પરિક્રમા / હિન્દુ ધર્મમાં કોઈ પણ પ્રકારની ધર્માંધતા અશક્ય છે!

article by nagindas shangavi

નગીનદાસ સંઘવી

Jan 06, 2019, 04:44 PM IST

પાગલો તો દુનિયાના દરેક સમાજમાં અને દરેક જમાનામાં હોય જ છે પણ આધુનિક ભારતની એ કમનસીબી છે કે આવા પાગલો સત્તા અને મોભાની અતિશય ઊંચી કક્ષાએ પહોંચી જાય છે અને તેમના બકવાસનો એંઠવાડ અખબારોમાં રોજ ઠલવાતો રહે છે. પૌરાણિક કથાઓ અને કાવ્યોનાં પાત્રોને માણસ સમજીને હિંદુઓ પોતાની જ્ઞાતિ વ્યવસ્થામાં ગોઠવી દેવાની અવળચંડાઇ સતત આચરે છે.


રામાયણમાં જેમની અદ્્ભુત કામગીરીનાં અનેક વર્ણનો રજૂ થયાં છે તે હનુમાનની જ્ઞાતિ ઠરાવવા માટેનો વિવાદ શરૂ થયો છે. કોઇ હનુમાનને દલિત ઠરાવે છે, કોઇ તેમને મુસલમાન ઠરાવે છે. આવી ચર્ચાઓનો કશો અર્થ કે ઉપયોગ હોતો નથી અને તેમાં કશું બૌદ્ધિક તત્ત્વ કે સત્ત્વ પણ હોતાં નથી.

હનુમાનને દલિત કે મુસલમાન કહેનાર લોકો એટલા મૂરખ છે કે તે જમાનામાં દલિત જાતિની કલ્પના ન હતી અને ઇસ્લામ ધર્મની સ્થાપના પણ થઈ ન હતી

હિંદુસ્તાનનું અદ્્ભુત મહાકાવ્ય રામાયણ સમગ્ર પૂર્વ એશિયામાં ફેલાઇ ગયું છે અને શ્રીલંકાથી માંડીને જાપાન સુધીના તમામ દેશો પોતપોતાની રામકથા થોડા ફેરફારો સાથે ગાય છે અને માણે છે. પાત્રો, કૌટુંબિક સંબંધો, પાત્રોનાં વાણી-વર્તન અલગ અલગ હોય છે. થાઇલેન્ડની રામકથાનો હનુમાન અતિશય સ્ત્રીલંપણ કહેવાયો છે અને કમ્બોડિયાની રામકથામાં રાવણનો વધ લક્ષ્મણે કર્યાનું કહેવાય છે.

ઇન્ડોનેશિયાના અદ્્ભુત હનુમાન નૃત્યનું વર્ણન પુ.લ. દેશપાંડેએ પોતાના પૂર્વાઇમાં કર્યું છે. અને આવી એશિયાઇ રામાયણમાં સીતા રાવણની દીકરી ગણવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો મૂળ કથા અને પાત્રો જેમનાં તેમ રહ્યાં છતાં બાકીનું બધું ફેરવી કાઢવામાં આવ્યું છે. ભારતમાં દરેક પ્રદેશની ભાષામાં રામાયણો છે અને તેમાં અનેક અવનવી કથાઓ કહેવામાં આવે છે. તમિલ ભાષામાં કંપનનું રામાયણની માફક બંગાળી, અસમિયા, કાનડી, તેલુગુ ભાષાઓમાં રામકથા અલગ અલગ રીતે કહેવાઇ છે તે બધાની વિગતો આપીએ તો રામના ભગતો બધા આઘાતથી બેભાન થઇ જાય!


જે રામકથા અને પાત્ર વર્ણન આજે ગુજરાતમાં અને હિન્દી ભાષી પ્રદેશોમાં સૌથી વધારે પ્રચલિત છે તે સંત તુલસીદાસે પાંચસો વરસ અગાઉ લખેલા ‘રામચરિત માનસ’ પર આધારિત છે અને તુલસીદાસે ઉમેરેલી કથાઓ મૂળ રામાયણમાં કશે નથી. આ તમામ કથાઓ વાલ્મીકિએ લખેલી રામાયણ પર આધારિત છે અને વાલ્મીકિ રામાયણમાં ઘુસાડવામાં આવેલા શ્લોકો કાઢી નાખીને મૂળ કથા સુધી પહોંચવાનો પ્રયાસ વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિરે કર્યો છે.

વાલ્મીકિએ રામાયણ ક્યારે લખ્યું તે આપણે જાણતા નથી પણ લગભગ પંદરસો વરસથી તો રામાયણ જાણીતો ગ્રંથ છે અને વાલ્મીકિએ પણ પોતાના કરતાં પણ જૂની રામકથા પોતે સાંભળી હોવાનો દાવો કર્યો છે. રામકથાની પરંપરા કેટલી જૂની છે તે કહેવાનું શક્ય નથી. આ કથા માત્ર કાલ્પનિક છે કે આવું ખરેખર બનેલું હતું તે કહી શકાય તેમ નથી પણ આપણી પાસે તેનો કશો પુરાવો નથી.


વાલ્મીકિ રામાયણની કથા કેવળ ઉત્તર ભારતની કથા છે. તેમાં ગોદાવરી નદીની દક્ષિણે આવેલા પ્રદેશો નથી. વાલ્મીકિ રામાયણની પંચવટી, પંપા સરોવર, કિષ્કિંધા નગરી અને શ્રીલંકા આજનાં સ્થાનો નથી. અને આપણા સુપ્રસિદ્ધ પુરાતત્ત્વ શાસ્ત્રી હસમુખ સાંકળીયાએ રામાયણની ભૂગોળ વધારે તર્કશુદ્ધ રીતે શોધી આપી છે. વાલ્મીકિ રામાયણના ઇતિહાસનું ઠેકાણું નથી પણ તેની ભૂગોળ વધારે પાકી છે અને અનેક સ્થાનોનું વર્ણન વાલ્મીકિએ બહુ સ્પષ્ટ અને સચોટ રીતે કર્યું છે.


હનુમાનને દલિત કે મુસલમાન કહેનાર લોકો એટલા મૂરખ છે કે તે જમાનામાં દલિત જાતિની કલ્પના ન હતી અને ઇસ્લામ ધર્મની સ્થાપના પણ થઇ ન હતી. ઇસ્લામ દુનિયાનો છેલ્લો ધર્મ છે અને મહમ્મદ સાહેબ દુનિયામાં છેલ્લા પયગંબર છે અને આજથી લગભગ 1300-1400 વરસ અગાઉ મુસ્લિમોનો ઇતિહાસ શરૂ થાય છે. ખ્રિસ્તી ધર્મને બે હજાર વરસ થયાં, બૌદ્ધ અને જૈનની સ્થાપના અઢી હજાર વરસ અગાઉ થઇ.

હિન્દુ ધર્મ એટલો જૂનો છે કે તેની શરૂઆત ક્યારે થઇ તે આપણે જાણતા નથી અને હિન્દુઓ કોણ છે, ક્યાંના છે અને તેમની વિચારધારા ક્યાંથી શરૂ થઇ તેની કોઇ ભરોસાપાત્ર જાણકારી આપણી પાસે નથી. છેલ્લાં પાંચસો વરસમાં હિન્દુ શાસ્ત્ર ગ્રંથોના પ્રકાંડ વિદ્વાનોમાં લોકમાન્ય બાળ ગંગાધર ટીળકની પંગતમાં બેસી શકે તેવો વિદ્વાન આપણી પાસે નથી. શુદ્ધ જ્ઞાન ધરાવતા શાસ્ત્રી પંડિત ટીળકે હિન્દુ ધર્મની વ્યાખ્યા બાંધતો શ્લોક લખ્યો છે તેમાં સ્પષ્ટતા કરતાં અસ્પષ્ટતા વધારે છે.

હિન્દુ ધર્મ જ એવો ગૂંચવાયેલો છે કે તેની વ્યાખ્યા બાંધવાનું કે તેના વિશે જડસુ મત આપવાનું શક્ય નથી. સતત વહેતો અને બદલાતો હિન્દુ ધર્મ વિચાર જડસુ બની શકે તેમ નથી. હિન્દુ ધર્મ દેખતો ધર્મ છે તેમાં કોઇ પણ પ્રકારની ધર્માંધતા અશક્ય છે. હિન્દુ ધર્મમાં આંધળાપણા માટે કોઇ જગા જ નથી. વિશ્વ હિન્દુ પરિષદ કે ગૌરક્ષકો જેવા ઝનૂની લોકોને હિન્દુ કહેવા તે હિન્દુ શબ્દનો અનર્થ કરવા જેવું ગણાય.
[email protected]

X
article by nagindas shangavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી