તડ ને ફડ / પુલવામા હુમલો અને તેના પ્રત્યાઘાત

article by nagindas sanghavi

નગીનદાસ સંઘવી

Mar 06, 2019, 12:36 PM IST

પુલવામા પાકિસ્તાનને ભારે પડી ગયું છે અને મસૂદ અઝહર ભારતનો નહીં, પણ પાકિસ્તાનનો સૌથી મોટો દુશ્મન સાબિત થયો છે. આવા મૂઠીભર માથાફરેલ લોકોના કારણે અને તેમને ખતમ કરવાની પાકિસ્તાનની અનિચ્છા કે અશક્તિના કારણે પાકિસ્તાનની લશ્કરી અને રાજદ્વારી નબળાઈ દુનિયાના ભરબજારમાં બહુ સ્પષ્ટ રીતે સાબિત થઈ છે. પાકિસ્તાનનો એક પણ સાથી સાઉદી અરબસ્તાન, ચીન કે અમેરિકા તેના પડખે ઊભા રહેવાના બદલે તેને નમી જવાની સલાહ આપી રહ્યા છે. લડાઈ થતાં થતાં રહી ગઈ છે અને છમકલાથી પત્યું. શૂળીનો ઘા સોયથી પત્યો તે માટે ઈશ્વરનો ઉપકાર માનવો જોઈએ. લડાઈ માટે ઉશ્કેરણી કરનાર થનગનભૂષણ મીડિયાના સંચાલકોને સૈનિકોનો વીસ કિલોનો પહેરવેશ પહેરાવીને લડાઈના મેદાને એક કલાક મોકલવા જોઈએ. બાંગ્લાદેશના વિજેતા ફિલ્ડ માર્શલ જનરલ માણેકશાએ મીડિયાને કહ્યું કે તમારે તો એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસીને લખવાનું-બોલવાનું હોય છે. લડવા-દોડવાનું, કપાવાનું, ઘાયલ થવાનું, જિંદગીભર અપંગ બનવાનું અને મરવાનું અમારે હોય છે, તેથી કોઈ શાણો કે અનુભવી સેનાપતિ લડવા માટે ઉતાવળો થતો નથી. નછૂટકે પરિસ્થિતિ માથા ઉપરવટ જાય ત્યારે જ લડવું પડે છે અને લડે છે.

  • પાકિસ્તાનમાંથી ત્રાસવાદી સંસ્થાઓને મળતી સહાયમાં ઘટાડો થાય તો કાશ્મીરમાં તેમની પ્રવૃત્તિઓ નબળી પડી જાય અને તેનાં પરિણામ ઘણાં દૂરગામી આવી શકે

આ છમકલાએ પાકિસ્તાનની બધી ડંફાસ હવામાં ઓગાળી નાખી છે અને પાકિસ્તાને નીચી મૂંડીએ ભારતની બધી માગણી માન્ય રાખવી પડે છે. પાકિસ્તાને તોડી પાડેલા વિમાનના પાઇલટ અભિનંદન વર્ધમાન યુદ્ધનો કેદી નથી, તેથી તેને જીનિવાની નિયમાવલી લાગુ પડતી નથી, કારણ કે ઘોષિત કે અઘોષિત યુદ્ધની હયાતી નથી.
પાકિસ્તાનની આટલી નામોશી 1971માં પણ થયેલી અને તેમાં યુદ્ધના કાયદાનો અનાદર કરવા માટે ઇન્દિરા ગાંધી અને ભારત આખી દુનિયામાં બદનામ થયેલાં. જીનિવા કોડ પ્રમાણે લડાઈ પૂરી થાય કે તરત જ કેદ પકડાયેલા બધા સૈનિકોને તાબડતોબ છોડી મૂકવા જોઈએ. ભારત સરકારે નેવું હજાર સૈનિકોને લાંબા વખત સુધી જકડી રાખ્યા હતા, પણ 1971માં પાકિસ્તાનની કમર તોડી નાખી અને 1947ની પાકિસ્તાનની સ્થાપનાનો સિદ્ધાંત તૂટી પડ્યો. 1965માં સેનાપતિ અયુબ ખાન જોડે તાશ્કંદમાં સમાધાન થયું, પણ પાકિસ્તાનની માગણી સાચી ઠરી અને હેગની અદાલતના આદેશ મુજબ કચ્છના રણનો અડધો ભાગ આપણે પાકિસ્તાનને સોંપી દેવો પડ્યો.
લડાઈમાં હાર-જીત થાય છે, પણ પુલવામા પછીના છમકલામાં પાકિસ્તાન વગર લડાઈએ હાર્યું છે અને શાંતિ જળવાઈ રહી છે, પણ આ ઘટનાની શંકા ઉઠાવનાર બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સર્જિકલ સ્ટ્રાઇકની ઘટના નકારી કાઢી છે. કશું થયું નથી અને કોઈ મર્યું નથી તેવો તેમનો બકવાસ તેમની અંગત મુર્ખાઈ અને વિરોધી પક્ષોની અણસમજનો પુરાવો છે. આજે આવું બોલનારને ભારતની આમજનતા સાંખવાની નથી.
યુદ્ધના મેદાનમાંથી રાજકારણનો આકાર ઘડાય છે. 1962ની નેહરુની નબળાઈએ કોંગ્રેસના એકચક્રી પ્રભાવને તોડી નાખ્યો (1967). 1971માં બાંગ્લાદેશ સંગ્રામે ઇન્દિરા ગાંધીને દુર્ગા બનાવ્યાં. કારગીલે વાજપેયીને વિજય અપાવ્યો તેમ પુલવામા પછી ભારતે કરેલી સ્ટ્રાઈકનો લાભ લેવાનો પૂરો હક નરેન્દ્ર મોદી અને ભાજપ ધરાવે છે. ચૂંટણી વગર હથિયારે લડાતી લડાઈ છે અને ચૂંટણીની બધી પરિભાષા યુદ્ધની જ પરિભાષા છે.
પરાજય પાકિસ્તાનનો થયો છે, પણ કમરતોડ ફટકો ત્રાસવાદી સંસ્થાઓ અને તેમના ટેકેદારોને પડ્યો છે. થોડા જડભરત ત્રાસવાદીઓને બાદ કરીએ તો પાકિસ્તાની આમજનતા પણ આ ઘટનાનો અર્થ સમજશે તેવી આશા વધારે પડતી નથી અને વડાપ્રધાન ઇમરાન ખાનની શાંતિ અને સમતોલ અભિગમને દાદ દેવી જરૂરી છે. પરાજિત શત્રુની હાંસી ઉડાવવી સહેલી છે, પણ તેના જેવું મુર્ખાઈભર્યું કામ બીજું નથી. પાકિસ્તાન આપણું પાડોશી છે અને પોતાની ભૂલ સમજનાર પાડોશી સીધે રસ્તે ચડતો હોય તો તેને પ્રોત્સાહન આપવું જોઈએ. ઇમરાન ખાન ત્રાસવાદી સંસ્થાઓની નાબૂદી માટે જે પગલાં ભરે તેનાં વધામણાં કરવાં જોઈએ અને વાટાઘાટોની તેમની માગણી કબૂલ રાખવાની માનસિક તૈયારી આપણે રાખવી જોઈએ. ત્રાસવાદીઓને ખતમ કરવાનું કામ ઇમરાન ખાન માટે આસાન નથી. પાકિસ્તાની રાજકારણ પર નાગચૂડ ધરાવનાર સેનાનીઓ અને આઇએસઆઇ જોડે તેમણે કામ પાડવાનું છે. પુલવામાના પાઠ પાકિસ્તાને ભણવાના છે તેમ આપણે પણ ભણવાના છે. પાકિસ્તાનમાંથી ત્રાસવાદી સંસ્થાઓને મળતી સહાયમાં ઘટાડો થાય તો કાશ્મીરમાં તેમની પ્રવૃત્તિઓ નબળી પડી જાય અને તેનાં પરિણામ ઘણાં દૂરગામી આવી શકે.
પુલવામાની ઘટનાનો બદલો લેવામાં ભારતે વધારે પડતું બળ વાપર્યું તેવી ટીકાઓ પરદેશી અખબારોમાં શરૂ થઈ છે, પણ લશ્કરી શાસ્ત્રનો નિયમ એવો છે કે બળ વાપરવું ત્યારે પૂરા જોશથી વાપરવું કે જેથી બીજી વખત બળપ્રયોગ કરવાની જરૂર પડે નહીં. આ સિદ્ધાંત નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રાજકારણમાં અપનાવ્યો છે. લાંબા ગાળે તેમની સમીક્ષા કરતી વખતે કદાચ અોવર રિએક્શન તેમના સ્થાયી ગુણ તરીકે વર્ણવવામાં આવે. નરેન્દ્ર મોદી જંપ વાળીને બેસતા નથી અને બીજાને જંપ વાળીને બેસવા દેતા નથી. આ ઘટનાનો પ્રભાવ લોકસભાની આવી રહેલી ચૂંટણીમાં દેખાશે તેમાં શંકાને સ્થાન નથી.
પુલવામાની ઘટના માટે જવાબદારી સ્વીકારી લેનાર અને જૈશે મહમદ સંસ્થાના સ્થાપક મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે તેવી કબૂલાત પાકિસ્તાનના વિદેશમંત્રીએ કરી છે. મસૂદ અંગેની પૂરી ફાઇલ ભારતે પાકિસ્તાનને સોંપી છે. મસૂદને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાની દરખાસ્ત યુનોની સલામતી સમિતિ સમક્ષ વારંવાર મૂકવામાં આવી છે. આ વખતે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને ભારતની માંગને સમર્થન આપ્યું છે. સલામતી સમિતિના કાયમી પાંચ સભ્યો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનમાંથી રશિયાનું મન આ વખતે અકળ રહ્યું છે અને આ વખતે હજુ સુધી ચીને પોતાનું વલણ જણાવ્યું નથી. આ પાંચ સભાસદોનો મત અતિશય મહત્ત્વનો હોય છે, કારણ કે તેમને નકારની સત્તા સોંપવામાં આવી છે. સમિતિના બાકીના બધા સભ્યો ઠરાવની તરફેણમાં હોય પણ કાયમી સભાસદ તેનો વિરોધ કરે તો ઠરાવ પસાર થઈ શકતો નથી.
ચીને હંમેશાં દલીલ કરી છે કે મસૂદને ગુનેગાર ઠરાવી શકાય તેવા પુરાવા આપણી પાસે નથી, પણ આ પુરાવામાં રહેલી ખામી કે અધૂરપ અંગે ચીને કદી સ્પષ્ટતા કરી નથી. ચીન જે પુરાવાની વાત કરે છે તે અદાલતી પુરાવાની વાત નથી, પણ રાજકીય પુરાવાનો ઉલ્લેખ છે અને રાજકારણમાં તો દરેક દેશ અને આગેવાનને જે અને જેટલું જોવું હોય તેટલું જ દેખાય છે. મસૂદ અઝહર અતિશય બીમાર છે તેવું તેના નજીકના સાથીઓ જણાવે છે, પણ બીમારી કે અશક્તિના કારણે તેના પ્રભાવમાં કશી ઓટ આવી નથી. વધારે મહત્ત્વનો સવાલ એ છે કેે પુલવામા જેવા વિસ્ફોટ માટે હજારો કે લાખો નહીં, પણ કરોડો રૂપિયાનું ભંડોળ જોઈએ. આ ભંડોળ ત્રાસવાદીઓને હરહંમેશાં મળતું રહ્યું છે અને છતાં આ નાણાં ક્યાંથી મળે છે અને કોણ આપે છે, શા માટે આપે છે તેની કશી જાણકારી કોઈની પાસે નથી.
પુલવામા જેવા હત્યાકાંડ પાછળ પોતાનું ભંડોળ ખર્ચવા તૈયાર થનાર પણ જાણે છે કે આવા ત્રાસવાદી હુમલાઓ કરવાથી કશું વળવાનું નથી. ત્રાસવાદી પ્રવૃત્તિથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કશા નોંધપાત્ર ફેરફાર થયાનો એક પણ દાખલો નથી અને છતાં આ ખતરનાક પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે. એટલું જ નહીં, પણ ત્રાસવાદીઓ કે ત્રાસવાદી સંસ્થાઓના આવન-જાવનમાં કશો અવરોધ કે ખલેલ પડતા નથી. કાશ્મીરનો જ દાખલો લઈએ તો એક જમાનામાં લશ્કરે તોઇબાનું નામ ગાજતું હતું. આજે તેનું નામ પણ ભાગ્યે જ સંભળાય છે. ભારતે કરેલા હવાઈ હલ્લામાં થયેલી તારાજીના ફોટાઓ-વિડિયો ઉપલબ્ધ છે, પણ આ હુમલામાં કેટલા ત્રાસવાદીઓ મર્યા તે જાણવાનું કોઈ સાધન નથી. આકાશમાંથી ફેંકાતા બોમ્બ હંમેશાં ધારેલી જગ્યાએ પડતા નથી અને તેથી બોમ્બરો હંમેશાં વિઘાત બોમ્બિંગ કરે છે. જેમાં આખો વિસ્તાર છવાઈ જાય તે રીતે બોમ્બવર્ષા કરવામાં આવે છે છતાં માનવ ખુવારી વિશે જાણવાનું મુશ્કેલ છે, કારણ કે બોમ્બ પડવાની શરૂઆત થતાંની સાથે જ માણસો ભાગી છૂટે છે. મકાન કે અન્ય પ્રકારનાં બાંધકામોને હંમેશાં વધારે નુકસાન પહોંચે છે અને મકાનની જોડે જ મકાનની અંદરના લોકો માર્યા ગયાનું માની લેવામાં આવે છે, પણ બોમ્બ પડ્યા ત્યારે તે જગ્યાએ માણસો હતા કે બીજે ભાગ્યા હતા તે જાણી શકાતું નથી.

[email protected]

X
article by nagindas sanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી