વુમનોલોજી / રમકડાં : બાળપણના સાથી, વ્યક્તિત્વના પાયા

article by megha joshi

મેઘા જોશી

Dec 25, 2018, 12:05 AM IST

નાતાલ માત્ર ખ્રિસ્તીઓનો તહેવાર નથી, વિશ્વના દરેક બાળકને ગમતો તહેવાર છે. ઘરને આંગણે શોભતા તારા સાથે, દરેક બાળકને સૌથી વધુ વહાલાં લાલ કપડાં અને સફેદ દાઢીવાળા સાન્તાક્લોઝ લાગે છે.

સંતાનને માત્ર રમકડાં આપીને છૂટી નથી જવાનું. એના નિર્દોષ બાળપણને ખીલવે, એનામાં એકાગ્રતા અને એના માનસિક વિકાસને વધારે સારો બનાવે એવાં રમકડાં એ જ એના માટે નાતાલની સાચી ભેટ

શોપિંગ મોલમાં ભાડૂતી માણસ અને ઘરે મમ્મી-પપ્પા સાન્તા બનીને બાળકોને ચોકલેટ કે રમકડાં ભેટ આપે છે. 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીના આ અઠવાડિયામાં જો તમે સાન્તા બનવાના હો, જો તમે બાળકને ખુશ કરવા રમકડું લેવાના હો તો રમકડાં સાથે જોડાયેલ બાળપણ અને વ્યક્તિત્વ વિશે ખાસ વિચારજો. જો બાળક સ્માર્ટફોનની ગેમમાં, આઇપેડમાં કે ડેસ્કટોપ પર રોજના કલાકો પાવર પોતાના હાથમાં રાખતું હોય તો એ બાળક સાંજ પડે ટીવીનું રિમોટ પોતાના હાથમાં જ રાખે, પોતે ઇચ્છે એ જ ઘરના બધા સભ્યોએ જોવાનું એવી જીદ કરે એમાં નવાઈ નથી.

એ ધારે ત્યાં ફરવા જવાનું, જમવા જવાનું, પોતાને ગમે એવી જ વસ્તુ લેવાની એવું સહજપણે કહી જ શકે. એ ભણવામાં ઓછું ધ્યાન આપે તો પણ નવાઈ નહીં, કારણ કે એમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે અને એની એ ક્ષમતા તો રસાકસીવાળી રેસ-ગેમ દ્વારા હણાઈ ગઈ હોય. રિમોટ સાથે જોડાયેલો શબ્દ છે કંટ્રોલ, એટલે કે એક એવી વસ્તુ જેના દ્વારા તમે તમારું ધાર્યું કરાવી શકો, તમારું આધિપત્ય જમાવી શકો. જે સરળતા માટે, સમય માટે ખૂબ જ ઉપયોગી છે એટલે એનો વિરોધ ન હોઈ શકે, પણ જ્યારે એ રમકડા રૂપે બાળકના હાથમાં આવે છે ત્યારે એની સાથે જોડાયેલ વર્તન, લાગણી અને વલણ પણ આવે છે.


તમે અકાળે અથવા સમય પહેલાં મોટી થઈ ગયેલી છોકરી જોઈ છે? તમે એવું માની શકો કે કોઈ નાનકડી બબલી ઢીંગલી સાથે રમીને જુવાન હોવાનો અનુભવ કરે? 5 વર્ષની નાનકડી દીકરીને રોજ એની ઢીંગલીને નવડાવતી વખતે, કપડાં બદલાવતી વખતે શરમ આવે, એના ભાઈને કે પપ્પાને ત્યાંથી દૂર જવાનું કહે છે, કારણ કે એની ઢીંગલી(બાર્બી)નું શરીર પુખ્ત સ્ત્રી જેવું હોય છે. એ નિર્દોષ મન જાણ્યે અજાણ્યે અરીસાની સામે પોતાની અને ઢીંગલીના શરીરની અને રૂપની સરખામણી કરવા લાગે છે અને પોતે ઢીંગલી જેવી બનવાનાં સપનાં જોવા માંડે છે.


વર્ષગાંઠ પર કે વારે-તહેવારે રમકડાં ખરીદતાં અને બાળકને ભેટ આપતાં આપણે બધાંએ વિચારવા જેવું છે કે આપણે ભેટમાં રમકડું આપીએ છીએ કે ગુસ્સો. વિચલિત થતું ધ્યાન કે અર્થવિહીન સ્પર્ધા કે પરાણે આપેલી મેચ્યોરિટી?

રમકડું એ બાળપણ સાથે જોડાયેલું અને બાળપણ સાથે જ જીવનમાંથી જતું રહેતું એક જોડાણ છે. ઘોડિયામાં લટકતાં રંગબેરંગી ઝુમ્મર સાથે એને હાલરડાંનો અવાજ ગમે છે, રણકતા ઘૂઘરા સાથે હલતો એની મમ્મી કે દાદીનો હાથ ગમે છે. સાવ ખોટી ગાડી ચલાવતા એને પપ્પા બનવું ગમે છે અને નાનાં નાનાં વાસણોમાં પાણી ને મમરા ભરી એને મમ્મી જેવા બનવાનું ગમે છે. કંઈ જ એની પાસે ન હોય તો પણ થોડાક સાંઠીકડાં, પથરા, ડબ્બાનાં ઢાંકણાંને ગોઠવી એ પોતાનું રમકડું જાતે બનાવી લે છે. એ બાળક છે, એને રમવું ગમે છે.

વિચારવાનું તો આપણે છે કે એને રમવા શું આપવું છે? એની સાથે બાળક બનીને રહેતાં રમકડાં કે એને અચાનક મોટા કરી દેતાં રમકડાં? રમકડાં તો બાળપણની જાહોજલાલી છે. બિલકુલ બાળક જેવાં જ નિર્દોષ હોય એનું નામ રમકડાં.

રમકડાંની દુકાનમાં જઈને મોંઘાંદાટ રમકડાં લઈ, ટેડીબેર ને સોફ્ટ ટોયથી બાળકના રૂમમાં ડેકોરેશન કરતી વખતે એક વાર વિચારવા જેવું ખરું કે આટલું કરીને છૂટી નથી જવાનું. દીકરાના હાથમાં રિમોટ પકડાવવાને બદલે થોડોક સમય કાઢી એની સાથે પક્કડદાવ રમવાની વધુ મજા આવશે. બાળપણનાં સંભારણાં જેવું જો એકાદ રમકડું સાચવી રાખ્યું હોય તો એે હાથમાં લઈ, આપણને મળેલું એવું જ નિર્દોષ બાળપણ આજના બાળકને મળે એવું એકાદ રમકડું નાતાલની ભેટ માટે લેતા આવજો.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી