પરિક્રમા / હિંસા અને અહિંસા બંને અનિવાર્ય છે!

article by nagindas shanghvi

નગીનદાસ સંઘવી

Mar 09, 2019, 07:00 PM IST

પ્રાણીઓમાં માણસજાત સૌથી વધારે હિંસાખોર છે. પશુઓ ભૂખ સંતોષવા માટે, જીવતર અને રહેઠાણ સુરક્ષિત રાખવા માટે લડે છે અને મરે છે અથવા મારે છે. માણસ તો આ બધાં ઉપરાંત કેવળ મનોરંજન માટે પણ હિંસા આચરે છે અને તેને શિકાર અથવા મૃગયાનું રૂડુંરૂપાળું નામ આપે છે છતાં અહિંસાની સૌથી વધારે ચર્ચા અને સૌથી મોટો દાવો માણસ નોંધાવતો રહ્યો છે.

  • આદતને કારણે માણસ પશુઓનાં દૂધનો વપરાશ આખી જિંદગી ચાલુ રાખે છે અને દૂધાળાં પશુઓને ખાસ દૂધ માટે જ ઉછેરવામાં આવે છે

જીવતા રહેવા માટે જેમ હિંસા અનિવાર્ય છે તેમ અહિંસા પણ જરૂરી છે અને હિંસક પશુઓ પણ પોતાના સાથીઓ, પોતાના કુટુંબીઓ, પોતાનાં બાળબચ્ચાં જોડે અહિંસક વર્તાવ કરે છે.
અહિંસાના ખ્યાલનો ઉદ્્ભવ ક્યારે અને કેવી રીતે થયો હશે તે આપણે જાણતા નથી, પણ માનવી ખેતી કરતા અને પોતાના માટે જરૂરી ખોરાક જાતે પેદા કરતો થયો ત્યાર પછીથી આ ખ્યાલ પેદા થયો હોવો જોઇએ તેવું ઇતિહાસના જાણકારો જણાવે છે.
આપણા દેશમાં અહિંસાનો ખ્યાલ છેક પ્રાચીનકાળથી જોવા અને સાંભળવા મળે છે. વેદકાળના વિધિવિધાન-યજ્ઞોમાં અનેક પશુઓનાં બલિદાન આપનાર સમાજ માંસાહારી જ હોઇ શકે પણ વેદગ્રંથોમાં અહિંસાનો આદર્શ સ્વીકારી લેવામાં આવ્યો છે.
વ્યક્તિ અને સમાજે પશુહિંસા છોડવી અને અહિંસા પાળવી તે ખ્યાલ ભગવાન બુદ્ધે સૌથી પહેલા શીખવ્યો તેવી તદ્દન ખોટી માન્યતા અતિશય પ્રચલિત છે અને બુદ્ધને અહિંસાના પ્રણેતા કહેવામાં આવે છે. બુદ્ધે અહિંસા એટલે નિરર્થક અને નકામી હિંસાખોરીનો અભાવ, મૈત્રી અને કરુણાભાવનો ઉપદેશ આપ્યો છે. તેમણે ભીખ્ખુઓને પ્રાણીહિંસા કરવાની મનાઇ ફરમાવી છે, પણ માંસાહારનો નિષેધ કર્યો નથી. બૌદ્ધો અને ભીખ્ખુઓ આઠ પ્રકારનો માંસાહાર કરી શકે તેની ચર્ચા તેમણે આંબઠ સૂત્રમાં કરી છે. બુદ્ધ પોતે આખી જિંદગી માંસાહારી રહ્યા અને તેમનું છેલ્લું ભોજન ચંદ નામની લોહારે આપેલી ‘સુકર ચદ્દવ’ (ડુક્કરના માંસનો સેરવો)ની ભિક્ષા હતી.
અહિંસાનું ચુસ્ત અને સંપૂર્ણ પાલન કરવાનો ઉપદેશ ભગવાન મહાવીરે જ આપ્યો છે અને તેમના અનુયાયીઓ માંસાહારના વિરોધીઓ છે. તેમના વિચાર પ્રભાવના કારણે હિન્દુઓની કેટલીક જ્ઞાતિઓ પણ શાકાહારી બની છે પણ આ શાકાહારીપણું વિજ્ઞાન સિદ્ધ નથી. આહારશાસ્ત્રના અભ્યાસીઓ દૂધને પણ પ્રાણી જ ગણાવે છે અને આજના જમાનાના ચુસ્ત શાકાહારીઓ દૂધનો પણ ત્યાગ કરે છે, પણ પરંપરાગત રીતે દૂધને પણ અહિંસક ખોરાક અથવા શાકાહાર ગણી લેવામાં આવે છે.
માનવસમાજમાં મોટા પ્રમાણમાં વાપરવામાં આવતું દૂધ પ્રાણીઓના જીવતર માટે ઉપયોગી નથી. નવાં જન્મેલાં બાળકો અને બચ્ચાંઓ શરૂઆતના કેટલાક સમય સુધી પોતાની માતાના દૂધથી પોષાય છે, પણ મોટાં થયાં પછી દૂધનો વપરાશ કરતાં નથી. આદત અથવા સગવડના કારણે માણસ પશુઓનાં દૂધનો વપરાશ આખી જિંદગી ચાલુ રાખે છે અને દૂધાળાં પશુઓને ખાસ દૂધ માટે જ ઉછેરવામાં આવે છે. માંસાહારી સમાજ પણ દૂધના ઉપયોગથી મુક્ત નથી.
આ દૂધ પશુઓ પોતાનાં બચ્ચાંઓ માટે પેદા કરે છે, પણ માણસજાત આ બચ્ચાંઓને ભૂખે મારીને અથવા અડધાં ભૂખ્યાં રાખીને તેમના હિસ્સાનું અને તેમના માટે સર્જવામાં આવેલું દૂધ પોતે ઝાપટી જાય છે. માણસજાતની ક્રૂરતાનું આ સૌથી ઉત્તમ અને અતિશય સચોટ ઉદાહરણ છે.
પણ સુધરેલા અને પ્રગતિશીલ કહેવાતા માનવસમાજોની હિંસાખોરી અંગે માણસખાઉં આદિવાસીઓએ કરેલી ટીકા આપણા માટે સૌથી વધારે શરમજનક છે.
આલ્બર્ટ શ્વાઇઝર આફ્રિકાના માણસખાઉં સમાજ વચ્ચે મિશનરી સેવાકાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે આદિવાસીઓને પહેલા વિશ્વયુદ્ધની અને તેમાં હણાયેલા હજારો અને લાખો સૈનિકોની માહિતી આપી. મરેલાંની સંખ્યા સાંભળીને આદિવાસીઓનાં મોંમાં પાણી આવ્યું અને માનવમાંસની આ ઉજાણી ઘણા દિવસ ચાલી શકે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો.
પણ તેમનો આનંદ લાંબો ટક્યો નહીં કારણ કે શ્વાઇઝરે તેમને જણાવ્યું કે અમે માનવમાંસ ખાતા નથી અને તેથી આ બધા હણાયેલા સૈનિકોને તાબડતોબ દાટી દેવામાં આવે છે. અચંબો પામેલા આદિવાસીઓએ શ્વાઇઝરને સવાલ પૂછ્યો કે ‘તમે માનવમાંસ ખાતા નથી તો પછી માણસોને મારો છો શા માટે?’
શ્વાઇઝર પાસે આનો જવાબ ન હતો અને આપણી પાસે પણ તેનો જવાબ નથી. આદિવાસીઓની સીધી સાદી સમજ પ્રમાણે ભૂખ સંતોષવા માટે માણસને મારી નાખવામાં કશું ખોટું નથી, પણ માણસને મારી નાખવો અને પછી તેને ખાવાના બલે દાટી દેવો એ તો નર્યો બગાડ જ કહેવાય.
સુધરેલી પ્રગતિશીલ માણસ જાત માટે આદિવાસીઓએ પૂછેલો આ સવાલ ઘણો વધારે વેધક છે અને વિશ્વશાંતિની ઝંખના કરનાર અને જહેમત ઉઠાવનાર લોકોની યુદ્ધ નાબૂદીની ઝુંબેશને વાજબી ઠરાવે છે.
[email protected]

X
article by nagindas shanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી