વસતી ગણતરીની બીબાંઢાળ પદ્ધતિ કેટલી યોગ્ય છે?

article by nagindas sanghvi

નગીનદાસ સંઘવી

Sep 09, 2018, 12:05 AM IST

સો વરસે ચક્ર પૂરું થાય પણ સો વરસમાં દાયકો બાકી છે ત્યારે ભારતની વસતી ગણતરીની પ્રણાલી ફરી પાછી જૂની પદ્ધતિએ થવાની છે. વસતી ગણતરીનું કામ આપણા દેશમાં અંગ્રેજી રાજવટ સ્થિર થયા પછી શરૂ થયું અને દરેક દાયકાના પહેલા વરસે આખા દેશમાં વસતા તમામ લોકો અંગેની વિગતવાર માહિતી એકઠી કરી લેવામાં આવે છે.

નામ, ઉંમર, કુટુંબીજનોની સંખ્યા અભ્યાસ, નોકરી-ધંધાની વિગતો ઉપરાંત ઘર પાકું છે કે કાચું બાંધેલું છે? ઘરમાં ઓરડા કેટલા છે, સુખસગવડનાં સાધનો કેટલાં છે તેની વિગતો પણ નોંધવામાં આવે છે. ધર્મ, સંપ્રદાય ઉપરાંત જ્ઞાતિ અને જાતિની નોંધ પણ કરવામાં આવતી હતી. આ બધી વિગતોના સંખ્યાવાર અને ટકાવારી પ્રમાણે હેવાલો પ્રસિદ્ધ કરવામાં આવે છે અને આ હેવાલો તૈયાર કરવામાં પાંચ-છ વરસ લાગી જાય છે. આ હેવાલો પ્રસિદ્ધ થાય ન થાય ત્યાં બીજી વસતી ગણતરીની સાલ પણ આવી જાય છે.

અનામત પ્રણાલી આવકાર્ય નથી પણ અતિશય આવશ્યક હોવાથી તેના વપરાશ વગર આપણો છુટકારો પણ નથી

ભારત અને ભારતીય સમાજના સાંગોપાંગ અને પ્રમાણભૂત અભ્યાસ માટે બધા વિદ્વાનો અને સરકારી ખાતાઓ પણ વસતી ગણતરીના આધારે ચાલે છે. અંગ્રેજી રાજવટ દરમિયાન આ જાતના હેવાલો 1931 સુધીના છપાયા છે પણ 1941માં બીજા વિશ્વયુદ્ધના કારણે વસતી ગણતરી થઇ નથી. 1951ની વસતી ગણતરી આઝાદ ભારત સરકારની નિગેહબાની તળે કરવામાં આવી અને તેમાં અતિશય મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો. જ્ઞાતિવાદને પોષણ આપતી માહિતી એકઠી કરવાની મનાઇ ફરમાવવામાં આવી. આદર્શવાદ સમાજને કેટલો આંધળો બનાવી મૂકે છે તેનો આ સર્વોત્તમ નમૂનો છે. જ્ઞાતિની હયાતી હોવા છતાં તેને લગતી માહિતી ન મળે તો જ્ઞાતિવાદ નાબૂદ થઇ જશે તેવી ભ્રમણા ભારતના આગેવાનો સેવતા હતા. વાસ્તવિકતાથી બે ખબર રહેવાના કારણે વાસ્તવિકતા નાબૂદ થતી નથી. શરીરમાં થયેલા રોગની ઉપેક્ષા કરવાથી રોગ મટી જતો નથી અને ઘરકંકાસની વાત છુપાવી રાખવાથી કંકાસનું નિવારણ થતું નથી. હિંદુ કુટુંબોમાં છૂટાછેડાની મનાઇ હતી, તેથી આ કુટુંબોમાં દંપતી વચ્ચે વિખવાદ જ નથી તેવી છાપ સ્વીકારીએ તો આપણે મૂરખ ઠરીએ.


પણ વસતી ગણતરીમાં આ નવો નિયમ દાખલ થયો અને એંસી વરસ સુધી ચાલતો રહ્યો છે પણ દલિતો-આદિવાસીઓને માટે દાખલ થયેલી અનામત પ્રથા માટે જ્ઞાતિવાર માહિતી જરૂરી હતી. તેથી દલિતોની જ્ઞાતિઓ અને આદિવાસીઓની જાતિઓના આંકડાઓ એકઠા કરવાનું ચાલુ રહ્યું.
પછાત જ્ઞાતિઓને અનામતના લાભ આપવાનું ચાલુ થયું ત્યારથી મુશ્કેલી ઊભી થઇ કારણ કે કઇ જ્ઞાતિ પછાત છે અને તેની સંખ્યા અને હાલત અંગે સરકાર અને આગેવાનો બંનેએ અંધારામાં ફાંફાં મારવાનો વખત આવ્યો. અનામતના લાભ મેળવવા માટે દરેક જ્ઞાતિ વચ્ચે પછાત ગણવાની હરીફાઇ શરૂ થઇ છે. એક જમાનામાં પછાતપણું શરમજનક ગણાતું હતું અને દરેક જ્ઞાતિ પોતાને પ્રગતિશીલ ગણવામાં ગૌરવ ધરાવતી હતી. પણ નક્કર ભૌતિક લાભ મળતા થયા ત્યારથી પછાતપણું ગૌરવપ્રદ ગણાય છે. મરાઠાઓ, પાટીદારો, જાટ, ગુર્જરો બધા પોતાને ગરીબ અને પછાત ગણવાની કોશિશ કરે છે.


અનામતપ્રથા હિંદુ સમાજમાં જ્ઞાતિવાદ અને જ્ઞાતિ સંઘર્ષ ફેલાવનાર ઝેર છે તે ખરું છે પણ જ્ઞાતિપ્રથાના પરિણામે આપણા સમાજને પછાતપણા અને દલિત સમાજ જેવાં દૂષણોનો રોગ લાગુ પડ્યો છે. અતિશય ગંભીર રોગની સારવાર માટે દાક્તરો ઝેરી દવા પણ આપતા હોય છે. આગળ ચાલીને કહીએ તો લગભગ દરેક દવા એક યા બીજી જાતનું ઝેર છે પણ રોગ નિવારણ માટે વાપરવું પડે છે તેમ આપણે અનામત પ્રણાલી વાપરવી પડે છે. અનામત પ્રણાલી આવકાર્ય નથી પણ અતિશય આવશ્યક હોવાથી તેના વપરાશ વગર આપણો છુટકારો નથી. પછાત જ્ઞાતિઓને લગતા સત્તાવાર આંકડાઓ અને તેમની વાસ્તવિક હાલત જાણવા માટે ભારત સરકારે 2021ની વસતી ગણતરીથી જ્ઞાતિવાર આંકડાઓ અને માહિતી એકઠી કરવાનું ઠરાવ્યું છે.


આખા દેશના તમામ નાગરિકોની ગણતરી માટે દેશનાં તમામ શહેરો અને ગામડાઓના ઘરને નંબરો આપવામાં આવે છે અને પછી ઘર પ્રમાણે નાગરિકો અંગેની માહિતી એકઠી કરવામાં આવે છે. પણ જેને ઘર જ નથી તેવા લોકો, સાધુઓ, વિચરતી જાતિના લોકો, મજૂરી માટે સ્થળાંતર કરનાર લોકો અંગેની માહિતી એકઠી કરવાના પ્રયાસ પૂરેપૂરા સફળ થતા નથી. તેથી ભારતની વસતી ગણતરી ભારતીય સમાજનું સો ટકા ચિત્ર રજૂ કરી શકતી નથી પણ કામ થાય છે તે અતિશય મહત્ત્વનું બની જાય છે. દેશમાં ખૂણેખૂણામાં દરેક ઘરમાં જઇને માહિતી એકઠી કરવાનું કામ કેટલું ભગીરથ છે તેની કલ્પના પણ કરવી અઘરી છે. આ કામમાં હજારો અને લાખો લોકોને જોડવા માટે તેમને પગારભથ્થા પણ અપાય છે અને વસતી ગણતરીનાં સ્વતંત્ર કાર્યાલયો દરેક રાજ્યમાં સતત કાર્યરત રહે છે.

[email protected]

X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી