કરજ માફી અને આત્મહત્યા

article by nagindas shanghavi

નગીનદાસ સંઘવી

Dec 09, 2018, 12:05 AM IST

ખેડૂતો બેહાલ છે, દેવાના ડુંગર તળે દટાયેલા છે અને લેણદારોના તકાજાને કારણે સંખ્યાબંધ ખેડૂતોએ કરેલી આત્મહત્યાઓના સમાચાર અવારનવાર અખબારોમાં છપાય છે. ડો. મનમોહનસિંહના જમાનાથી ખેડૂતોના કરજ માફ કરવા પાછળ ભારતની અને રાજ્યોની સરકારો કરોડો અને અબજો રૂપિયા ખર્ચેલા છે અને છતાં આપઘાતો અટકતા નથી અને ખેડૂતોની હાલત સુધરતી નથી. ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું વચન પાળવાના વાયદાઓ અપાય છે અને તારીખ-પે-તારીખની નૌટંકીઓ ભજવાય છે.

ખેડૂતોની હાલતનો સળંગ અને સાંગોપાંગ અભ્યાસ કરીને કોઈ નક્કર ઉપાય યોજના ઘડી કાઢવાની મહેનત કોઈ ઉઠાવતું નથી

ચૂંટણી વખતે બધા પક્ષો પોતે સત્તામાં આવશે તો ખેડૂતોનાં દેવાં માફ કરી દેવાનાં વચન આપે છે અને થોડા ઘણા અંશે તેનું પાલન પણ કરે છે પણ ખેડૂતોની હાલતનો સળંગ અને સાંગોપાંગ અભ્યાસ કરીને કોઇ નક્કર ઉપાય યોજના ઘડી કાઢવાની મહેનત કોઇ ઉઠાવતું નથી. અને શહેરમાં રહીને મહેનત મજૂરી કરનાર ગરીબગુરબાઓની તો વાત પણ કશે કરવામાં આવતી નથી. ખેડૂતો કરતાં શહેરી ગરીબોની હાલત કોઇ રીતે સારી નથી તે તેમની નરક જેવી ઝૂંપડપટ્ટીઓ સાબિત કરે છે. બધા ખેડૂતોને એકજૂથમાં મૂકવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ કદી આવવાનો નથી.

શહેરની માફક ગામડાંઓમાં પણ શ્રીમંતો અને ગરીબો વચ્ચેના ભેદભાવ મોટા પ્રમાણમાં છે અને શ્રીમંત ખેડૂતોને સરકારી કરવેરા-આવકવેરો કે પેઢી વેરા-ભરવા પડતા ન હોવાથી ગામડાના શ્રીમંત ખેડૂતો વધારે બચત કરી શકે છે અને વધારે વૈભવી જીવન જીવી શકે છે.


આ શ્રીમંત ખેડૂતો દર વરસે બેંકો પાસેથી મોટી રકમનાં કરજ લેતા હોય છે પણ આ લાભ ગરીબ ખેડૂતોને મળતો નથી. કારણ કે બેંકો પાસેથી વ્યાજ લેવા માટે કશું ગીરવે મૂકવાની ત્રેવડ તેમની પાસે નથી. આ ગરીબ ખેડૂતો 30થી 35 ટકાના વ્યાજે શાહુકારો પાસેથી કરજ લેતા હોય છે અને કરજનો બોજો અસહ્ય બને ત્યારે પોતાની જિંદગી ટૂંકાવી દેતા હોય છે. આપઘાત કરનાર ખેડૂતોમાં એક પણ શ્રીમંત ખેડૂતનું નામ હોતું નથી.


સરકાર દેવાં માફી કરે છે તે બેંકોનાં દેવાની માફી હોય છે. શાહુકારોએ આપેલા કરજની માફી આપવાની કોઇ સગવડ કરવામાં આવતી જ નથી. બીજી રીતે કહીએ તો જે શ્રીમંત ખેડૂતો પોતાનું દેવું સહેલાઇથી ચૂકવી શકે તે બધાં આંદોલનો ચલાવીને કરજ માફી મેળવે છે. જેમને ખરી જરૂર છે તેવા ખેડૂતો અસંગઠિત, અભણ અને લાચાર હોવાથી કશું કરી શકતા નથી. તેમનાં આંદોલન ચાલતાં નથી. તેમનો અવાજ કશે સંભળાતો નથી અને કરજ માફીનો લાભ જેમને ખાસ મળવો જોઇએ તેમને કદી મળતો જ નથી. કરજમાંથી માફી મેળવનાર ખેડૂતો લાચાર નથી, લુચ્ચાઓ છે અને ઘરમાં નાણાં ભરીને નાદારી જાહેર કરનાર શહેરીઓના જેવા બેજવાબદાર લોકો છે.


બેંકોએ આપેલાં ધિરાણો માફ કરવા માટે ખર્ચવામાં આવતાં નાણાં વસૂલ કરવા માટે સરકાર જે કરવેરા નાખે તેમાંથી આડકતરા (indirect) વેરાનો બોજ ભારતના શહેરી અને ગ્રામીણ ગરીબોએ ઉપાડવો પડે છે. શ્રીમંત ખેડૂતોનાં કરજ ચૂકવવાનો બોજ ગરીબ ખેડૂતો અને ખેતમજૂરોએ ઉપાડવો પડે છે તેથી તેમની હાલત વધારે ને વધારે બગડતી જાય છે.


ખેડૂતોની આવક બમણી કે ત્રમણી કરવા માટે ભારતના વચેટિયા અથવા દલાલિયા અર્થતંત્રની નાગચૂડ તોડી નાખવી જરૂરી છે. ઉત્પાદક ખેડૂતે પોતાનો માલ કે પેદાશ પાણીના મૂલે વચેટિયાને વેચવો પડે છે અને આવા વચેટિયાના બે કે ત્રણ સ્તરમાંથી પસાર થઇને માલ ખરીદનાર પાસે પહોંચે છે. શહેરોમાં 80 કે 100 રૂપિયે કિલો વેચાતા શાકભાજી પેદા કરનાર ખેડૂતને તો માત્ર 20-25 રૂપિયા જ મળે છે. ઉત્પાદક ખેડૂતને કશું મળતું નથી. ખરીદનારને અતિશય મોંઘા ભાવ આપવા પડે છે અને વચ્ચેની મલાઇ બધી દલાલો ખાય છે.


યુરોપ અમેરિકામાં ગંજાવર સ્ટોલના માલિકો ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે છે અને પોતાની દુકાનોમાં ઘરાકને વેચે છે. તેથી સ્ટોલ ધારકો ખેડૂતને વધારે ભાવ આપી શકે છે અને ઓછા ભાવે વેચવા છતાં મબલખ નફો કમાઇ શકે છે.


ભારતમાં આવા સ્ટોલ નથી. ઉત્પાદકો પોતાનો માલ સીધેસીધો અથવા એકાદ થર વટાવીને ખરીદનાર સુધી પહોંચાડી શકે તેવી સગવડો ઝડપથી ઊભી કરવામાં આવે તો ખેડૂતોની આવક આપોઆપ બમણી કે ત્રણ ગણી થઇ શકે.


પણ વચેટિયા તંત્રથી આપણે સદીઓથી ટેવાઇ ગયા છે અને ચાલુ પરિસ્થિતિની બહાર નીકળીને વિચાર કરવાની કે તેનો અમલ કરવાની શક્તિ આપણે ગુમાવી બેઠા છીએ. વેપારીઓ, એજન્ટો, દલાલો કે શાહુકારો જેવા અનેકવિધ નામ ધરાવતી આ જમાતની સંખ્યા અને શક્તિમાં ઘટાડો કરવાના કોઇ પ્રયાસ કરવામાં આવતા નથી. આમ તો આગ લાગે ત્યારે તેને બુઝાવવા માટે ધસી જઇએ છીએ પણ આગ લાગે નહીં તેવી ગોઠવણ કરવા માટે કે તેવી સારસંભાળ રાખવાની જોગવાઇ કરવાની આપણી તૈયારી હોતી નથી.


આવી સગવડ અને આવી ગોઠવણ જેમના માટે સૌથી વધારે હિતકર છે તે ગરીબ ખેડૂતો અને મજૂરો મૂંગા ઢોર જેવા બની ગયા છે અને પોતાને સહન કરવી પડતી યાતના સામે અવાજ ઉઠાવવાની શક્તિ તેમનામાં રહી નથી. દિલ્હીમાં યોજાયેલી ખેડૂતોની રેલી તેનો હાજરાહજૂર પુરાવો છે. આ રેલીમાં હાજરી આપવા માટેનું રેલભાડું ગરીબ ખેડૂત ખર્ચી શકે તેમ નથી. રેલીમાં ભાગ લેનાર લોકો કાં તો શ્રીમંત છે અથવા ભાડેથી આણવામાં આવેલા લોકો છે. આવી ટોળાબાજીમાં આપણા આગેવાનો નિષ્ણાત બની ગયા છે. ટોળાબાજીની ટેક્નિક બીજા દેશોની શીખવવા માટે પણ આપણે સક્ષમ છીએ.
[email protected]

X
article by nagindas shanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી