સ્ત્રી જ્યારે ધરી બદલે છે ત્યારે એની ધરા બદલાય છે

article by megha joshi

મેઘા જોશી

Oct 23, 2018, 12:05 AM IST

‘સ્ત્રી સક્ષમ છે, પુરુષ સમોવડી છે. સ્ત્રીને પુરુષ સમોવડીની જરૂર નથી. એ ચડિયાતી જ છે. મહિલા સશક્તિકરણ માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.’ આ વિધાનો આપણે સતત સાંભળીએ છીએ, વાંચીએ છીએ, બોલીએ પણ છીએ. અવારનવાર સોશિયલ મીડિયામાં રિક્ષા ચલાવતી મહિલા, ફાઇટર પ્લેન ઉડાવતી પાઇલટ કે પછી પુરુષના બ્યૂટી પાર્લરમાં પુરુષની હજામત કરતી મહિલાના ફોટા સાથે સ્ત્રીની યશગાથા અપલોડ થાય છે. આપણેય હોંશે હોંશે એને ફોરવર્ડ કરી સંતોષ મેળવીએ છીએ. સ્ત્રીને જ્યારે ‘ના ધારેલી’ જગ્યાએ કામ કરતી જોઈએ ત્યારે આપણને ગમે છે. ‘ના ધારેલી’ જગ્યા એટલે વર્ષોથી નક્કી કરાયેલું સ્ત્રી માટેનું કાર્યક્ષેત્ર. મહિલા વ્યવસાય કરીને આર્થિક સ્વતંત્ર થાય એની હવે નવાઈ નથી.

સ્ત્રીને જ્યારે ‘ના ધારેલી’ જગ્યાએ કામ કરતી જોઈએ ત્યારે આપણને ગમે છે. ‘ના ધારેલી’ જગ્યા એટલે વર્ષોથી નક્કી કરાયેલું સ્ત્રી માટેનું કાર્યક્ષેત્ર. મહિલા વ્યવસાય કરીને આર્થિક સ્વતંત્ર થાય એની હવે નવાઈ નથી

મહિલાની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ હોય એવા સમાજના ઉદ્યોગપતિ કે કોઈ પત્નીના સીધાસાદા પતિનાં ઉદાહરણ પણ આપણી પાસે છે. ભારતના દીવાલ ઘડિયાળના પિતા ગણાતા અજંતા ઓરપેટના સ્થાપક ઓધવજી રાઘવજી પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે, ‘મહિલા કર્મચારી વગર અમે આખા દેશમાં દીવાલ ઘડિયાળના ઉત્પાદનમાં વિશિષ્ટ સ્થાન ન પામી શક્યા હોત.’ 500 મહિલાઓ સાથે શરૂ કરેલ યુનિટમાં સાડા પાંચ હજારથી વધુ મહિલા વ્યવસાયિકો જોડાઈ.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોરબી જેવા પ્રમાણમાં નાના વિસ્તારમાં એક એવી શરૂઆત થઈ જેની નોંધ વિશ્વકક્ષાએ લેવાઈ. સ્ત્રીમાં રહેલી શક્તિને ઓળખીને તેમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકીને સમગ્ર યુનિટનું સંચાલન મહિલાઓને અપાયું. એ જ રીતે બારડોલી નજીક આવેલા એક સાવ નાના ગામ વાલોડ આગળ લિજ્જત પાપડની લિજ્જત સમગ્ર દુનિયામાં મહિલાઓએ કરાવી. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ઓર્ગેનિક ફાર્મિંગ અને ત્યારબાદ ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદિત શાકભાજી, કઠોળનું વેચાણ, ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેવો જેવા દરેક કામ મહિલા જૂથ સાંભળે છે. આઝાદી પછી ભારતમાં ગૃહઉદ્યોગના વિકાસ અને મહિલાના આર્થિક ઉપાર્જન હેતુથી ઘણી સરકારી અને સહકારી યોજનાઓ અમલમાં મુકાઈ. ક્યાંક સાવ અંતરિયાળ વિસ્તારમાં પશુપાલનના વ્યવસાયમાંથી ડેરીમાં દૂધ પહોંચાડતી મહિલાઓના જૂથ છે અને ક્યાંક ઓરપેટ જેવા વિશાળ જૂથ છે.


હિમાચલ પ્રદેશમાં કુલુ જિલ્લામાં શાલ ઉદ્યોગમાં એક સફળ નામ છે -ત્રિશલા. ત્રિશલામાં શાલની બનાવટ, હિસાબકિતાબ, ટ્રાન્સપોર્ટ, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બધા જ વિભાગ સંપૂર્ણપણે મહિલા હસ્તક છે. સમગ્ર ભારતમાં ગુજરાતના ચરોતરમાં પહેલી વાર સીએનજી ગેસ સ્ટેશનનું સંચાલન અને સુકાન મહિલા બ્રિગેડને અપાયું. ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ આણંદે એશિયામાં એક ઉદાહરણ પૂરું પાડ્યું. જેમાં ગેસના ઉદ્યોગ સાથે સહકારી મંડળી જોડાઈ. દોઢ વર્ષના સફળ અનુભવ બાદ મોગર હાઈ વે પર નવા ગેસ સ્ટેશનની દિવસની પહેલી શિફ્ટ 9થી 5ની શિફ્ટ સ્ત્રીઓ સાંભળે છે. હાઇ વે સાથે જોડાયેલ ભય, ડ્રાઇવરના વ્યવસાય સાથે જોડાયેલ પુરુષ સમાજ કે ગેસ ફીલિંગ જેવા જોખમકારક દેખાતા કામ માટે એ દરેક યુવતીને ના કોઈ ડર છે, ના કોઈ મૂંઝવણ. ચરોતર ગેસ સહકારી મંડળના ચેરમેન કિરણભાઈ પટેલે જણાવ્યું કે, ‘અઢાર વર્ષથી ચરોતર ગેસનું સુકાન સાંભળ્યું, જેમાં 26,000 ગૃહિણીઓને મેં ઘરેલુ વપરાશના ગેસ કનેક્શન આપ્યા. પછી વિચાર આવ્યો કે શા માટે મહિલા માત્ર ઘર પૂરતી મર્યાદિત રહે?

અમે મહિલા ગેસ સ્ટેશનના સંચાલન સુધી પહોંચી શકે એનું માધ્યમ બન્યા.’ સ્ત્રી માટે સમાજે નક્કી કરેલ માર્ગ અને નક્કી કરેલ ધરી સમય સાથે બદલાય છે. જ્યારે સ્ત્રી સમાંતરે એક નવી ધરી પાર ચાલવાનું શરૂ કરે છે ત્યારે પોતીકી ઓળખ, સંતોષ, સુખ, ખુશી અને સમાજ તરફથી સન્માન એકસાથે મળે છે. મહિલા જ્યારે ધરી બદલશે ત્યારે એના જીવનની ધુરા એના હાથમાં રહેશે.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી