તડ ને ફડ / અધધધ... ખર્ચાળ ચૂંટણી

article by nagindas sanghvai

નગીનદાસ સંઘવી

Mar 28, 2019, 03:47 PM IST

ભારત જેવા અભણ, પછાત, ગરીબ દેશમાં લોકશાહી રાજવટ સ્થાપવાનું સાહસિક પગલું ભરનાર બંધારણના ઘડવૈયાઓ દેશની આર્થિક અસમાનતાનાં પરિણામોથી વાકેફ હતા. હજારો, લાખો, કરોડો મતદારોને આવરી લેતી અતિ ખર્ચાળ ચૂંટણીમાં નાણાબળિયા લોકો પોતાનું કામ કઢાવી જાય અને લોકશાહી શ્રીમંત લોકોના હાથનું રમકડું ન બને તે માટે જરૂરી ગોઠવણ કરવામાં આવી. ઉમેદવાર ગરીબ હોય કે નાણાવાળો હોય, પણ ચૂંટણીમાં ઠરાવેલી રકમથી વધારે ખર્ચ કરે તો તેની ચૂંટણી રદ થાય તેવું ઠરાવવામાં આવ્યું. લોકસભાનો ઉમેદવાર માત્ર 25000/- ખર્ચી શકે તેવી ગોઠવણથી શ્રીમંત ઉમેદવાર નાણાબળનો ઉપયોગ કરી નહીં શકે અને લોકપ્રિય ઉમેદવારો ગરીબ હોવા છતાં લોકસભામાં પહોંચી શકે તેવી ગોઠવણ કરવામાં આવી. આનાથી લાભ પણ થયો. મધ્યપ્રદેશના હોમી દાજી અને અમદાવાદના મુફલિસ ઇન્દુચાચા મિલમાલિકો સામે ટક્કર ઝીલીને ચૂંટણી જીત્યા.

  • ચૂંટણી ખર્ચની મર્યાદા ભારતની લોકશાહીનું એક તદ્દન વાહિયાત તૂત છે, કારણ કે તેનું પાલન કોઈ પક્ષ કે ઉમેદવાર કરતો નથી. હિસાબો લખવામાં અને તેની તપાસણી કરવામાં અધિકારીઓનો સમય અને શક્તિ બગડે છે

પણ આ ગોઠવણથી દરેક ઉમેદવારે જુઠ્ઠાણાં અને લુચ્ચાઈનો આશરો લેવો પડતો. લાખો મતદારો સુધી પહોંચવા માટે પચીસ હજાર રૂપિયા ઓછા પડતા તેથી દરેક ઉમેદવાર આડીઅવળી રીતે વધારે રકમ વાપરતો અને ચૂંટણીપંચને ખોટા હિસાબો મોકલતો. ભારતના દરેક સાંસદે કામગીરીની શરૂઆત જુઠ્ઠાણાંથી કરવી પડતી. મતદારોની સંખ્યા વધી અને મોંઘવારી વધતી ગઈ તેમ સમયાંતરે આ રકમ વધારવામાં આવી. 2014ની ચૂંટણીથી લોકસભાનો દરેક ઉમેદવાર 70 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે. આ રકમ બહુ મોટી દેખાય છે, પણ બહુ નાની છે. પંદર-સોળ લાખ મતદારો સુધી પહોંચવા માટે જરૂરી વાહનો, કાર્યકરો, સભા-સરઘસોમાં અઢળક નાણાં વપરાય છે. મહારાષ્ટ્રના સાંસદ સદ્્ગત ગોપીનાથ મુંડેએ તો જાહેરસભામાં કબૂલ કરેલું કે, ‘મેં આ ચૂંટણીમાં આઠ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.’ પંદર લાખ મતદારોને સાદો કાગળ લખવામાં અને પાંચ રૂપિયાની ટિકિટ લગાડવામાં 75 લાખ ખર્ચાઈ જાય, તેથી આ ખર્ચમાં ઘણી છટકબારીઓ રાખવામાં આવી છે. છતાં ચૂંટણી ખર્ચ માટે ખર્ચવાની આ રકમ વાહિયાત ગણી શકાય તેટલી ઓછી છે અને દરેક ઉમેદવાર કાળાંધોળાં કરીને ઘણાં વધારે નાણાં ખર્ચે છે. ભારતની માન્યવર સંશોધન સંસ્થાના હેવાલ મુજબ 2014ની ચૂંટણીમાં બધા ઉમેદવારોએ કુલ મળીને 35000 કરોડ રૂપિયા ખર્ચ કર્યો અને 2019ની ચૂંટણીમાં આ ખર્ચ વધીને પચાસથી સાઠ હજાર કરોડ થશે તેવો અંદાજ મુકાયો છે. દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારને ચૂંટણી માટે સહાયભંડોળ આપે છે. 2014ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે પોતાના ઉમેદવારોને કુલ મળીને 487 લાખ આપેલા, કોંગ્રેસ પક્ષે 270 લાખ આપ્યા તેવું ચૂંટણીપંચને અપાયેલા હિસાબમાં કહેવાયું છે. બીજી રીતે કહીએ તો 2014ની ચૂંટણીમાં ઉમેદવારો અને પક્ષોએ કુલ મળીને 35000 કરોડ વાપર્યા છે. તેમાંથી ચૂંટણીપંચ પાસે તો માત્ર 8000 કરોડનો હિસાબ આવ્યો છે એટલે કે 2014ની ચૂંટણીમાં 27000 કરોડ રૂપિયા ચોરીછૂપીથી કાળાં નાણાં તરીકે વપરાયાં છે. આ રકમ કોણે કોને આપી અને કેવી રીતે શા માટે વાપરવામાં આવી તેનો કશો અત્તોપત્તો આપણી પાસે નથી. નાણાબળિયા લોકો ચૂંટણીમાં પોતાની સંપત્તિનો દુરુપયોગ કરી શકશે નહીં તેવી બંધારણ સભાની અપેક્ષા ખોટી ઠરી છે અને ચૂંટણીમાં ગરીબ કે મધ્યમવર્ગના આગેવાનોનું ગજું નથી.

અમેરિકાની સેનેટને ‘કરોડપતિઓની ક્લબ’ કહેવામાં આવે છે તેમ આપણી પાર્લામેન્ટ પણ અબજોપતિઓનો અડ્ડો બની ગઈ છે અને સરકાર શ્રીમંતોની જેટલી દેખભાળ રાખે છે તેટલું ગરીબવર્ગનું જોવામાં અાવતું નથી. મોદી સરકારને અમીરોની સરકાર તરીકે ભાંડવામાં આવે છે તેવા અપપ્રચારથી દોરવાઈ જવાનું કારણ નથી. લોકસભામાં ઘણાં વર્ષોથી શ્રીમંતોનો જ અવાજ ગાજે છે અને સરકાર કોઈ પણ પક્ષની હોય બધા આ બાબતમાં એકના એક છે. ચૂંટણીની ખર્ચમર્યાદાથી કશો અર્થ સરતો નથી અને ઉમેદવારો અને રાજકીય પક્ષોએ ખોટા હિસાબો પેશ કરવા પડે છે. ચૂંટણી વખતે હિસાબો લખવાની ઝંઝટમાં પડવું પડે છે અને મતદારોનો સમય કારકુનિયા કામમાં ખવાઈ જાય છે. ચૂંટણી ખર્ચની મર્યાદા ભારતની લોકશાહીનું એક તદ્દન વાહિયાત તૂત છે, કારણ કે તેનું પાલન કોઈ પક્ષ કે ઉમેદવાર કરતો નથી. હિસાબો લખવામાં અને તેની તપાસણી કરવામાં અધિકારીઓનો સમય અને શક્તિ બગડે છે. દુનિયાની કોઈ લોકશાહીમાં ચૂંટણી ખર્ચ પર આવી કોઈ મર્યાદા નથી અને આ બધા દેશની ચૂંટણી પણ આપણા જેવી જ ખર્ચાળ અને ગરબડિયા હોય છે. ચૂંટણી ખર્ચની આ મર્યાદાનું પાલન કરાવવા માટે 1990 પછી ચૂંટણીપંચે અઢળક નાણાં ખર્ચવાં પડે છે. ભારત જેવા અનર્ગળ વસ્તી ધરાવતા રાજ્યમાં ઉમેદવારોએ લોકો સુધી પહોંચવા અને પોતાના પ્રચાર માટે સભાઓ-સરઘસો યોજવાં પડે છે. સંખ્યાબંધ કાર્યકરોના પગાર અને ખાવાપીવાનો ખર્ચ ચૂકવવો પડે છે. વાહનો વાપરવાં પડે છે, છાપાંઓમાં અને ટીવીમાં જાહેરખબરો આપવી પડે છે.

  • 2014ની ચૂંટણીમાં ઉમેદવારો અને પક્ષોએ કુલ મળીને 35000 કરોડ વાપર્યા હતા

આટલાં બધાં નાણાં ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે તે સવાલનો જવાબ આપણી પાસે છે અને નથી. જવાબ બધા જાણે છે, પણ તેના કશા સગડ કે પુરાવા હોતા નથી. આ નાણાં મોટાભાગે ગુનાખોર ટોળકીઓ, માફિયાઓ આપે છે અને તેથી રાજકારણી આગેવાનો કાં તો જાતે જ મવાલીઓ હોય છે અથવા મવાલીઓના રક્ષણહાર હોય છે. ધાર્મિક સંસ્થાઓ પાસે બિનહિસાબી કાળાં નાણાંના ઢગલા હોય છે. હવાલા દ્વારા પણ આવાં નાણાં ચૂંટણી બજારમાં ઠલવાય છે. નાણાબળને રાજકારણમાં માથાભારે થઈ જતાં રોકવું જરૂરી છે, પણ તેને રોકી શકાય તેવો કોઈ રસ્તો કે ઉપાય આપણી પાસે નથી.
આ બધી વાત તો ઉમેદવારો અને રાજકીય પક્ષોની થઈ છે, પણ ચૂંટણીના આયોજનમાં સરકારે અને ચૂંટણીપંચે પણ ગંજાવર ખર્ચ કરવો પડે છે. મતદાનમથકો બાંધવાં અથવા ભાડે લેવાં, કર્મચારીઓનો મુસાફરી ખર્ચ તથા અન્ય ભથ્થાંઓ ચૂકવવાં, તેમનાં રહેણાક અને ખાવાપીવાની વ્યવસ્થા, ચૂંટણી માટે જરૂરી માલસામાન, મતપેટીઓ, મતદાન યંત્રો, કાગળો, મતદારોની યાદીઓ, આંગળીએ ટપકું કરવા માટે શાહીની બોટલો તથા ચૂંટણી માટે જરૂરી ટેબલ-ખુરશી જેવાં ફર્નિચરોની હેરવણી ફેરવણીનો ખર્ચ થાય છે. 1951-52માં પહેલી ચૂંટણીનો વ્યવસ્થા ખર્ચ દસ કરોડ રૂપિયા થયો હતો એટલે દરેક મત દીઠ એક રૂપિયાનો ખર્ચ થયો. ત્યાર પછીની ચૂંટણીઓમાં આ ખર્ચ વધતો ચાલ્યો અને પહેલી ત્રણ ચૂંટણીઓમાં દરેક વખતે દસ કરોડ ખર્ચાયા. 1967થી 1990 વચ્ચે જેટલી ચૂંટણીઓ થઈ તેમાં દરેક વખતે 100 કરોડ ખર્ચાયા. 1990માં શેષન જેવો માથાફરેલ માણસ ચૂંટણી કમિશનર બન્યો અને દરેક ઉમેદવાર નક્કી કરેલી રકમ જ ખર્ચે છે તેવી ચકાસણી માટે દરેક ઉમેદવાર દીઠ ત્રણ-ચાર નિરીક્ષકોને ઉમેદવારોએ કરેલા ખર્ચની રોજનીશી લખાવવાનો આદેશ અપાયો અને આ નિરીક્ષકો ઉમેદવારોના બાપ થઈને મોંઘીદાટ હોટલોમાં રહેવા-ખાવા લાગ્યા. ચૂંટણીપંચનો ખર્ચ 100 કરોડથી વધીને 350 કરોડ થયો અને નિરિક્ષકોનાં ભથ્યાં વધતાં ગયાં અને મોંઘવારી વધતી ચાલી તેમ ચૂંટણીપંચનો વહીવટી અને વ્યવસ્થાપક ખર્ચ વધતો ચાલ્યો. 2004ની ચૂંટણી વખતે ચૂંટણીપંચે 1000 કરોડ ખર્ચવા પડ્યા. 2014ની ચૂંટણીમાં સરકારી ચૂંટણીપંચે 3870 કરોડ ખર્ચ કર્યો અને 2019ની ચૂંટણીમાં આ ખર્ચ વધીને બમણો થશે તેવો અંદાજ મૂકવામાં આવે છે. બીજી રીતે કહીએ તો 1951-52માં મતદારના માથાદીઠ એક રૂપિયાનો ખર્ચ હતો તે 2014ની ચૂંટણીમાં દરેક મત દીઠ ચૂંટણીપંચે 45 રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો. ચૂંટણી કમિશનર અને તેમના કાર્યાલયનો બધો ખર્ચ તથા દરેક ચૂંટણી વખતે થતો ખર્ચ ભારત સરકાર ભોગવે છે અને બજેટમાં આ રકમ કશી ચર્ચા વગર મંજૂર કરી દેવામાં આવે છે.

સંસદીય લોકશાહીના કારણે ભારતમાં લોકસભાની અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ ઉપરાંત સાંસદો-ધારાસભ્યોનાં અવસાન અથવા રાજીનામાંથી ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ ચાલતી રહે છે. દર બે વર્ષે રાજ્યસભાના 1/3 સભાસદો નિવૃત્ત થાય છે, તેમની અને રાજ્યોમાં વિધાન પરિષદોની ચૂંટણીઓ કરવામાં આવે છે. ભારતના સંઘ પ્રમુખની ચૂંટણીની વ્યવસ્થા પણ ચૂંટણીપંચ સંભાળે છે અને આ બધા કામકાજના અવિરત, પૂરા પાકા આંકડાઓ સહિતના અહેવાલો ચૂંટણીપંચ તૈયાર કરાવીને પ્રસિદ્ધ કરે છે. પણ ચૂંટણીપંચ કાં તો વધારે વ્યસ્ત બન્યું છે અથવા વધારે આળસુ બની ગયું છે. શરૂઆતની ચૂંટણીઓના અનુભવોના અહેવાલ છાપવામાં અાવતા તે હવે છપાતા નથી, તેથી ચૂંટણીની ખાટી-મીઠી વાતો પહેલાંના અહેવાલોમાં વાંચવા મળતી તેવી હવે મળતી નથી.
[email protected]

X
article by nagindas sanghvai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી