ગાંધીજી અને વિરોધાભાસ

article by nagindas sanghavi

નગીનદાસ સંઘવી

Oct 04, 2018, 12:18 PM IST

મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મશતાબ્દીની ઉજવણી શરૂ થઈ ચૂકી છે અને આખું વર્ષ ચાલવાની છે. રાજકીય અને સામાજિક આગેવાનો અને કૃતિશીલો માટે આ ઉજવણી સસ્તી લોકપ્રિયતા કમાઈ ખાવાનું સાધન છે. ગાંધીભક્તો માટે આ ઉજવણી પોતાના પૂજનીય ગુરુની સ્મરણયાત્રા છે, પણ બંનેથી અલગ થઈને તટસ્થ ભાવે ગાંધીજીના જીવન અને ઉપદેશનું વિશ્લેષણ આપણા માટે સૌથી વધારે જરૂરી છે.

આધેડ વયે અને ત્યાર પછી ગાંધીજીએ જેવી અને જેટલી સત્તા ભોગવી છે તેવી ભલભલા ચમરબંધીએ ભોગવી નથી. ગાંધીનો શબ્દ કોઈ ઉથાપે નહીં અને તેમની વિચારસરણી સમજાય કે ન
સમજાય છતાં તેનો સ્વીકાર લાખો અને કરોડો લોકો કરતા રહ્યા છે. એક દાયકો તો ગાંધીનો
શબ્દ આખા
ભારતના રાજકીય જીવનનો ભાગ્યવિધાતા હતો

પોતાના જીવનના ચોવીસમા વર્ષે રાજકારણમાં પ્રવેશ કરનાર ગાંધી સિત્તોતેર વર્ષે અવસાન પામ્યા ત્યાં સુધી સતત રાજકારણમાં ગળાડૂબ રહ્યા છે અને તેમની હત્યા પણ રાજકીય કારણસર કરવામાં આવી, પણ ગાંધીજીએ પોતાના રાજકીય અસ્તિત્વનો અતિશય સ્પષ્ટ ભાષામાં નકાર કરી કાઢ્યો છે. પોતાનાં ત્રીસ વર્ષના જીવન સંઘર્ષનો મુખ્ય હેતુ ઈશ્વરદર્શન અથવા આત્મસાક્ષાત્કાર છે તેવું તેમણે 1928માં લખેલું. એટલે ગાંધીજીવનનાં પચાસ વર્ષ તે અાધ્યાત્મ સાધનાનાં વર્ષો છે.


ગાંધીજી સ્વભાવે અપ્તરંગી હોવા છતાં તેમણે હંમેશાં બુદ્ધિને પ્રમાણ તરીકે સ્વીકારી છે અને તેમના આત્માનો અવાજ પણ હંમેશાં વકીલની કઠોર તર્કધારાની સરાણે ચડાવવામાં આવ્યો છે. ગાંધીજી આધ્યાત્મના સાધક છે અને દુન્યવી વહેવારને વળગી રહ્યા છે, તેથી ગાંધીજીએ વર્ણવેલા પોતાના આદર્શ કે જીવનહેતુને પણ અનુભવ અને તર્કના ધોરણે ચકાસવા જોઈએ.
ગાંધીજીની વાતમાં અને જીવતરમાં જે વિરોધાભાસ દેખાય છે તેનું મુખ્ય કારણ એ છે કે ગાંધી ચીલાચાલુ અર્થમાં રાજકારણી કે રાજકીય આગેવાન નથી. રાજકારણ સત્તાનો ખેલ છે. સત્તા, હોદ્દા મેળવવા અને બની શકે તેટલા લાંબા વખત સુધી સત્તા અને હોદ્દાના ભોગવટા માટે જરૂરી હોય તે બધું જ કરવું, તે રાજકીય આગેવાનોનો ધર્મ છે અને તેનું પ્રધાન લક્ષણ છે. ગાંધીજીએ જીવનમાં કોઈ દિવસ હોદ્દાની ખેવના કરી નથી. સંસ્થાઓ, પરિષદો અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોના પ્રમુખ કે સેક્રેટરીની કામગીરી તેમણે બજાવી છે, પણ આ બધા હોદ્દાઓ તેમણે વહેલામાં વહેલી તકે છોડી દીધા છે અને બની શકે ત્યાં સુધી હોદ્દા ભોગવવાનું ટાળ્યું છે.


પોતાની આધેડ વયે અને ત્યાર પછી ગાંધીજીએ જેવી અને જેટલી સત્તા ભોગવી છે તેવી ભલભલા ચમરબંધીએ ભોગવી નથી. ગાંધીનો શબ્દ કોઈ ઉથાપે નહીં અને તેમની વિચારસરણી સમજાય કે ન સમજાય છતાં તેનો સ્વીકાર લાખો અને કરોડો લોકો કરતા રહ્યા છે. એક દાયકો તો ગાંધીનો શબ્દ આખા ભારતના રાજકીય જીવનનો ભાગ્યવિધાતા હતો અને લાખો લોકોએ પોતાના જીવનમાં તેમની આજ્ઞાનું પાલન કરવાના અથાક પ્રયાસો કર્યા છે. ગાંધીજી ક્યારેક સરમુખત્યારની માફક વર્તે છે તેવા આક્ષેપનો જવાબ વાળતા સરદાર પટેલે કહેલું કે, ગાંધીથી મોટો સરમુખત્યાર તેમણે જોયો નથી, પણ તેમની જોહુકમી પ્રેમની સલ્તનત છે.


ગાંધીજી કોઈની પાસે કશું કરાવે કે માગે નહીં, પણ જે આપવા આવે તેની પાસેથી ગાંધીજી આખું જીવતર માગી લેતા અને લોકો હોંશભેર આપતા પણ ખરા.


આ બધા વિરોધાભાસને સમજવા હોય અને ગાંધીજીના રાજકારણને સમજવું હોય તો રાજ્યશાસ્ત્રના ઉગમ કાળે ગ્રીક વિચારકોએ વિકસાવેલી વિચારધારાને સમજવી પડે. રાજકારણ સ્વૈચ્છિક પ્રવૃત્તિ નથી, પણ પ્રત્યેક નાગરિકની ફરજ છે. એથેન્સમાં ત્રણ દાયકા સુધી રાજસત્તા ભોગવનાર પેરિક્લિસે પોતાના અમર ભાષણમાં કહ્યું છે તેમ જે નાગરિક રાજકારણમાં ભાગ લેતો નથી તે અધમ પ્રકારનો નાગરિક છે, કારણ કે આવો નાગરિક રાજકારણમાં લુચ્ચા અને હરામખોર માણસોના પ્રવેશનો દરવાજો ખોલી આપે છે. સમાજની સેવા માટે દરેક નાગરિકો પોતાની બુદ્ધિ, સમજ અને અનુભવ અનુસાર સમાજને દોરવણી આપવાની મથામણ કરવી તે નાગરિક ધર્મ છે.

24 મા વર્ષે રાજકારણમાં પ્રવેશ કરનાર ગાંધી સિત્તોતેર વર્ષે અવસાન પામ્યા ત્યાં સુધી સતત રાજકારણમાં ગળાડૂબ રહ્યા છે અને તેમની હત્યા પણ રાજકીય કારણસર કરવામાં આવી, પણ ગાંધીજીએ પોતાના રાજકીય અસ્તિત્વનો અતિશય સ્પષ્ટ ભાષામાં નકાર કર્યો છે.

રાજકારણ સત્તા મેળવવાનો માર્ગ નથી, પણ સમાજની સેવા અને સમાજના સુધારણા માટે રાજસત્તાનો ઉપયોગ કરવાનો રસ્તો છે. રાજકારણ સાધન છે, સમાજનું હિત તે આખરી ધ્યેય છે.


આ વિચારને વિખ્યાત ફ્રેન્ચ લેખક રૂસોએ અલગ રીતે વિકસાવ્યો છે. તેના મત મુજબ દરેક સમાજમાં શુભત્વ માટેની સામાજિક ચેતના હોય છે. વ્યક્તિ ભૂલ કરી શકે, બધા નાગરિકો ખોટા હોઈ શકે, પણ આ સામાજિક ચેતના હર હંમેશાં સાચો રસ્તો જ દાખવે છે. આ ચેતનાને જાગૃત કરવી અને જાગતી રાખવી તે દરેક નાગરિકનો સર્વોચ્ચ ધર્મ છે. ગાંધીએ રૂસોની જનવાંછનાને લોકશક્તિનું નામ આપ્યું છે અને રાજ્યશક્તિ કરતાં તેને જુદી લેખાવી છે તે બંને બાબતમાં ગાંધીજી અલગ પડી જાય છે.


ગ્રીક વૈચારિકોની ભાવના અને રૂસોના ગ્રંથોનો સીધો પરિચય ગાંધીજીને થયો હતો કે નહીં તે જાણવાનું સાધન આપણી પાસે નથી, પણ ગાંધીજીનું વાચન અતિ વિશાળ ક્ષેત્રને આવરી લે છે તે ખ્યાલમાં રાખવું જોઈએ. આ બંને વિચારપ્રવાહોનો સંગમ ગાંધીજીમાં સીધી કે આડકતરી રીતે થયો દેખાય છે અને આ સંગમને સમજી લઈએ તો ગાંધીજીની જાહેર રાજકીય પ્રવૃત્તિઓ અને આત્મસાક્ષાત્કાર અંગેની તેમની ઝંખના બંને એકાકાર થઈ જાય છે.


ગાંધીની જન્મશતાબ્દી, દોઢ શતાબ્દીની ઉજવણી દુ:ખરૂપ છે. જન્મ લેનાર બાળક કશા કામનું હોતું નથી. જન્મ એ બાળકનું નહીં, પણ તેનાં મા-બાપનું પરાક્રમ ફળ છે, ખરી રીતે તો માતાનું પરાક્રમ ગણવું જોઈએ. ઉજવણી કરવી જ હોય તો મરણતિથિ ઊજવવી જોઈએ. માણસ ક્યારે મરે છે, કેવી રીતે મરે છે અને શા માટે મરે છે તે તેના જીવનને સમજવા અને તેનાં મહત્ત્વનાં લેખાંજોખાં કરવા માટે મદદરૂપ થાય છે. સામાન્ય માણસનો જન્મ અને તેનું મરણ બંનેનું ખાસ કશું સામાજિક મહત્ત્વ હોતું નથી. મહાપુરુષોના જન્મ અને મરણ વચ્ચે જબરદસ્ત તફાવત
હોય છે.


સોક્રેટિસના જન્મનો કશો અર્થ નથી. તેનું વિષપાન ઇતિહાસની અમર ઘટના છે. ઈસુનો જન્મ ઊજવાય છે તે માત્ર શ્રદ્ધા છે, પણ ક્રોસ ખરેખર વિશ્વવંદનીય છે. ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા તેનું કશું મહત્ત્વ નથી, પણ દિલ્હીમાં તેમની હત્યા થઈ તેણે ભારતને દસ વર્ષ સુધી કોમી વિખવાદથી બચાવ્યું. માણસ આનાથી વધારે કશું કરી શકતો નથી.
[email protected]

X
article by nagindas sanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી