પરિક્રમા / વિજ્ઞાન પરિષદમાં સંશોધકનાં હાસ્યાસ્પદ વિધાન!

article by nagindas shanghavi

નગીનદાસ સંઘવી

Jan 20, 2019, 12:05 AM IST

દર વરસે મળનારી ભારતીય વિજ્ઞાન પરિષદ આ વખતે રજૂ થયેલાં કેટલાંક પ્રવચનો અને પેપરોના કારણે એટલી શરમજનક બની ગઈ કે ભારતનાે દરેક સમજદાર નાગરિક માથું ઊંચું કરીને ઊભો પણ રહી શકે નહીં અને આવો બકવાસ કરનાર વક્તાઓ વિદ્યા જગતમાં સરટોચના સ્થાને બિરાજે છે, તે દેશનું મોટામાં મોટું કમનસીબ ગણાવું જોઈએ.

આંધ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નાગેશ્વર રાવે પુરાણો અને મહાકાવ્યોના ‘સંશોધન’ના આધારે કરેલાં વિધાનો એટલાં હાસ્યાસ્પદ છે કે તેમના ‘જ્ઞાન’ અને ‘સંશોધન’ માટે વાપરવા જેવું વિશેષણ પણ શોધ્યું જડે તેમ નથી. ગાંધારીના સો પુત્રો-કૌરવો તે બધા ટેસ્ટટ્યૂબમાં જન્મેલાં બાળકો હતાં અને રાવણ પાસે અનેક પ્રકારનાં વિમાનો હતાં કે જે અલગ અલગ પ્રવૃત્તિ માટે વપરાતાં હતાં. સુદર્શન ચક્ર તે આજનું સંચાલિત શસ્ત્ર (guided missiles) છે.

  • વિજ્ઞાન પરિષદમાં વાહિયાત વાત કરનાર વક્તા કે સંશોધક માટે સમય ફાળવનાર પરિષદ પણ આવી ભ્રમણાઓ ફેલાવવા માટે ગુનેગાર ઠરે છે

થોડા વરસ અગાઉ ગણપતિનું માથું જોડવાની કથાનો પુરાવો આપીને ભારતીય દાક્તરો શરીરના અવયવોનું પ્રત્યારોપણ કરવાની કળામાં પારંગત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મહાભારત યુદ્ધનું આંખો દેખા હેવાલ એટલે ‘ટેલિવિઝન’ આકાશમાં ઊડનાર યોગીઓ માટે કોઈ શબ્દ પ્રયોજાયો નથી, કારણ કે આજે પણ આવું શક્ય નથી અને તે માટેનો પરદેશી શબ્દ હાથવગો નથી.


ઉત્ક્રાંતિવાદનો શોધક ડાર્વિન નથી, પણ માછલીથી માંડીને માનવીનો અવતાર લેનાર વિષ્ણુના દશાવતારની કથા છે. ક્વોન્ટમનો કક્કો પણ ન જાણે તેવા લોકો વેદમાંથી ક્વોન્ટમને ખોળી કાઢે છે. આવો દાવો કરનાર લોકો આજના વિજ્ઞાન અને પ્રાચીન કથાઓ બંને ક્ષેત્રમાં સંપૂર્ણ અજ્ઞાની છે તેવું કહી શકાય અને કેટલીક બાબતોમાં તો તેમનો બકવાસ પણ તેમનો પોતાનો હોતો નથી, પણ પરદેશીઓ પાસેથી ઉછીનો લીધેલો એંઠવાડ છે.


આપણે વળી એટલા નસીબદાર કે આ બધા દાવાઓનું તર્કશુદ્ધ ખંડન કરનાર પૂણેના પ્રાધ્યાપક સુમે પણ પરિષદમાં હાજર હતા. તેમણે સમજાવ્યું કે આવી સંકુલ ટેક્નોલોજી માટે કેટલીક પ્રાથમિક ટેક્નોલોજી અનિવાર્ય છે. ઝડપથી પંખા ફેરવી શકે તેવી વીજળી વગર વિમાનો ઊડી શકે નહીં અને ટેલિવિઝન પણ શક્ય નથી. મોગલ સલ્તનતની સ્થાપના કરનાર બાબરે ભારતવાસીઓ કાચ બનાવવાની કળા, કાગળો બનાવવાનો કસબ જાણતા નથી તે બાબત પોતાની ડાયરીમાં નોંધી છે. આજનું વિકસિત દાક્તરીશાસ્ત્ર પણ ધડ પર માથાનું પ્રત્યારોપણ કરી શકતું નથી.

વિજ્ઞાને ઘણી સિદ્ધિઓ મેળવી છે, પણ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી નથી. હજી તો ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે ત્યારે વિજ્ઞાન પરિષદમાં આવી વાહિયાત વાત કરનાર વક્તા કે સંશોધક માટે સમય ફાળવનાર પરિષદ પણ આવી ભ્રમણાઓ ફેલાવવા માટે ગુનેગાર ઠરે છે.


પ્રાચીન ગ્રંથોનો સંદર્ભ જાણ્યા સમજ્યા વગર એકાદ શબ્દ કે એકાદ વિશેષણ ઉપાડી લઈને પોતાની કલ્પના અને પોતાની જીભને છુટ્ટો દોર આપનાર લોકો આપણા વિદ્યા જગતમાં ઘણા ઊંચા સ્થાને પહોંચી જાય છે. તે આપણી યુનિવર્સિટીઓની કમજોરીની નિશાની છે. આપણી શાળાઓ, આપણી કોલેજો અને આપણી યુનિવર્સિટીઓ જ્ઞાનના કબ્રસ્તાન છે.

આ બધાં સ્થાનોમાં જ્ઞાનનાં ગંધાતાં મડદાંઓ સચવાયાં છે અને ગોખણપટ્ટીની પદ્ધતિના કારણે આ બધું વંશપરંપરાએ ઊતરતું આવે છે. દુનિયામાં નામવંત ગણાય તેવા હજારેક વિજ્ઞાનશાસ્ત્રીઓની એક યાદી તાજેતરમાં બહાર પડી છે. તેમાં માત્ર દસ જ નામ ભારતીય વિદ્વાનોનાં છે. દુનિયાના છઠ્ઠા ભાગની વસ્તી ભારતમાં વસે છે તે યાદ કરીએ તો આ આંકડો આપણી જ્ઞાન ગરીબીનો પૂરો ખ્યાલ આપી શકે.


વિજ્ઞાન કોઈ વિષયનું નામ નથી. વિજ્ઞાન તો જ્ઞાન અને સમજણ મેળવવાની એક પદ્ધતિનું નામ છે. માણસ જાતને મૂંઝવતી અને કુતૂહલ પ્રેરતી અનેક સમસ્યાઓને શુદ્ધ તર્કથી સમજવી અને બુદ્ધિમાં ઊતરે તેવા પુરાવાથી સિદ્ધ કરવી તેને વિજ્ઞાન કહે છે. અનેક બાબતો તર્કથી સમજી શકાતી નથી. તે ખરું છે પણ આવાં ક્ષેત્રોને વિજ્ઞાનની કક્ષામાં મૂકી શકાય નહીં અથવા આવી સમસ્યાઓ બાબતે ઢંગધડા વગરની કલ્પનાઓ દોડાવવી તે વિજ્ઞાન નથી.


વિજ્ઞાન માનવજીવનના વિકાસ માટે અતિશય જરૂરી છે, પણ બધું કામ એકલા વિજ્ઞાનથી થઈ શકે તેમ નથી. માનવ મનની ભાવનાઓ કે વિકારો સમજવા-સમજાવવા માટે વિજ્ઞાન કરતાં કવિતા અને કવિતા કરતાં અધ્યાત્મ ચિંતન કદાચ વધારે ઉપયોગી થઈ પડે. નિરીક્ષણ તર્ક-કલ્પનાના સંગમતીર્થ જેવાં ક્ષેત્રો માનવજીવનને વધારે સમૃદ્ધ બનાવી શકે છે, પણ વિજ્ઞાનનું ક્ષેત્ર કઠોર અને સ્પષ્ટ વાડથી સુરક્ષિત રાખવામાં આવે છે. જે વાત કરીએ અથવા જે દાવો કરવામાં આવે તેનો નક્કર પુરાવો આપવો પડે અને શક્ય હોય ત્યાં તે દાવાને પ્રયોગ દ્વારા સિદ્ધ કરવો પડે. ખગોળશાસ્ત્ર, ઇતિહાસ કે પર્યાવરણના પ્રયોગો થઈ શકતા નથી, પણ તેના પ્રત્યક્ષ કે આડકતરા પુરાવા તો આપવા જ પડે છે.
[email protected]

X
article by nagindas shanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી