ધાર્મિક વિધિમાં સ્ત્રીઓની આગેવાનીનો સ્વીકાર કેટલો?

article by nagindas sanghvi

નગીનદાસ સંઘવી

Sep 23, 2018, 12:05 AM IST

છેલ્લાં એકસો વરસથી મહારાષ્ટ્રમાં અને મુંબઇમાં ગણેશોત્સવ ધામધૂમથી ઊજવાતો રહ્યો છે અને હવે તો દેખાદેખીએ ગુજરાતમાં પણ ઊજવાય છે પણ આ વખતે મુંબઇમાં, થાણામાં, નવી મુંબઇમાં ઉજવાયેલો ગણેશોત્સવ કેટલાક મંડળોમાં અનોખી રીતે ઊજવાયો અને ભારતીય ધર્મ ક્ષેત્રે મોટું ક્રાંતિકારક પગલું ભરાયું. ગણેશના આગમનની દરરોજ આરતી અને વિસર્જનની ક્રિયાવિધિ બ્રાહ્મણો જ કરતા આવ્યા છે. આ વખતે કેટલાક સ્થાનોએ આ પૂજાવિધિ બિન-બ્રાહ્મણ સમાજ- મરાઠા સમાજની બહેનોએ કરાવી અને વધારે સારી રીતે વધારે શુદ્ધ ઉચ્ચારો અને પાકી વિધિ પ્રમાણે કરાવી.


મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ટચુકડા ગામના સંસ્કૃત ભાષાપ્રેમી શાસ્ત્રી રામેશ્વર કર્વેની અઢાર વરસની તપસ્યાનું આ ફળ છે અને ગુજરાતે આ બોધપાઠ ભણવા જેવો છે. પોતાના 83મા વર્ષે આ યજ્ઞ શરૂ કરનાર શાસ્ત્રીજી આજે 101માં વર્ષે પોતાની તપસ્યાનું ફળ જોઇ શક્યા છે. 2000ની સાલમાં આજુબાજુનાં ગામડાં ખૂંદવાની તેમણે શરૂઆત કરી અને મરાઠા સમાજની થોડું ઘણું ભણેલી બહેનોને સંસ્કૃત શીખવવાનો પ્રચાર શરૂ કર્યો.

સ્ત્રીઓ ધાર્મિક વિધિઓમાં અગ્રેસર થાય અને તેમની આગેવાનીનો સ્વીકાર થાય તે ક્રાંતિનું સાચું અને અત્યંત મહત્ત્વનું કદમ છે

ઘરકામ અને બાળઉછેરમાં રોકાયેલી બહેનો જલદીથી તૈયાર ન થાય પણ કર્વેએ થાક અને કંટાળા વગર પ્રચાર જારી રાખ્યો. તેમની પહેલી શિષ્યા લલિતા દળવી આજે બાવન વરસે સંસ્કૃત ભાષાની પરીક્ષામાં પાસ થયા પછી કર્મકાંડ શીખી ગયાં છે. કામકાજ પતાવીને બપોરે બેથી સાંજે પાંચ વાગ્યા સુધી ક્લાસ ચાલે. આજે પચ્ચીસેક જેટલી બહેનો સંસ્કૃત ભાષામાં શુદ્ધ ઉચ્ચાર સાથે પૂજાપાઠ, કથાઓ, લગ્ન, જન્મ, મરણની બધી વિધિઓ કરાવે છે અને મોટી દક્ષિણા પડાવનાર અભણ બ્રાહ્મણોને પડતા મૂકીને લોકો આ બહેનો પાસે કર્મકાંડની બધી વિધિ કરાવતા થયા છે. આવી જ પ્રવૃત્તિ પુનામાં પણ ચાલે છે અને બહેનો પુરોહિત તરીકેની બધી વિધિ અને પૂજાપાઠમાં પ્રવીણ બનવા લાગી છે. તેમની પ્રવૃત્તિ એટલી વિકસી છે કે હવે બહેનો વેદોક્ત વિધિથી મરણક્રિયાઓ પણ કરાવી શકે છે અને મહારાષ્ટ્રીય સમાજમાં સ્ત્રી પુરોહિતોનો સ્વીકાર આદરપૂર્વક કરવામાં આવે છે.


આ ઘટના અને આ પ્રવાહ સ્ત્રી સમાનતા અને સશક્તિકરણનો સાચો રસ્તો છે. સ્ત્રીઓ રાજકારણમાં ઝંપલાવે, વડાપ્રધાન કે વિદેશપ્રધાન કે સંરક્ષણપ્રધાન બને અથવા લશ્કરી મોરચે લડવા જાય કે પાઇલટ કે નાવિક બને તેના ભારે વખાણ થાય છે અને અખબારોમાં ફોટાઓ છપાય છે પણ સામાન્ય જનજીવનમાં આવા નમૂનાઓ અપવાદરૂપ હોય છે. સામાન્ય માનવીના જીવનમાં રંગપુરણી કરનાર ઉત્સવ પ્રસંગો આપણા દેશમાં ધાર્મિક ક્રિયાકાંડ સાથે જોડાયેલા છે અને આ કામ અત્યાર સુધી કેવળ પુરુષો જ બજાવતા આવ્યા છે. સ્ત્રીઓ ધાર્મિક વિધિઓમાં અગ્રેસર થાય અને તેમની આગેવાનીનો સ્વીકાર થાય તે ક્રાંતિનું સાચું અને અત્યંત મહત્ત્વનું કદમ છે. રૂઢિચુસ્ત સમાજમાં ધર્મ તે જડતાનો અભેદ્ય કિલ્લો બની જાય છે.

મહારાષ્ટ્રમાં સતત વધારે ને વધારે આવકાર પામતી સ્ત્રી-પુરોહિતો અને કર્મકાંડીઓએ આ દુર્ગમ કિલ્લાને તોડી પાડવાનો આરંભ કર્યો છે. તેમની સંખ્યા મોટી નથી અને તેમની સેવાનો લાભ ઉઠાવનાર લોકો પણ ઓછા છે પણ ક્રાંતિની આ યાત્રા હંમેશાં નાનકડા પગલાથી જ થાય છે.


બ્રાહ્મણોનો એકાધિકાર નાબૂદ કરવાનું બહુમાન તમિળનાડુને મળવું જોઇએ. સરકારી સહાયથી નભી રહેલા તમિળનાડુનાં મંદિરોમાં શાસ્ત્રજ્ઞાન ધરાવનાર દલિતો અને અછૂતોને પૂજારી તરીકે નીમવાની પ્રથા આજથી લગભગ બેદાયકા અગાઉ શરૂ થઇ અને હવે તો તિરુપતિના મંદિરમાં પણ દલિત જાતિનો એક યુવાન પૂજારી તરીકે સેવા બજાવે છે.


આ બંને બાબતોમાં ગુજરાત તદ્દન પછાત પ્રદેશ છે. લગનસરા જોરશોરથી ચાલતી હોય ત્યારે વિધિ કરનાર ગોર મહારાજોની ગેરહાજરીમાં ઓડિયો સેટથી કામ ચલાવી લેવામાં આવે છે તેવી વાત દક્ષિણ ગુજરાતના આદિ વિસ્તારોમાં સાંભળવા મળી છે પણ અબ્રાહ્મણને તાલીમ આપીને તેમને ગોરપદું સોંપવાનું સાંભળ્યું નથી. ધાર્મિક પૂજાવિધિઓની બાબતમાં ગુજરાતી સમાજમાં ઉપેક્ષાવૃત્તિનું પ્રમાણ વધારે છે. પરંપરાગત રીતે ગોરપદું કરનાર અભણ જેવા બ્રાહ્મણો અશુદ્ધ ઉચ્ચારો સાથે મંત્રો બોલે ત્યારે શબ્દ સમજનાર લોકોને શરમ આવવી જોઇએ પણ આપણે ત્યાં લગ્ન કે શ્રાદ્ધવિધિ પ્રસંગે આવું વારંવાર બનતું આવ્યું છે.


શબ્દપ્રેમીઓ હંમેશાં ઉચ્ચારશુદ્ધિનો આગ્રહ રાખતા હોય છે અને સંસ્કૃત ભાષામાં તો ઉચ્ચારશુદ્ધિ અત્યંત મહત્ત્વની બની જાય છે કારણ કે ઉચ્ચારમાં નજીવો ફેરફાર થાય તો પણ મંત્રના અર્થનો અનર્થ પણ થઇ શકે છે. આ બાબતમાં ગુજરાત ઘણા લાંબા વખતથી બદનામ છે. ગુજરાતીઓનું મોઢું ભ્રષ્ટ છે (ગુજર્રાણાં મુખં ભ્રષ્ટં) એવું સંસ્કૃત પંડિતો કહેતા રહ્યા છે. વેદના અભ્યાસ માટે જરૂરી ગણાય તેવાં છ વેદાંગોમાં સૌથી પહેલું સ્થાન ઉચ્ચારશાસ્ત્ર (શિક્ષા)ને અપાયું છે. યજ્ઞની વેદી (કલ્પ)ને પણ બીજા સ્થાને મૂકવામાં આવે છે.


ધર્મવિધિઓ અને પૂજાપાઠમાં સૌથી વધારે ચુસ્ત ગણાતા દક્ષિણ ભારત હિન્દુધર્મની અને હિન્દુસમાજની સુધારણામાં સૌથી આગળ છે અને જ્ઞાતિવ્યવસ્થાની જડ તોડવામાં તમિળનાડુ અગ્રેસર છે.
[email protected]

X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી