તડ ને ફડ / યોજનાઓની વહેવારુ શક્યતાઓ જોવી જોઈએ ...

article by nagindas sanghvai

નગીનદાસ સંઘવી

Apr 03, 2019, 03:51 PM IST

સત્તાભૂખ્યા રાજકારણીઓ ચૂંટણી ઝુંબેશમાં સતત બોલતા રહે છે અને આટલું બધું બોલવામાં કોઈ વખત તેમના મોઢામાંથી એવા ખ્યાલો અને વિચારો પ્રગટ થાય છે કે જેનું મહત્ત્વ તેઓ પોતે કદાચ સમજતા ન હોય, કારણ કે પોતે શું બોલ્યા છે તેનો ખ્યાલ પણ તેમને કેટલીક વખત રહેતો નથી.
કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ આવો એક અદ્્ભુત વિચાર આપ્યો અને પછી તેની અદ્્ભુતતા તેમણે પોતે જ નાબૂદ કરી નાખી. ભારતમાં ગરીબીરેખા નીચે જીવી રહેલા 30 કરોડ કુટુંબોને દર વર્ષે 72000 રૂ. આપવાની યોજનાને તેમણે ન્યૂનતમ આય યોજના અથવા અંગ્રેજી પ્રથમાક્ષરો પ્રમાણે ન્યાય એવું નામ આપ્યું છે. દરેક નાગરિકને વાજબી આવક મળે તેવો આ વિચાર અમેરિકાના કમ્પ્યૂટર જગત, સિલિકોન વેલીના કેટલાક વિચારકોએ રજૂ કર્યો છે અને કદાચ આવી રહેલા રોબોટયુગમાં તે ઉપયોગી થઈ પડે તેવો છે. રોબોટયુગમાં આર્થિક વિકાશ થશે, પણ માણસોને કામ-ધંધો કે નોકરી નહીં મળે. ખેતીકામમાં વાવણીથી માંડીને લણણી સુધીનાં કામ રોબોટ કરી આપે તો જીવતા જાગતા લોકો બેકાર. આ જમાનાના અર્થતંત્રમાં રાજ્ય સરકારે કુલ આવકમાંથી દરેક નાગરિકને જીવન જરૂરિયાતો મળે તેટલી મૂળભૂત આવકની જોગવાઈ કરવી પડશે. અત્યારે જે કામ આડકતરી રીતે થઈ રહ્યું છે તે સીધેસીધું કરવું પડશે.

  • આ યોજનાનો પાયો નબળો છે. દરેક નાગરિક પોતાની જરૂરિયાત સમજી શકે છે અને પોતાના હાથમાં આવેલાં નાણાં યોગ્ય રીતે વાપરશે તેવું માની લેવું ખોટું છે

ભારત સરકાર લોકોની આરોગ્ય સેવા માટે દવાખાનાઓ ચલાવે છે, શિક્ષણ માટે શાળાઓ-કોલેજો ખોલે છે. અનાજ માટે ટેકાના ભાવ જાહેર કરીને તેને સોંઘા ભાવે વેચવામાં નાણાં ખર્ચે છે. દરેેક રાજ્યની સરકારો પણ આ બધાં કામમાં નાણાં વાપરે છે. આ વ્યવસ્થા સબસીડીના નામે ઓળખાય છે.આ બધી કલ્યાણ સેવાઓ સરખી રીતે ચાલતી નથી. સરકારી દવાખાના કે શાળાઓ કે સરકારે બાંધી આપેલાં મકાનો અંગે કશી ચર્ચા કરવી જરૂરી નથી. આ સેવાઓની ગુણવત્તા એટલી નબળી છે કે જે નાગરિકને પોસાય તે બિનસરકારી દાક્તરો, શાળાઓ અને આવાસોનો વપરાશ કરે છે. નવા અર્થતંત્રનાે પાયો એવા વિચાર પર બંધાયો છે કે, આવી નાકામયાબ સરકારી સેવાઓ બંધ કરવી અને તેની પાછળ ખર્ચવામાં અાવતાં કુલ નાણાં ગરીબ કુટુંબોને સરખા હિસ્સે રોકડા આપવાં. દરેક નાગરિક અને દરેક કુટુંબ આ નાણાં પોતાની જરૂર પ્રમાણે વાપરશે. જે કુટુંબમાં બીમારી ન હોય તે આ નાણાં બાળકોનાં શિક્ષણ કે ઘરની ખરીદી માટે વાપરે. સરકારી સેવાની જરૂર હોય કે ન હોય, પણ તેનો બોજો બધાએ ઉપાડવો પડે છે અને બીજા જરૂરી કામ માટે નાણાં હાથમાં રહેતાં નથી, કારણ કે સબસિડી માટેનું ભંડોળ સરકાર કરવેરા મારફતે એકઠું કરે છે. કરવેરા કેવળ શ્રીમંતો જ ચૂકવે છે અને ગરીબ લોકો કશો કરવેરો આપતા નથી, તેવો સામાન્ય નાગરિકનો ખ્યાલ ખોટો છે. બધા અર્થશાસ્ત્રીઓ જાણે છે કે નાગરિક શ્રીમંત હોય કે ગરીબ, પણ આડકતરા વેરા તો બધાએ ચૂકવવા જ પડે છે. આજના કલ્યાણ રાજ્યમાં સરકાર પોતાની સમજણ, માન્યતા કે સગવડ પ્રમાણે લોકોને આરોગ્ય-શિક્ષણ ઇત્યાદિ સેવા પૂરી પાડે છે. તેના બદલે દરેક નાગરિક પોતાની જરૂર અને પોતાની સમજ સગવડ પ્રમાણે દાક્તરો શિક્ષકોની સેવા લેતો થશે. સીધીસાદી રીતે કહીએ તો સરકાર સેવા આપવામાં નાણાં ખર્ચે છે તે નાણાં નાગરિકના હાથમાં સોંપી દેવાં અને દરેક નાગરિક પોતાની જરૂર મુજબ વાપરે. સરકારે સેવા બંધ કરીને રોકડાં નાણાં નાગરિકોને વહેંચી આપવાં કે જેથી દરેક કુટુંબની મૂળભૂત જરૂરિયાત પૂરી થાય. આ ઉપરાંત દરેક નાગરિક અને દરેક કુટુંબ પોતાની આવડત અને શક્તિ અનુસાર કામ સેવા બજાવીને જે આવક ઊભી કરે તે કુટુંબની વધારાની કમાણી થાય અને આવડત અનુસાર આવકની વહેંચણી વધારે ન્યાયી બને.

  • રાહુલ ગાંધીએ ભારતમાં ગરીબી રેખાથી નીચે જીવી રહેલા કુટુંબોને દર વર્ષે 72000 રૂ. આપવાની યોજનાને ન્યુનતમ આય યોજના (ન્યાય) નામ આપ્યું છે.

આવા અર્થતંત્રની કલ્પના અતિશય આકર્ષક છે. તેનો અમલ કેવી રીતે કરવો, સરકારી નાણાંની વહેંચણીનાં ધારાધોરણ કેવાં હોવાં જોઈએ તે બધું અર્થશાસ્ત્રીઓ અને વહીવટી નિષ્ણાતો ઠરાવી આપે. વહેવારિક અનુભવ થતો જાય તેમ આ વ્યવસ્થામાં ફેરફાર કરી શકાય. અત્યારે શેખચલ્લી જેવી આ અર્થવ્યવસ્થાની વહેવારુ શક્યતા હજી સુધી તપાસવામાં આવી નથી, કારણ કે દુનિયામાં કોઈ જગ્યાએ આવું અર્થતંત્ર નથી, પણ અમેરિકા જેવા દેશોમાં આરોગ્ય અને શિક્ષણ જેવી કલ્યાણ સેવાઓ આપણા કરતાં ઘણી ઓછી છે. આપણા દેશમાં દવાઓ સરકારે ઠરાવેલા વાજબી ભાવે વેચાય છે. અમેરિકામાં આ દવાઓ માટે નાગરિકોએ ઘણાં વધારે નાણાં ચૂકવવાં પડે છે. આ યોજનાનો પાયો નબળો છે. દરેક નાગરિક પોતાની જરૂરિયાત સમજી શકે છે અને પોતાના હાથમાં આવેલાં નાણાં યોગ્ય રીતે વાપરશે તેવું માની લેવું ખોટું છે. રાહુલ ગાંધી સત્તાના સિંહાસને બિરાજે અને પોતાનું વચન પાળીને ગરીબીરેખા તળે જીવતાં પાંચ-છ કરોડ કુટુંબોને રોકડાં નાણાં પહોંચાડે, તો આ નાણાં કૌટુંબિક જરૂરિયાત માટે વપરાશે કે આવાં કુટુંબોનો મોભી દારૂ ઢીંચીને પડ્યો રહેશે તે કહેવું
મુશ્કેલ છે.
સામાન્ય માણસમાં કેટલી સમજદારી છે તે બાબતમાં મતભેદ હોઈ શકે છે. પારકા ઘરનાં ઠામવાસણો માંજીને ગુજારો કરનાર લોકો પોતાનાં બાળકોના આરોગ્યના ભોગે તેમને અંગ્રેજી મીડિયમ ધરાવતી મોંઘીદાટ શાળાઓમાં ભણાવવાનો આગ્રહ રાખે છે અને અંતે બંને બાજુની પાયમાલી વહોરી લેતા હોય છે. બાળક નબળું રહે છે અને અંગ્રેજી ગોટપીટમાં પણ નબળું પુરવાર થાય છે. લોકોમાં બુદ્ધિ નથી તેવું કહેવામાં અવિવેક અને અહંકાર છે, પણ સોંઘું સોનું લેવા દોડતા લોકો, છાપરામાંથી નાણાંનો વરસાદ વરસાવવા માટે વિધિવિધાનમાં નાણાં વેડફી નાખનાર લોકો, લોભ કે લાલચમાં ફસાઈ પડનાર લોકોની સંખ્યા ઓછી નથી અને સામાન્ય સમજણનો અભાવ કહીએ તેવા બીજા અગણિત દાખલાઓ અખબારો રોજ છાપે છે. આવા અણસમજુ, વ્યસની લોકોના હાથમાં રોકડાં નાણાં આપવાં તે વાંદરાને દારૂ પાવા જેવી ક્રિયા થાય. લોકો વધારે બીમારીથી પીડાય અને ભણતરના નામે મીંડું લખવું પડે, આવું થાય તેના કરતાં નબળા, નાકામયાબ, ભ્રષ્ટાચારી, ઘમંડી સરકારી ડોક્ટરો અને માસ્તરો સમાજ માટે વધારે ફાયદામંદ પુરવાર થાય.{
[email protected]

X
article by nagindas sanghvai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી