તડ ને ફડ / 24 કલાક ઘરાકી રહેશે ખરી ?

article by nagindas shangavi

નગીનદાસ સંઘવી

Feb 13, 2019, 01:04 PM IST

ગુજરાત સરકારના બધા વરિષ્ઠ અધિકારીઓ વહીવટી નિષ્ણાતો છે, અભ્યાસીઓ છે અને લાંબા વખતના અનુભવી પણ છે. છતાં ગુજરાત સરકારે ચોવીસ કલાક ખુલ્લી રાખવાનો કાયદો ઘડવાનું ઠરાવ્યું. સંસદીય લોકશાહીઓમાં પ્રધાનો વ્યસ્ત અને બિનઅનુભવી હોય છે, કારણ કે તેમણે વારંવાર આવ-જા કરવી પડે છે. એક અંગ્રેજ અભ્યાસીએ પ્રધાનો અને સચીવો વચ્ચેના સંબંધને પતિ-પત્નીનો સંબંધ ગણાવ્યો છે. નિર્ણયો બધા પત્ની લેતી હોય છે, પણ પતિદેવ બધું ઠરાવે છે તેવો મોભો, દેખાવ જાળવી રાખવામાં આવે છે.

  • ચોવીસ કલાક દુકાનો ખુલ્લી રાખવાથી રોજગારી વધશે અને એકની જગ્યાએ ત્રણ માણસો કામ કરતા થશે તેવી સરકારી દલીલ ગળે ઊતરે તેવી નથી, કારણ કે દુકાનમાલિક ઓછા માણસોને વધારે વખત સુધી કામ કરાવશે અને બમણું કે દોઢું વળતર આપવાનો નથી. આ પ્રકારનાં શોષણ મૂડીવાદના ઇતિહાસમાં આખી દુનિયામાં દેખાયાં છે

દુકાનો, રેસ્ટોરાંઓ દિવસ-રાત ખુલ્લાં રાખવાની વાત નવી નથી. આજથી એંસી વર્ષ અગાઉ મોટાં શહેરોમાં આવી જ પરિસ્થિતિ હતી. કારકુન, હિસાબીયો અને ‘છોકરો’ મહિનાભર રોજ કામ કરતા, અમાસની છુટ્ટી મળતી અને વાણોતર, નોકરિયાતોનો કચ્ચરઘાણ નીકળતો. 1937માં દેશના કેટલાક પ્રાંતોમાં કોંગ્રેસી સરકારો સ્થપાઈ ત્યારે દુકાનધારો ઘડાયો. અઠવાડિયામાં એક રજા, કામના કલાકો નિશ્ચિત. કોઈની પાસેથી શેઠિયાલોક વધારે કામ લે તો સજા પામે.
હાહાકાર થઈ રહ્યો. અઠવાડિયાની રજા અને આઠ જ કલાક દુકાન ખોલો તો ઘરાક આવે ક્યારે, પણ આવ્યા અને આ કાયદો આપણા જીવનનો ભાગ થઈ પડ્યો.
આ અભિગમ જુનવાણી લોકોને જરા નવાઈ પમાડે તેવો છે અને જેમની પોતાની અંગત માલિકી હોય તેવા ઘણા લોકો આ નિયમ પાળતા નથી. દુકાન વધારે વખત ખુલ્લી હોય તો વધારે ઘરાક આવે એવું સમીકરણ સાચું નથી. વેચાતો માલ લોકપ્રિય હોય, બધાને જોઈતો હોય તો
અડધો-પોણો કલાક બસ થઈ પડે છે. તેવા અગણિત દાખલા ટાંકી શકાય છે.
આ અભિગમમાં અને કામ કરવા માટે ઇચ્છા હોય અથવા મજબૂરી હોય છતાં તેની પાસેથી કામ લેવાના કલાક મર્યાદિત રાખવાની રાજનીતિ જાણી બૂઝીને સ્વીકારવામાં આવી છે અને કલ્યાણ રાજ્યના ભાગરૂપે સ્વીકારવામાં આવી છે. માણસ પોતાની આજીવિકા કમાઈ લેવા માટે અથવા આજીવિકામાં ઉમેરણ કરવા માટે વધારે કામ કરે તો વ્યક્તિ અને સમાજ બંનેને નુકસાન થાય છે. દરેક વ્યક્તિ સમાજનું અંગ છે અને તેનો વ્યક્તિ તરીકે વિકાસ થવો જોઈએ.
માણસ મજૂરી કરે છે, પણ તે માત્ર મજૂરિયું જાનવર નથી અને અર્થતંત્રને ઘૂમતું રાખનાર કોઈ એક જાનવર નથી. આપણા બંધારણે આ બાબતમાં સ્પષ્ટ અને ચોક્કસ નિયમો ઘડ્યા છે. ભારતના દરેક નાગરિકને પૂરતી જીવાઈ મળવી જોઈએ. કોઈની તંદુરસ્તી કે આરોગ્યનો ગેરઉપયોગ કરીને તેની પાસેથી વધારે પડતું કામ કરાવી શકાય નહીં. કામના સ્થળે વાતાવરણ આરોગ્યપ્રદ હોવું જોઈએ. દરેક નાગરિકને પૂરતો આરામ મળે અને આરામના સમયમાં તે મનગમતી પ્રવૃત્તિ કરે તેવી સગવડ રાજ્યે કરવી પડશે. લોકોનું જીવનધોરણ જળવાવું જોઈએ અને તેમને પોષક ભોજન મળવું જોઈએ.
ચોવીસ કલાક દુકાનો ખુલ્લી રાખવાથી રોજગારી વધશે અને એકની જગ્યાએ ત્રણ માણસો કામ કરતા થશે તેવી સરકારી દલીલ ગળે ઊતરે તેવી નથી, કારણ કે દુકાનમાલિક ઓછા માણસોને વધારે વખત સુધી કામ કરાવશે અને બમણું કે દોઢું વળતર આપવાનો નથી.
આ પ્રકારનાં શોષણ મૂડીવાદના ઇતિહાસમાં આખી દુનિયામાં દેખાયાં છે. ઇંગ્લેન્ડ, યુરોપ, ભારતમાં કારખાનાંઓ, કાપડમિલો ઊભી થવા લાગી ત્યારે મજૂરોએ સવારથી સાંજ કામ કરવું પડતું હતું અને અમદાવાદ કાપડની મિલોના વહેલી સવારનાં ભૂંગળાં તો મોટી ઉંમરના ઘણા લોકોને યાદ હશે.
નાનાં બાળકોની મજૂરી, સ્ત્રીઓ પાસેથી પૂરતું કામ લઈને ઓછી મજૂરી આપવી અને મજૂરો પાસેથી ગજા ઉપરવટ કામ કરાવીને તેમની જિંદગી પાયમાલ કરી આવા અનેક દારૂણ અનુભવો પછી બધા મૂડીવાદી દેશોએ મજૂરીના કલાક ઘડ્યા, કામનું વાતાવરણ બદલાયું અને મજૂરોને થતી નાની-મોટી ઈજાઓ માટે વળતર આપવાની શરૂઆત થઈ. આ બધા કાયદાઓને સામૂહિક રીતે કલ્યાણ રાજ્ય કાયદાઓ કહેવામાં આવે છે.

ગુજરાત પીછેહઠ કરી રહ્યું છે. દુકાનો ચોવીસ કલાક ખુલ્લી રાખવા માટે સૌથી પહેલો ભોગ વાણોતરોનો લેવાશે અને દુકાનની ઘરાકી અને આવક બંનેમાં ઘટાડો થશે.

માણસે કામ તો કરવું જ પડે છે, પણ તેને શ્વાસ લેવા માટે થોડો વખત આરામમાં ગુજારવાની સગવડ મળવી જોઈએ. સતત અને શરીર તોડી નાખે તેવા કામની અસર માણસના મન પર પણ થાય છે. માણસ ચીડિયો, ઘાતકી અને ગંદો થઈ જાય છે.
આર્થિક સમૃદ્ધિ જરૂરી છે અને તે મેળવવા માટે સખત મજૂરી કરવી પડે છે, પણ ઠરાવેલા સમયમાં કામ અને બાકીના વખતમાં આરામ કરવાથી માણસની કાર્યશક્તિ ઘટતી નથી, વધે છે તેવું ઇંગ્લેન્ડના અગણિત અભ્યાસીઓએ પુરવાર કર્યું છે. કામ એકધારું થઈ જાય, કંટાળો આવવા માટે અને હતાશા માણસને ઘેરી વળે પછી તેના બચાવના ઉપાય જડતા નથી.

અતિશય અને કેવળ કામ જ કરનાર લોકો સમૃદ્ધિ પેદા કરી શકતા હશે, સુખનો અનુભવ કરી શકતો નથી. ધનના ઢગલા થાય છે અને માણસ સડતો અને ઘસાતો જાય છે. સમૃદ્ધિ જરૂરી છે અને વિકાસ અને સગવડ માટે જરૂરી છે, પણ સમૃદ્ધિનું મહત્ત્વ તેની નકારાત્મકતામાં રહેલું છે. માણસ પાસે જરૂરી ધનસંપત્તિ ન હોય તો તે દુ:ખી જરૂર થાય છે, પણ સમૃદ્ધિ કે સંપત્તિ હોય તો માણસ સુખ મેળવે છે તેવું કહી શકાય નહીં. આ બાબતમાં તો એકવીસમી સદીની દુનિયા વીસમી સદી કરતાં અનેક માઇલ આગળ નીકળી ગઈ છે.

વીસમી સદીમાં વસ્તીગણતરી થતી તેમાં મકાનો, રાચરચીલાં અને સુખસગવડનાં સાધનોની ચકાસણી કરવામાં આવતી. જે સમાજ પાસે સૌથી વધારે મોટરગાડીઓ હોય, ટીવીના સેટ્સ હોય, બેન્કોમાં બેલેન્સ હોય તેમને વધારે સુખી અને પ્રગતિશીલ ગણવાનો રિવાજ હતો, પણ ટચૂકડા ભૂતાને આખી દુનિયાને નવતર પાઠ ભણાવ્યો છે અને સુખની વ્યાખ્યા બદલાવી છે. સુખ એટલે ગુનાખોરી ન હોય, અદાલતોમાં કેસની સંખ્યા ઓછી હોય, તંદુરસ્તી હોય અને જીવનજરૂરિયાતો મળી રહે તે સમાજને સુખી ગણવાનો રિવાજ ભૂતાને શરૂ કર્યો અને હવે ઉત્તર યુરોપના સ્કેન્ડિનેવિયન દેશો તેનું અનુસરણ કરે છે.

ધનના કોથળા સમાજમાં સત્તા અને પ્રતિષ્ઠા માપે છે, પણ આવા કોથળા માણસને કચરી નાખે છે. જરૂર બધાની પૂરી થવી જોઈએ, પણ કોઈ માણસના લોભને થોભ હોતો નથી અને લોભનું ગાબડું પૂરવાનું શક્ય પણ નથી.{
[email protected]

X
article by nagindas shangavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી