પરિક્રમા / પ્રાચીન ભારતીય સમાજે અદ્્ભુત સિદ્ધિઓ આપી છે?

article by nagindas sanghvai

નગીનદાસ સંઘવી

Mar 24, 2019, 02:14 PM IST

એક જમાનાની મુલ્કમશહૂર અને યુનિવર્સિટીઓમાં અગ્રગણ્ય મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી(વડોદરા)એ પર્યાવરણ વિશે યોજેલા સેમિનારમાં અન્ય યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકોએ રજૂ કરેલાં પેપરો અને દર્શાવેલા વિચારો આપણી બૌદ્ધિક દરિદ્રતાનું દર્શન કરાવે છે. પર્યાવરણની બધી સમસ્યાઓનો ઉકેલ અથર્વેદમાં અપાયો છે. આજના જગતની ઉપાધિઓ અને મુશ્કેલીઓ પશ્ચિમની સંસ્કૃતિના કારણે છે અને આધુનિક જીવનશૈલી માનવજીવન માટે ઘાતક છે તેવા મતલબની વાતો આ પેપરોમાં રજૂ થઈ છે.
પશ્ચિમી સંસ્કૃતિ આ બધા રોગનું મૂળ હોય તો પશ્ચિમના દેશોમાં રહેવાસીઓ આપણા કરતાં વધારે સશક્ત, વધારે સમૃદ્ધ અને વધારે ચેતનવંતા કેવી રીતે હોઈ શકે? પશ્ચિમના લોકોએ પોતાની સંસ્કૃતિ આપણા પર ઠોકી બેસાડી નથી, પણ આપણે સ્વેચ્છાએ સ્વીકારી છે. યુરોપ અને અમેરિકાને વગોવનાર લોકો તક મળે તો પરદેશ જવા અને પરદેશમાં જવા સ્થાયી થવા માટે તલપાપડ શા માટે થાય છે?

  • પાણિનિનો ગ્રંથ જોયા પછી યુરોપીય વિદ્વાનોને ઉચ્ચારશાસ્ત્રનું મહત્ત્વ સમજાયું અને ભાષાઓના અભ્યાસ લિંગ્વિસ્ટિક શાસ્ત્ર ઘડાયું

વેદમાં બધું જ જ્ઞાન છે અને આધુનિક વિજ્ઞાન અને વૈજ્ઞાનિક શોધખોળ અને સાધનો આપણે ત્યાં પ્રાચીન કાળમાં વપરાતાં હતાં. વિમાન હોય કે અણુશસ્ત્રો હોય, તીરકામઠાંથી લડનારા અને પગપાળા મુસાફરી કરનારા ભારતના પૂર્વજો હતા. આવી વાહિયાત વાતો આપણી યુનિવર્સિટીઓના માન્ય પ્રાધ્યાપકો કરે ત્યારે આપણે આપણી જાતની દયા ખાવી પડે. આપણી યુનિવર્સિટીઓ જ્ઞાનના કબ્રસ્તાન જેવી બની ગઈ છે અને આવા પ્રાધ્યાપકો માટે બુદ્ધિના બળદનું વિશેષણ જ યોગ્ય થઈ પડે. તેમની આ મૂર્ખતા પણ તેમની પોતાની નથી. આ મૂર્ખાઈ પણ ઉછીની લેવામાં આવી છે.
19મી સદીની અધવચ્ચે વેદગ્રંથોના પ્રકાંડ અભ્યાસી, પણ આધુનિક વિજ્ઞાનથી તદ્દન અપરિચિત સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદમાં બધું જ જ્ઞાન છે તેવા વિચારનો જોરશોરથી પ્રચાર કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ હિન્દુ સમાજની જાગૃતિ અને સંગઠન માટે અદ્્ભુત કાર્યો કરેલાં છે. સમાજસુધારણા માટે અને હિન્દુ ધર્મમાં પ્રવેશેલાં દૂષણો માટે તેમણે જબરદસ્ત ઝુંબેશ ચલાવેલી.

સયાજીરાવ યુનિવર્સિટીના સેમિનારમાં રજૂ થયેલાં પેપરો જ્ઞાનવિકૃતિ છે અને કાગના પીછે વાઘ ઊભો કરવાની પ્રક્રિયા છે. આવું ઓછા વધતા અંશે દરેક દેશમાં બનતું હોય છે, પણ આપણા દેશમાં વધારે પ્રમાણમાં બને છે. એક તો નિર્બળ માણસ અને પછાત પડી ગયેલો સમાજ પોતાના ભૂતકાળને ચગાવીને આકાશગામી બનાવી દે છે અને બીજું કે આપણે ભારતવાસીઓ આપણી પીઠ થાબડવામાં શૂરાંપૂરાં છીએ. ભારતીય સંસ્કૃતિ દુનિયાની શ્રેષ્ઠ સંસ્કૃતિ છે તેવું સર્ટિફિકેટ આપણી જાતે લખીને જાતને આપવામાં આપણને કશી શરમ કે સંકોચ નડતા નથી. પ્રાચીન ભારતીય સમાજે કેટલીક અદ્્ભુત સિદ્ધિઓ મેળવીને દુનિયાને આપી છે તેની પૂરી જાણકારી આવા બડાઈખોરોને હોતી નથી અને ખોટાં બણગાં ફૂંકીને તેઓ આ સાચી સિદ્ધિઓને ઢાંકી દેતા હોય છે. ગણિતશાસ્ત્રમાં અંકલેખન અને શૂન્યનો ઉપયોગ ભારતમાં સૌથી પહેલાં શરૂ થયો તેવું માનવામાં આવે છે. આ શોધ કેટલી ઉપયોગી છે તે જાણવું હોય તેણે રોમન આંકડાઓનો અભ્યાસ કરવો. ભારતની અંકલેખન પદ્ધતિ આરબોએ અપનાવી અને આરબો પાસેથી યુરોપને શીખવા મળી. આ બધા આંકડાઓ આજે પણ અરબી આંકડાઓ જ કહેવાય છે. આવું જ મોટું કામ વ્યાકરણશાસ્ત્રમાં થયું. પાણિનિનું વ્યાકરણ (અષ્ટાધ્યાયી) જગતનું શ્રેષ્ઠ અને એકમાત્ર વૈજ્ઞાનિક વ્યાકરણ છે. માનવીનાં ગળાં અને મોઢાંમાંથી વિવિધ પ્રકારના અવાજ કેવી રીતે નીકળે છે અને બોલવામાં કેવા સંકળાઈ જાય છે તે પાણિનિએ દર્શાવ્યું છે. પાણિનિનો ગ્રંથ જોયા પછી યુરોપીય વિદ્વાનોને ઉચ્ચારશાસ્ત્રનું મહત્ત્વ સમજાયું અને ભાષાઓના અભ્યાસ લિંગ્વિસ્ટિક શાસ્ત્ર ઘડાયું. દુનિયાનાં તમામ મકાનો પાયાથી છત સુધી નીચેથી ઉપર સુધી બંધાય છે, પણ ઔરંગાબાદમાં ઇલોરાનું શિવમંદિર છતથી પાયા સુધી ઉપરથી નીચે સુધી બંધાયું છે, કારણ કે તે મંદિર એક ખડકમાંથી કોતરી કાઢવામાં આવ્યું છે અને ઇજનેરી શાસ્ત્રનો અદ્્ભુત નમૂનો ગણાય છે.

ધાતુઓની-ખાસ કરીને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરવાનું ભારતમાં સૌથી પહેલાં શરૂ થયાનું કહેવાય છે. બીમારી બેવકૂફી (પ્રજ્ઞાદોષ) છે તેવું ચરકનું વાક્ય બધી બીમારી માટે સાચું નથી, પણ ઘણી બીમારી આપણે ખાવાપીવાની, ઊંઘ, આરામ, શ્રમની સમતુલા જાળવતા નથી તેથી થાય છે તેવું આધુનિક તબીબી શાસ્ત્ર સ્વીકારે છે અને દર્દીને લાઇફસ્ટાઇલ બદલવાનો જે ઉપદેશ ચરકે આપ્યો છે તેવી સલાહ આપે છે.

પણ આપણે પ્રાચીન મીસ્ર જેવા પ્રચંડ બાંધકામ અથવા પૂતળાં બનાવ્યાં નથી. ચીને કાગળની શોધ કરી પછી સદીઓ સુધી આપણે અંધારામાં રહ્યા. આપણે સૌથી પહેલી સાકર બનાવી અને રોમમાં મોકલી. યુરોપની બધી ભાષાઓમાં શુગર ‘સર્કરા’નું અપભ્રંશ છે. ગ્રીસ-રોમમાં ગળપણ માટે મધ વપરાતું સેલ્યુક્સ લખે છે. ‘ભારતવાસીઓ પાસે રાતા પથ્થરના ગાંગડા હોય છે, તેને દાંતની વચ્ચે દબાવો તો તેમાંથી મધ નીકળે છે.’
ભારતીય સંસ્કૃતિને સત્ય સંસ્કૃતિ કહી શકાય નહીં, પણ આપણી સંસ્કૃતિમાં જે સત્ય છે તે ઉજાગર કરવું જોઈએ.
[email protected]

X
article by nagindas sanghvai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી