકૈયા નાયડુના આદેશો તટસ્થ અને વાજબી હોવાનું વિરોધ પક્ષો શા માટે કબૂલ રાખે? આવા પક્ષપાતી સભાપતિઓ સાંસદો, ધારાસભ્યો તરફથી માન મેળવવા માટે લાયકાત ધરાવતા નથી.


આ બાબતમાં ગુજરાતના સ્વતંત્ર પક્ષના આગેવાન ભાઈકાકાએ દાખલો બેસાડવાની કોશિશ કરેલી અને કોંગ્રેસ સાથે જોડાયેલા સ્પીકર પાલેજવાળા અપક્ષ ચૂંટણી લડે તો તેમને ચૂંટાવી લાવવાની અને સ્પીકર બનાવવાની જવાબદારી પોતે સ્વીકારશે તેવી કબૂલાત આપેલી. ગુજરાત અને ભારતનું એ કમનસીબ છે કે તેમની આ દરખાસ્ત સ્વીકારવામાં ન આવી અને આપણા તમામ સ્પીકરો, અધ્યક્ષો, રાજકીય આગેવાનો હોવાથી તેમનું માન જળવાતું નથી. સન્માન મળતું નથી, મેળવવું પડે છે. સન્માનને લાયક બનવું પડે છે. માનનીય કહેવાથી કોઈ માનને લાયક બનતું નથી.
[email protected]

X
article by nagindash sangvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી