ખામી વિનાની કોઈ પ્રણાલી દુનિયામાં હોતી નથી

article by nagindas sanghvi

નગીનદાસ સંઘવી

Sep 26, 2018, 03:03 PM IST

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને સર્વોચ્ચ અગ્રણી હાર્દિકભાઈ પટેલે પોતાના આમરણાંત અપવાસના પારણા કરી લીધા છે. છેલ્લાં સિત્તેર વર્ષમાં રાજકીય કે સામાજિક માગણી માટે આમરણાંત અપવાસ શરૂ કરનાર સેંકડો લોકોમાંથી માત્ર બે - આંધ્રના પોટ્ટી સીતારામુલુ અને પંજાબના પેરુમલે જ મરણ સુધી ટેક નિભાવી છે.


ગાંધીજીએ જાહેર જીવનમાં અપવાસનો શસ્ત્ર તરીકેનો ઉપયોગ શરૂ કર્યો, પણ હવે તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યાં છે. રાજનેતાઓ એકાદ દિવસના અથવા થોડા કલાકના પ્રતીક અપવાસો કરતા થયા છે. ક્યારેક રીલે અપવાસ પણ થાય છે. નેતાઓ વારાફરતી અપવાસ કરીને લાંબી શૃંખલા ટકાવી રાખે છે. પણ આવી ઉપવાસ મીમાંસામાં મૂળ મુદ્દો વિસારે પાડવામાં આવે છે અને અનામતની માગણી માટેનાં આંદોલન દેશનાં અનેક રાજ્યોમાં અને અનેક સમાજોમાં ચાલી રહ્યાં છે. તેમાં સભા-સરઘસો, તોડફોડ અને અપવાસ જેવાં બધાં સાધનોનો વપરાશ થાય છે.


ભારતના જાહેર જીવનની અનેક પરંપરાઓની માફક અનામત પણ ગાંધીજીના જીવન સાથે સંકળાયું છે અને આમરણાંત અપવાસ પર બેઠેલા ગાંધીજીના અપવાસ છોડાવવા માટે ડો. આંબેડકર પૂના ગયા હતા અને કમને પણ ગાંધીજીના સુધારા માન્ય રાખ્યા હતા.
ભારતીય સમાજમાં કોમ વાર ભાગલા પાડવા માટે અંગ્રેજી રાજવટે અપનાવેલા અલગ મતાધિકાર બંધારણ સભાએ નાબૂદ કર્યા, પણ દલિતો અને આદિવાસીઓ માટે સંસદ, રાજ્યોની વિધાનસભાઓમાં વસ્તી પ્રમાણે બેઠકો અનામત રાખવામાં આવી અને સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં પણ અનામત સ્થાનો રાખવામાં આવ્યાં.

બધા માણસો, બધા સમાજ, બધા વિચારો, બધી પદ્ધતિમાં કંઈક સારું, કંઈક ખરાબ હોય જ છે. સારા-નરસા વચ્ચેની પસંદગી સહેલી છે, પણ આપણે તો બે ખરાબમાંથી ઓછું ખરાબ શોધવાનું હોય છે

અનામત પ્રથા લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતનો છેદ ઉડાડી મૂકે છે. લોકશાહી બે આધારસ્તંભો પર ટકી શકે છે. લોકશાહીમાં તમામ નાગરિકો સરખા જ છે. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. પોતાની આવડત અને પોતાની સાધના અનુસાર નાગરિકને હોદ્દા, નોકરી અને આવક મળવાં જોઈએ. બીજું, લોકશાહીમાં દરેક નાગરિકને સ્વાતંત્ર્ય મળવું જોઈએ. બીજા કોઈને નુકસાન ન થાય તેવી ગમે તે પ્રવૃત્તિ કરવાની છૂટ તેને મળવી જોઈએ. સમાનતા વગર સ્વાતંત્ર્ય શક્ય નથી, તેથી સમાનતા લોકશાહીનો પાયો છે. દેશના કોઈ પણ સમાજ માટે ખાસ વ્યવસ્થા કરનાર અનામત પ્રણાલી સમાનતાનો નાશ કરે છે, તેથી અનામત પ્રણાલી લોકશાહી માટે હળાહળ ઝેર છે અને લાંબા ગાળે આવી અનામત પ્રણાલી ચોતરફ ફેલાય તો લોકશાહી મરી પરવારે છે, પણ જીવનમાં અને રાજકારણમાં માત્ર સિદ્ધાંતના આધારે જીવી શકાય નહીં. વાસ્તવિકતા અને વ્યવહારુ સ્થિતિ પણ ધ્યાનમાં લેવી પડે છે. આપણા દેશમાં જ્ઞાતિ વ્યવસ્થાના કારણે ઊંચનીચના ખ્યાલ રૂઢ થયા છે. ભારતીય માનસમાં તેનાં મૂળિયાં ઊંડે સુધી પહોંચી ગયાં છે. જ્ઞાતિ વ્યવસ્થાનો નાશ ન થાય ત્યાં સુધી સમાનતા આવવાની નથી અને સાચી લોકશાહી સ્થાપી શકાય તેમ નથી.


જ્ઞાતિ વ્યવસ્થાના કારણે કેટલીક જ્ઞાતિઓ શિક્ષણમાં, સમૃદ્ધિમાં અને કામગીરીમાં પછાત પડી ગઈ, કેટલીક જ્ઞાતિઓ કચડાઈ ગઈ, દબાઈને દલિત બની ગઈ. માત્ર બ્રાહ્મણો જ ભણી શકે અને માત્ર બ્રાહ્મણો જ ધર્મવિધિઓ કરાવી શકે. માત્ર વાણિયા જ વેપાર કે ધીરધારના ધંધા કરી શકે. લડવાની તાલીમ પામેલા રાજપૂતો જ રાજસત્તા ભોગવી શકે. દલિત જ્ઞાતિમાં જન્મેલો બાળક ગમે તેવો હોશિયાર હોય, બળવાન હોય, પણ તે ભણી શકે નહીં, રાજ કરી શકે નહીં, વેપાર-ધંધા કરી શકે નહીં. કણબી, કોળી ખેતી કરે. મજૂરી કરે તે કદી શેઠ બની શકે જ નહીં.


આ નિયમોમાં ઘણા અપવાદ છે. ભારતના બધા શાસ્ત્રીઓ બ્રાહ્મણો છે, પણ બધા સંતો પછાતવર્ગના છે. ક્ષત્રિયોનાં રજવાડાં ઘણાં, પણ નંદ અને મૌર્ય જેવાં દલિતો, ગુપ્તો જેવા વાણિયાઓ અને સાતવાहહન બ્રાહ્મણોએ પણ સામ્રાજ્યો સ્થાપ્યાં હતા. શિવાજી ક્ષત્રિય નથી તેવું કહીને બ્રાહ્મણોએ તેમનો રાજ્યાભિષેક કરવાનો ઇન્કાર કર્યો હતો. 1948 અગાઉ ભારતમાં રજવાડાંઓ હતાં. તેના રાજવીઓમાં બ્રાહ્મણો, કોળીઓ, કાઠીઓ, દલિતો અને આદિવાસીઓ પણ હતા. મરાઠા સામ્રાજ્યને ટોચે પહોંચાડનાર પેશ્વાઓ બ્રાહ્મણો હતા અને તેમાં બાલાજી વિશ્વનાથ અને બાજીરાવ જેવા બાહોશ સેનાપતિઓ હતા. સિંધિયા (શીંદે), હોલકર, ગાયકવાડ શુદ્રો છે. પણ આ બધું અપવાદરૂપ છે. ભારતીય સમાજની વ્યવસ્થા સમાનતા સ્વીકારતી નથી. આ મહારોગ નાબૂદ કરવા માટે પછાત અને દલિતોની પ્રગતિ વધારે ઝડપી બનાવીને તેમને સવર્ણોની હરોળમાં પહોંચાડી દેવા માટે ભારતીય બંધારણમાં અનામતની પ્રથા દાખલ કરવામાં આવી. પછાતવર્ગો અને દલિતો, આદિવાસીઓ શિક્ષણ, સમૃદ્ધિ અને સંસ્કારમાં સવર્ણોની કક્ષાએ પહોંચી જાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે અનામતનો સ્વીકાર કરવામાં અાવ્યો.


સમાનતાનો સિદ્ધાંત નકારી કાઢનાર અનામત પ્રણાલી લોકશાહી માટે હળાહળ ઝેર છે, પણ મોટો રોગ લાગુ પડ્યો હોય ત્યારે ડોક્ટરો, અફીણ, સોમલ જેવા ઝેરી પદાર્થો ઔષધ તરીકે વાપરે છે. ખરી રીતે તો દરેક દવા ઝેર જ છે, પણ રોગથી છૂટવા માટે થોડા વખત માટે બને તેટલા ઓછા પ્રમાણમાં આપણે આ ઝેરી પદાર્થો વાપરવા પડે છે.


અનામત પ્રથા ઘણી કાર્યક્ષમ રહી છે અને દલિતો, આદિવાસીઓ શૈક્ષણિક અને આર્થિક ધોરણે ઘણા વધારે સધ્ધર બન્યા છે. હજી સમાન કક્ષાએ પહોંચ્યા નથી, પણ પહોંચી જાય તેવી સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે. દલિતો, આદિવાસીઓને મળેલા લાભને જોઈને પછાતવર્ગોએ અનામતની માગણી કરી અને મંડળ કમિશને અનેક પછાત વર્ણોને આ લાભ કરાવી આપ્યો. મંડળ કમિશનની યાદીમાંથી બાકાત રહેલા શિક્ષિત અને સમૃદ્ધ વર્ગો - પાટીદારો, ગુર્જરો, મરાઠાઓ પોતાને પછાત ગણાવીને અનામતનો લાભ લેવા પડાપડી કરી રહ્યા છે. એક જમાનામાં સમાજનો દરેક વર્ગ પોતાને વિકસિત ગણાવવામાં ગૌરવ અનુભવતો હતો. હવે દરેક વર્ગ પોતાને પછાત ગણાવવા ઉછળકૂદ કરે છે. અનામતનો અતિરેક કરવામાં આવે તો અનામતના લાભ મળતા અટકી પડે. અનામતના કારણે સવર્ણોના વધારે હોશિયાર અને વધારે મહેનતું યુવાનોને અન્યાય થાય છે તે ખરું છે, પણ સમાજને સમથળ બનાવવા માટે અને જ્ઞાતિપ્રથાના કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અનામત ઉપયોગી થઈ પડે છે.


અનામતનો આખરી ઉદ્દેશ જ્ઞાતિપ્રથાના કારણે પેદા થયેલા ઊંચનીચના ભેદભાવ નાબૂદ કરવાનો છે, પણ અનામત જ્ઞાતિના ધોરણે અપાય છે તેથી જ્ઞાતિભાવના અને જ્ઞાતિવાદ વધારે મજબૂત થતો જાય છે. આપણું રાજકારણ આજે જ્ઞાતિ આધારિત રાજકારણ બની ગયું છે અને દરેક ચૂંટણી વખતે જ્ઞાતિ સંખ્યાની ગણતરી કરવામાં આવે છે.


અનામત પ્રથાના આ બધાં દૂષણો છતાં આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એક પણ દૂષણ કે ખામી ન હોય તેવી કોઈ પ્રણાલી દુનિયામાં હોતી નથી. તદ્દન સારું અને તદ્દન ખરાબ દુનિયામાં હોતાં નથી. બધા માણસો, બધા સમાજ, બધા વિચારો, બધી પદ્ધતિમાં કંઈક સારું, કંઈક ખરાબ હોય જ છે. સારા-નરસા વચ્ચેની પસંદગી સહેલી છે, પણ આપણે તો બે ખરાબમાંથી ઓછું ખરાબ શોધવાનું હોય છે.


અમેરિકન સમાજમાં એક જમાનાના ગુલામોનાં સંતાનોની દશા આપણા દલિતો જેવી જ હતી, પણ છેલ્લાં સિત્તેર વર્ષમાં તેમની પ્રગતિ કરવા માટે અમેરિકાએ અનામત પ્રણાલીના વિકલ્પ જેવી સમાન તકનો પ્રયોગ કર્યો છે. આ પદ્ધતિ અનામત કરતાં ઘણી વધારે સારી છે, પણ આપણી બીજી નબળાઈઓના કારણે આપણે તેનો ઉપયોગ કરી શકીએ તેમ નથી. [email protected]

X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી