દેવદાસીની અત્યંત કફોડી સ્થિતિને સમજનારું કોઈ નથી!

article by nagindas shangavi

નગીનદાસ સંઘવી

Dec 02, 2018, 12:05 AM IST

હિંદુ ધર્મ અને તેની પરંપરાઓ હિમાલય જેટલી વિશાળ અને અગોચર છે અને હિમાલયનાં શિખરો જેટલી ઉદાત્ત અને વિશ્વદૃષ્ટિ ધરાવતા આ ધર્મના હિમાલયની ખીણો જેટલી ઊંડી અને ભયાનક ખીણો પણ છે. ગાંધીજીએ અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું કલંક ગણાવ્યું છે. પણ આવાં બીજાં કેટલાંક અને કદાચ વધારે ઘેરા કલંકનો તેમણે ઉલ્લેખ કર્યો નથી.

દેવદાસીની પ્રથા ભારત અને હિંદુધર્મ માટે અતિશય ઘૃણાસ્પદ પ્રણાલી છે. આ પ્રથાને ચલાવી લેનાર ધર્માચાર્યો અને પૂજારીઓ મહાપાપના ભાગીદાર છે

એક જમાનામાં ભક્તિભાવે દેવને સમર્પિત સેવિકાઓ-દેવદાસીઓની પરંપરા ભારતનાં અનેક મંદિરોમાં જગન્નાથપુરી અને દક્ષિણ ભારતનાં અનેક મંદિરોમાં પ્રચલિત હતી. આજે દેવદાસી પ્રથા એટલી કલંકિત અને ભ્રષ્ટ બની ગઇ છે કે કોઇપણ સમજદાર અને સંવેદનશીલ હિંદુ તેનાથી ઊંડો આઘાત પામે.


દેવદાસીઓની કલાત્મક પરંપરા તો ક્યારનીયે ભૂંસાઇ ગઇ છે અને આ દેવદાસીઓ મંદિરના પૂજારીઓની વાસના સંતોષવાનું સાધન બની ગઇ. આનાથી કંઈ વાત અટકતી નથી. પછી તો આ પૂજારીઓએ આ શ્રદ્ધાળુ અને અશિક્ષિત સ્ત્રીઓનો વેપાર શરૂ કર્યો અને
મંદિરો વેશ્યાગૃહો જેવાં બની ગયાં.


જાણીને એટલું આશ્ચર્ય થાય કે આ ઉદાત્ત પરંપરા એટલી હદે અધમ બની ગઇ કે ભારત સરકારે દેવદાસી પ્રથાની નાબૂદી માટે કાયદો ઘડ્યો અને આ પ્રણાલીને કાયદેસર રીતે ભૂંસી નાખવામાં આવી છે. પણ શ્રદ્ધા અને રૂઢિથી દોરવાતા લોકો માટે કાયદાનું મહત્ત્વ હોતું જ નથી અને દેવદાસીઓની પ્રથા અધમતાના એક વધારે નીચા પગથિયા પર ઊતરી ગઇ. મંદિરોમાં દેવદાસીઓની હાજરી કાયદાના કારણે અશક્ય બની ગઇ પણ શ્રદ્ધાળુ માબાપો પોતાની માનતા પૂરી કરવા માટે નાની દીકરીઓને ભગવાન જોડે પરણાવી દઇને તેમને દેવદાસીઓ બનાવે તે રિવાજ હજુ આજે પણ ભારતનાં અનેક રાજ્યોમાં ચાલી રહ્યો છે.


આવા રિવાજો હજુ ઘણે ઠેકાણે દૂર થયા નથી અને દૂર થશે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે, ચિંતાનો વિષય છે.


તાજેતરમાં કર્ણાટક રાજ્યમાં થયેલા સર્વેક્ષણ મુજબ કર્ણાટકના ઘણા ખરા જિલ્લાઓમાં દેવદાસીઓની પ્રણાલી ચાલુ જ રહી છે અને મોટાભાગે પછાત જ્ઞાતિઓ અને દલિતોમાં તેનો ફેલાવો ઘણા મોટા પ્રમાણમાં થયો છે. આ છોકરીઓને છ કે આઠમા વરસે દેવ જોડે પરણાવી દેવામાં આવે છે અને તેનાં માબાપ જ તેના માટે કોઇ પુરુષ શોધી કાઢે છે. આવા પુરુષો મોટાભાગે પરિણીત હોય છે અને પોતાનો કુટુંબકબીલો પણ ધરાવે છે. દેવદાસીઓ તો માત્ર તેમની વાસના સંતોષવાનું વધારાનું સાધન હોય છે અને આવા દેહસંબંધથી જન્મેલાં બાળકોની કશી જવાબદારી પુરુષ ઉઠાવતો નથી.


આવા સંબંધો કામચલાઉ જ હોય છે. બે-પાંચ વરસે આ પુરુષ સંબંધ છોડી કાઢે પછી માબાપ બીજો પુરુષ શોધી કાઢે છે. પોતાના આવા કામચલાઉ લગ્ન કે ભરથાર અંગે કશું બોલવાનો અધિકાર આ દેવદાસીઓ- તેમને જોગણી પણ કહેવાય છે-હોતો નથી. દેવદાસી અથવા જોગણીનાં લગ્ન જે ભગવાન જોડે થયા હોય તેના પૂજારીઓ અને મંદિર સાથે સંકળાયેલા સંચાલકો-કાર્યકરો પણ તેનો ભોગવટો કરવાના હકદાર છે.


વધારે સ્પષ્ટ અને કઠોર શબ્દોમાં કહીએ તો દેવદાસીઓમાં કશું દેવત્ત્વ નથી. આ સ્ત્રીઓ માત્ર વેશ્યાઓ જેવું જ જીવન ગુજારે છે.


પણ તેમની સ્થિતિ આવો ધંધો કરનાર સ્ત્રીઓ કરતાં પણ ઘણી વધારે ખરાબ હોય છે. વેશ્યાઓ તો નાણાં માગે છે અને કમાણી કરે છે પણ દેવદાસીઓને કોઇ કશાં નાણાં આપતું નથી અથવા તેમના ભરણપોષણની જવાબદારી પણ ઉઠાવતું નથી. પોતાનું અને પોતાનાં બાળકોનું ભરણપોષણ કરવું અને તેમને ઉછેરવાની બધી જવાબદારી દેવદાસીઓએ જાતે ઉઠાવવી પડે છે. તેમની હાલત કેટલી કફોડી અને દયામણી હશે તે કહેવાની કશી જરૂર રહેતી નથી.


ધર્મના નામે અને ધર્મશ્રદ્ધાની ઓથે ચાલી રહેલી દેવદાસીની પ્રથા ભારત અને હિંદુધર્મ માટે અતિશય ઘૃણાસ્પદ પ્રણાલી છે અને આ પ્રથાને ચલાવી લેનાર ધર્માચાર્યો અને પૂજારીઓ મહાપાપના ભાગીદાર છે.


સ્ત્રીઓના સશક્તિકરણની બાંગ પોકારનાર લોકો પણ ગરીબ, અભણ અને શ્રદ્ધાળુ સમાજમાં ચાલી રહેલી આ પ્રથાને નાબૂદ કરવા માટે કશું કરતા નથી. કોઇવાર થોડી ચર્ચાઓ થાય છે, સર્વેક્ષણોના હેવાલો રૂડારૂપાળા કવરપેજ ધરાવતી પુસ્તિકાઓ રૂપે છપાય છે અને પછી આ કમનસીબ સ્ત્રીઓને તેમની હાલતમાં સબડતી છોડી દેવામાં આવે છે.


ખરી રીતે તો આ પ્રણાલી ચાલુ રાખનાર માબાપો અને તેનો ગેરલાભ ઉઠાવનાર લોકોને માનવ-વ્યાપારના કાયદા અનુસાર સજા થવી જોઇએ. દીકરીના દેવ જોડે લગ્ન કરાવનાર માબાપો સૌથી વધારે સખત સજાને પાત્ર છે.
[email protected]

X
article by nagindas shangavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી