તડ ને ફડ / સંરક્ષણ ક્ષેત્રે સ્વાવલંબન જરૂરી છે

articel by nagindas sanghavi

નગીનદાસ સંઘવી

Jan 09, 2019, 12:52 PM IST

લોકશાહીમાં બધા વિવાદની ચર્ચા પાર્લામેન્ટમાં થાય તે જરૂરી છે, કારણ કે લોકસભામાં સરકાર અને વિરોધ પક્ષો સાથે મળીને ચર્ચા કરે તો કોણ કેટલું સાચું છે કે ખોટું છે તે જાણવા-સમજવાનું લોકો માટે થોડું વધારે સહેલું બની જાય છે.

રાફેલ વિમાનોની ખરીદીની ચર્ચા ચૂંટણીસભાઓ અને અખબારોમાં જોરશોરથી ગાજ્યા પછી છેવટે લોકસભાના ચર્ચાખંડમાં પહોંચી છે તે અતિશય જરૂરી છે અને લાભદાયી પણ છે, કારણ કે લોકસભામાં જાણી બૂઝીને જુઠ્ઠી વાત કહેનારને વિશેષાધિકારના અનાદર માટે સજા થઈ શકે છે અને માત્ર ગાળાગાળી કરવાના બદલે બંને પક્ષકારોએ દાખલા-દલીલ આંકડાઓ રજૂ કરવા પડે છે. આપણા દેશમાં આવી ચર્ચાઓ અંગે લોકો વિગતવાર વાંચવા-જાણવાની દરકાર રાખતા નથી, પણ અખબારો અને વિજાણુ માધ્યમો મહત્ત્વની ઘણી ખરી વિગતો લોકો સુધી પહોંચાડે છે.


રાફેલ વિમાનોની ખરીદીમાં કૌભાંડ થયું છે કે સરકારની ભૂલ થયેલી છે કે આ સોદા અંગે વિપક્ષોએ ખાસ કરીને કોંગ્રેસી સાંસદોએ જગાવેલો ઊહાપોહ ગેરવાજબી છે તે બાબતની થોડી વધારે જાણકારી લોકસભામાં મળશે. આપણું એ કમનસીબ છે કે લોકસભાની ચર્ચાઓનું ધોરણ બજારું ગાળાગાળી જેવું થતું જાય છે, પણ રાહુલ ગાંધીએ રાફેલ અંગેની ચર્ચાનું માથું બાંધી આપ્યું છે અને આ ચર્ચાને ચાર મુદ્દા પર કેન્દ્રિત કરી છે.

સંરક્ષણ માટે જરૂરી શસ્ત્રો અને સાધનસામગ્રી માટે પરદેશી સરકારો અને પરદેશી પેઢીઓ પર આધાર રાખવાનાં માઠાં પરિણામ આપણે છેક શરૂઆતથી જ ભોગવતા આવ્યા છીએ અને લગભગ દરેક સોદાઓમાં કૌભાંડની બદબૂ આવ્યા કરી છે

આ ચર્ચા અને આ વિશ્લેષણ લોકસભામાં શરૂ થયા અગાઉ સર્વોચ્ચ અદાલતમાં પેશ કરવામાં આવ્યા, પણ અદાલતે આ બાબતમાં પડવાનો મક્કમ ઇન્કાર કર્યો છે, કારણ કે આ બાબત અદાલતના પરિપ્રેક્ષ્યની બહારની વાત છે. અદાલતના ચુકાદા અંગે વાંધા-વિરોધ ઉઠાવવામાં આવ્યા છે અને આ ચુકાદાની ફેર તપાસણી માટેની માગણી ત્રણ મુખ્ય અરજદારોએ અદાલતમાં રજૂ કરી દીધી છે


સંરક્ષણ માટે જરૂરી શસ્ત્રો અને સાધનસામગ્રી માટે પરદેશી સરકારો અને પરદેશી પેઢીઓ પર આધાર રાખવાનાં માઠાં પરિણામ આપણે છેક શરૂઆતથી જ ભોગવતા આવ્યા છીએ અને લગભગ દરેક સોદાઓમાં કૌભાંડની બદબૂ આવ્યા કરી છે. 1948માં થયેલી જીપની ખરીદી અંગે લંડનના હાઈ કમિશનર વી.કે. કૃષ્ણમેનન પર માછલાં ધોવાયાં હતાં. બોફોર્સ તોપની રામાયણ જાણીતી છે અને હવે રાફેલ સોદા અંગે ઝઘડો ચાલે છે.


દુનિયાના લગભગ તમામ વિકસિત દેશો પોતાની જરૂરિયાત અનુસાર શસ્ત્રસામગ્રી પોતે બનાવે છે અને પછાત દેશોને વેચાતા આપે છે. આ શસ્ત્રસરંજામ મોટાભાગે બિનસરકારી પેઢીઓ બનાવતી હોય છે, પણ આઝાદી પછીના કાળમાં સમાજવાદના પ્રભાવના કારણે આપણા દેશમાં આ કામ સરકારી તંત્રો દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ અને સરકારના ઓર્ડિનાન્સ કારખાનાંઓ બનાવે છે. અવનવાં શસ્ત્રો અંગેની શોધખોળનું કામ પણ ડી.આર.ડી.ઓ બજાવે છે.

સરકારી તંત્રો બધા દેશોમાં હરહંમેશ રેઢિયાળ જ હોય છે અને તેથી આપણે સંરક્ષણની બાબતમાં હંમેશાં પછાત જ રહ્યા છીએ, કારણ કે શસ્ત્રો બનાવનાર અને વેચનાર દેશ હંમેશાં થોડા ઊતરતા દરજ્જાનો માલ વેચે છે. છેલ્લામાં છેલ્લી ટેક્નોલોજી કોઈ દેશ બીજાને આપતો નથી. આપણા નબળા પાડોશીઓ સામે લડવામાં બહુ વાંધો આવતો નથી, પણ ચીનની સામે આપણે હંમેશાં માર ખાતા રહ્યા છીએ.
તેથી રાફેલ સોદામાં વિમાનોના સ્પેરપાર્ટ્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ બિનસરકારી પેઢીને અપાયો તે આવકારદાયી પગલું છે. અનિલ અંબાણીની પેઢી લાયક છે કે નહીં તે અલગ મુદ્દો ગણાય, પણ સંરક્ષણક્ષેત્રે બિનસરકારી પેઢીઓના પ્રવેશને આવકાર મળવો જોઈએ. આ કોન્ટ્રાક્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ જેવી સરકારી પેઢીને આપવાની માગણી નુકસાનકારી છે, કારણ કે આ પેઢીની નાલાયકી પુરવાર થઈ ચૂકી છે.


અનિલ અંબાણીની પેઢીને આ કામનો કશો અનુભવ નથી તે દલીલ સાચી હોવા છતાં સાંભળવા જેવી નથી. નવા પગરણ શરૂ થાય ત્યારે કશા અનુભવ વગર જ કામ શરૂ કરવું પડે અને કામ કરતાં કરતાં જ અનુભવ મળે. આ બાબતમાં બીજા એક આંચકા માટે આપણે માનસિક રીતે તૈયાર રહેવું પડશે.


ભારતની પેઢીઓ જે હથિયાર અને જે સાધનસામગ્રી બનાવશે તેની કક્ષા શરૂઆતમાં હલકી જ હોવાની છે, કારણ કે આપણા ઇજનેરો અને આપણા કારીગરો નવશીખિયા છે. બીજા વધારે અનુભવી દેશો જે માલ બનાવે તેવો આપણે બનાવી શકવાના નથી. જાપાનમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ ત્યારે જે માલ બનતો તે બધો તકલાદી અને હલકી કક્ષાનો જ બનતો. લોકસભામાં નબળા માલ, નબળા માણસ અને નબળી પ્રવૃત્તિ માટે જાપાની વિશેષણ વપરાતું હતું, પણ ત્રણ-ચાર દાયકા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. 1917ની ક્રાંતિ પછી રશિયાએ હથિયારો અને સાધનસામગ્રી બનાવ્યાં તેની આખા યુરોપમાં હાંસી થતી હતી. આજે રૂસી ટેંકો અને સબમરીનોથી મોટાં રાષ્ટ્રો પણ ગભરાય છે.


પેઢી અનિલ અંબાણીની હોય કે બીજા કોઈની હોય, પણ આવતા બે-ત્રણ દાયકા સુધી આપણાં હથિયારો, આપણી સામગ્રી હલકી જ હોવાની છે. બાળક ચાલતા શીખે ત્યારે ડગુંમગું ચાલે છે અને વારંવાર પડતું આખડતું ચાલે છે અને બોલે છે, પણ શ્રેષ્ઠનો આગ્રહ રાખીએ તો આપણે કોઈ દિવસ સ્વાવલંબી થઈ ન શકીએ.


આજની દુનિયામાં બધા દેશો એકબીજા પાસેથી માલસામગ્રી ખરીદે છે, પણ લશ્કરી સામગ્રી માટે બીજા પાસે હાથ લંબાવવો પડે તે નબળાઈની નિશાની ગણાય છે. આ બાબતમાં આપણે પછાત છીએ, પણ બહુ પછાત નથી, કારણ ભારતે બનાવેલાં થોડાં હથિયારો, ખાસ કરીને બંદૂકો આફ્રિકાના દેશો ખરીદ કરતા હોય છે.


બિનસરકારી પેઢીઓ શસ્ત્રસામગ્રી બનાવે તે અતિશય જરૂરી હોવા છતાં તેનાં જોખમ પણ ધ્યાનમાં રાખવાં જોઈએ. લશ્કરી સામગ્રી પાછળ અબજો રૂપિયા ખર્ચાય છે અને આવી સામગ્રી બનાવનાર વેપારી પેઢીઓ માતબર બને છે. તેમને પોતાનો માલ વેચવો હોય છે. દુનિયામાં લડાઈ ચાલતી હોય તો જ તેમના હથિયારની ખપત વધે છે અને તેમના નફામાં વધારો થાય છે.

તેથી શસ્ત્ર ઉત્પાદક પેઢીઓ પોતપોતાના દેશોને આક્રમણખોર બનાવવા માટે હંમેશાં પ્રયત્નો કર્યા કરે છે. પ્રત્યક્ષ દાખલો જોઈતો હોય તો અમેરિકા આખી દુનિયામાં પોતાનાં લશ્કર મોકલીને દરેક બાબતમાં દખલગીરી કરે છે. બિનસકારી પેઢીઓ પોતાનો માલ મોંઘા ભાવે વેચાણ કરવા અને વધારે નફો રળવા માટે લશ્કરી પ્રવૃત્તિને સતત પ્રોત્સાહન આપે છે તેવી ચેતવણી બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના સરસેનાપતિ અને પાછળથી પ્રમુખ તરીકે ચૂંટાયેલા આઇઝન હોવરે તેમના વિદાય પ્રવચનમાં આપી છે.


અનુભવી અને સમજદાર સેનાપતિ લડવા માટે કોઈ દિવસ રાજી હોતો નથી. લડાઈ આવી પડે તો પૂરા બળથી લડે છે, પણ લડવાનું ટા‌ળવા માટે બને તેટલી મહેનત કરે છે. બાંગ્લાદેશને આઝાદ કરવાના પ્રસંગે ભારતીય લશ્કરના સેનાપતિ અને પાછળથી ફિલ્ડમાર્શલ બનેલા સામ માણેકશા હંમેશાં કહેતા કે અખબારોમાં લોકો તો લડાઈના સમાચાર જ વાંચે છે. અમારે અને અમારા સાથીઓએ મરવું પડે છે, ઘાયલ થવું પડે છે, જિંદગીભર અપંગ દશામાં જીવવું પડે છે, તેથી લડાઈ કરવાનું અથવા લડાઈને પ્રોત્સાહન આપવાનું અમને પોસાય નહીં. [email protected]

X
articel by nagindas sanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી