તડ ને ફડ / ચૂંટણી વગર હથિયારે લડાતું યુદ્ધ છે

article by nagindas shanghvi

નગીનદાસ સંઘવી

Mar 13, 2019, 01:02 PM IST

લોકસભાની તારીખ નજીક આવતી જાય છે તેમ-તેમ રફાલ ખરીદી અને સર્જિકલ સ્ટ્રાઇક અંગેની કાદવ ઉછાળ ચર્ચા વધારે ને વધારે ગંદી-ગોબરી થતી જાય છે અને બધા આગેવાનો સાનભાન ભૂલીને બકવાસ કરી રહ્યા છે. સંરક્ષણ ખાતાના ત્રીસ હજાર કરોડ ચોરી લઈને અનિલ અંબાણીને કેવી રીતે, કોણે, ક્યારે આપ્યા હશે તેનો વિચાર સુધ્ધાં કોઈ કરતું નથી અને કોંગ્રેસી આગેવાનો પોતાને મારી નાખવા માગે છે તેવી વાહિયાત વાત કરવામાં વડાપ્રધાન પણ સંકોચ અનુભવતા નથી.
લોકસભાની ચૂંટણી કંઈ પહેલી વખત થતી નથી અને ચૂંટણીનાં પરિણામ છેલ્લી ઘડી સુધી હંમેશાં અકળ જ રહેતાં આવ્યાં છે. તો પછી આ ચૂંટણીમાં બધા પક્ષના બધા આગેવાનો આટલી નીચી પાયરી પર શા માટે ઊતરી આવે છે તે સવાલ આમ જનતા માટે ઘણો વધારે મહત્ત્વનો છે, કારણ કે ચૂંટણી વગર હથિયારે લડાતું યુદ્ધ છે અને તેની કડવાશ જેટલી વધારે હોય તેટલું તે વધારે જોખમકારક બની જાય છે. દેશના સંચાલન માટે બધા પક્ષો અને બધા નાગરિકો વચ્ચે મતભેદ હોઈ શકે છે અને આવા મતભેદ જરૂરી પણ છે. તેની સાથોસાથ દેશના હિત ખાતર પોતાનું કે પોતાના પક્ષનું હિત વિસારે પાડીને સહકાર અને સાથ આપવાની શક્તિ અને તૈયારી ન હોય તો અણધારી આફત વખતે દેશ ભાંગી પડે તેવી સંભાવના પેદા થાય છે.

  • ભારતના રાજકીય પક્ષો ત્રણ પ્રકારનાં છે, રાષ્ટ્રીય પક્ષો, પ્રાદેશિક પક્ષો અને ચૂંટણીપંચના ચોપડે નોંધાયેલા પક્ષો. ચૂંટણીપંચ સાત પક્ષોને રાષ્ટ્રીય ગણે છે, પણ વાસ્તવિક રીતે ભારતમાં બે જ પક્ષોને (કોંગ્રેસ અને ભાજપ) રાષ્ટ્રીય ગણી શકાય

આધુનિક લોકશાહીઓ રાજકીય પક્ષોના આધારે જીવે છે અને ચૂંટણીમાં ઊભા રહેનાર ઉમેદવારો મોટાભાગે રાજકીય પક્ષોના વફાદાર સભાસદો હોય છે. 2019ની ચૂંટણી વખતે પક્ષો અને પક્ષોનાં સંગઠન અતિ મહત્ત્વનો, નિર્ણાયક ભાગ ભજવવાના છે. ભારતના રાજકીય પક્ષો ત્રણ પ્રકારનાં છે, રાષ્ટ્રીય પક્ષો, પ્રાદેશિક પક્ષો અને ચૂંટણીપંચના ચોપડે નોંધાયેલા પક્ષો. ચૂંટણીપંચ સાત પક્ષોને રાષ્ટ્રીય ગણે છે, પણ વાસ્તવિક રીતે ભારતમાં બે જ પક્ષોને (કોંગ્રેસ અને ભાજપ) રાષ્ટ્રીય ગણી શકાય. એકાદ બે રાજ્યોમાં જેમનો હિસાબ માંડવો પડે તેવા 57 પક્ષો પ્રાદેશિક અથવા રાજ્ય કક્ષાના પક્ષો છે. ચોમાસામાં દેડકીઓ ફૂટી નીકળે તેમ ચૂંટણીઓ વખતે જ દેખાતા પણ ચૂંટણીપંચના ચોપડે નોંધાયેલા ફૂટકણિયા પક્ષોની સંખ્યા 1866 છે. આ પક્ષો કાગળિયા ઘોડા છે અને તેમના માટે અંગ્રેજી ભાષામાં લેટરહેડ પક્ષો એવું નામ પણ વપરાય છે. ચૂંટણી જંગ મુખ્યત્વે રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો વચ્ચે ખેલાય છે અને અખબારોમાં માત્ર તેમનાં જ નામ ગાજે છે.

કોંગ્રેસ ભારતીય રાજકારણમાં સૌથી જૂનો સૌથી વધારે પ્રતિષ્ઠિત અને સૌથી વધારે માતબર પક્ષ છે આઝાદીની લડતમાં આગેવાની લેનાર અને અનેક સમર્થ રાજકારણી આગેવાનોની સામૂહિક નેતાગીરી ધરાવતા કોંગ્રેસ પક્ષનું માળખું 1971-75ના ગાળામાં પક્ષ પ્રમુખ ઇન્દિરા ગાંધીએ સદંતર બદલી કાઢ્યું. વરિષ્ઠ આગેવાનોને પક્ષમાંથી ફગાવી દીધા અને કોંગ્રેસ ઇન્દિરા ગાંધી અને તેમનાં સંતાનોની બાપીકી જાગીર બની ગઈ. એકદંડિયા મહેલની જેમ કોંગ્રેસ એક જ થાંભલે ટકી રહેલી ઇમારત બની છતાં આઝાદી પછીના પોણાસો વર્ષમાં માત્ર સત્તર વર્ષ સિવાય બાકીનો બધો વખત કોંગ્રેસનું રાજકીય વર્ચસ્વ જળવાઈ રહ્યું.
2014માં ભૂકંપ થયો અને ભાજપના નરેન્દ્ર મોદીના ઘણા ઘાતી પ્રહારોથી કોંગ્રેસી વર્ચસ્વ લોકસભામાંથી અને પછી અનેક રાજ્યોની વિધાનસભાઓમાંથી પણ ધોવાઈ ગયું, પણ 2018ના અંત ભાગે ઉત્તર ભારતનાં ત્રણ મહત્ત્વનાં રાજ્યો- રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભામાં સત્તા મળવાથી હતાશ કોંગ્રેસમાં નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો છે.

ભાજપ મરીને જીવતો થયેલો પક્ષ છે. તેના પૂર્વાવતાર ભારતીય જનસંઘ એ જનતા પક્ષમાં વિલીન થયો, પણ 1980માં અટલ બિહારી વાજપેયી અને અડવાણીએ નવા નામે તેને સજીવન કર્યો. અનેક ચડા-ઊતરીના કડવા-મીઠા અનુભવમાંથી પસાર થયેલાે ભાજપ 2014માં વાંસના અંકુરની માફક એકાએક વૃક્ષ બની ગયો અને ત્યાર પછીનાં ચાર વર્ષમાં ભાજપ સમગ્ર ભારતમાં છવાઈ ગયો. ભાજપ વડનું ઝાડ છે કે ભાદરવાનો ભીંડો છે તે 2019ની ચૂંટણીમાં નક્કી થવાનું છે અને તેના પરિણામે દેશના રાજકીય પક્ષોનો નકશો બદલાઈ જવાનો છે.
ભારતમાં સામ્યવાદી પક્ષોનો ઇતિહાસ ઘણો વિચિત્ર છે. રશિયાની પ્રેરણાથી સ્થપાયેલા અને વિકસિત થયેલા સામ્યવાદી આગેવાનોએ પોતાની અક્કલ પણ રશિયાને ત્યાં ગિરવી મૂકેલી. 1929ના રુસી એન્સાઇક્લોપીડિયામાં મહાત્મા ગાંધી અંગ્રેજ સામ્રાજ્યશાહીના પીઠ્ઠુ છે અને ભારતીય આઝાદી સંગ્રામના દુશ્મન છે તેવું છપાયેલું તે સામ્યવાદીઓએ સ્વીકારી લીધેલું. તેથી જવાહલાલ નેહરુ ઘણી વખત કહેતા કે ભારતમાં સામ્યવાદનો સૌથી મોટો દુશ્મન સામ્યવાદીઓ છે.

1947માં ભારતને મળેલી આઝાદી ખોટી છે તેવી ભ્રમણાના પરિણામે બી.ટી. રણદીવેની આગેવાની તળે સામ્યવાદીઓએ નિઝામના કબજા તળેના તેલંગણામાં સશસ્ત્ર બળવો કર્યો. 2000 ગામડાંઓ આઝાદ જાહેર કરવામાં આવ્યાં. લોકરાજ્યની સ્થાપના થઈ. નિઝામને કબજે કર્યા પછી ભારત સરકારે આ વિસ્તારમાં લશ્કરી કાયદો જાહેર કરીને સામ્યવાદીઓને સાફ કરી નાખ્યા પછી સામ્યવાદીઓ ચૂંટણી લડતા થયા અને 1957માં આખી દુનિયામાં પહેલી જ વખત કેરળમાં સામ્યવાદીઓએ પ્રામાણિક રીતે સત્તા મેળવી અને ઈ.એમ.એસ. નાંબુદ્રીપાદની સરકારને બે વર્ષ પછી કોંગ્રેસ પ્રમુખ ઇન્દિરા ગાંધીના આગ્રહના કારણે નેહરુ સરકારે તદ્દન ખોટું કારણ આપીને ખોટી રીતે બરખાસ્ત કરી. જવાહરલાલે આ ભૂલ માટે પાછળથી દિલગીરી પણ દર્શાવી. 1962માં ચીને ભારત પર હલ્લો કર્યો જ નથી અને આક્રમણ ભારતે કરેલું તેવા મતાગ્રહથી સામ્યવાદી પક્ષમાં 1964માં સામ્યવાદી-માર્ક્સવાદી એવા ભાગલા પાડ્યા. બંગાળ માર્ક્સવાદી પક્ષનો ગઢ બની ગયો અને જ્યોતિ બસુએ લાંબામાં લાંબો વખત મુખ્યમંત્રી પદ ભોગવ્યું. બંગાળમાંથી માર્ક્સવાદીઓનો પગ ઉખેડી નાખવાનું પરાક્રમ મમતા બેનર્જીના નામે નોંધવું પડે.
ભારતનાં વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ જામ્યો છે અને પ્રાદેશિક પક્ષો પાર્લામેન્ટમાં પણ બેઠકો ધરાવે છે. 1989 પછી કોંગ્રેસની નબળાઈના કારણે રાજકીય પક્ષોનો પ્રભાવ એટલો વધ્યો છે કે રાષ્ટ્રીય પક્ષોએ પણ તેમની સહાય લઈને મોરચાઓ બનાવવા પડે છે. 2019ની ચૂંટણી રાષ્ટ્રીય પક્ષો વચ્ચે નહીં, પણ રાષ્ટ્રીય પક્ષોના મોરચાઓ કોંગ્રેસી મોરચો (UPA) અને ભાજપી મોરચો (NDA) વચ્ચે થવાની છે.રાષ્ટ્રીય પક્ષોનો પ્રભાવ વધે તે પ્રાદેશિક પક્ષો માટે જોખમરૂપ હોવાથી બંને રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ અને ભાજપને પડતા મૂકીને પ્રાદેશિક પક્ષોએ મહાગઠબંધનની રચના કરવી તેવા પ્રયાસ ચોતરફ ચાલી રહ્યા છે, પણ

પ્રાદેશિક પક્ષોના આગેવાનોની મહત્ત્વાકાંક્ષા અને એકબીજા માટેનો દ્વેષ, આ બે કારણથી મહાગઠબંધનની સ્થાપના હજુ સુધી થઈ નથી અને હવે પ્રાદેશિક પક્ષોનું આવું દેશવ્યાપી મહાગઠબંધન સ્થાપવાનો અને તેને સક્રિય કરવા માટે જરૂરી સમય રહ્યો નથી. આ મહાગઠબંધનમાં પ્રવેશ કરવાના
કોંગ્રેસી આગેવાનોના બધા પ્રયાસો અત્યાર સુધીમાં વિફળ નીવડ્યા છે.

પ્રાદેશિક પક્ષોના કેટલાક આગેવાનો વડાપ્રધાન બની જવાનાં સ્વપ્ન સેવી રહ્યા છે. તેથી દરેક પ્રાદેશિક પક્ષ પોતપોતાના વિસ્તારમાં વધારેમાં વધારે બેઠક પર લડવાનો આગ્રહ રાખે છે અને તેથી પ્રાદેશિક પક્ષો વચ્ચે વધારેમાં વધારે બેઠકો પર ઉમેદવારો મેળવવાની સ્પર્ધા ચાલી રહી છે.
ભારતીય લોકશાહીમાં રાજકીય પક્ષોની ભાત અને તરાહ બદલી નાખે તેવી 2019ની લોકસભા નવતર ચૂંટણી અવનવા રંગ દેખાડશે.

{[email protected]

X
article by nagindas shanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી