Back કથા સરિતા
મેઘા જોશી

મેઘા જોશી

સ્ત્રી-સાંપ્રત (પ્રકરણ - 36)
લેખિકા સ્ત્રીવિષયક મુદ્દાઓ પર કલમ ચલાવે છે.

સંબંધની ગરજ નહીં, સન્માન હોવું જોઈએ

  • પ્રકાશન તારીખ11 Sep 2018
  •  

તમે સંબંધમાં નમતું જોખ્યું છે? લગભગ દરેકનો જવાબ આવશે, ‘હા, ઘણીવાર.’ ‘ક્યારે, કેમ અને કેવી રીતે?’નો જવાબ મળશે, ઘણીવાર સમય-સંજોગોને અનુકૂળ થવા માટે પોતાની ઇચ્છાને બાજુ ઉપર મૂકી છે. ‘નમતું જોખવું’નો શાબ્દિક અર્થ તો એવો થાય કે ત્રાજવાની એક બાજુ વજનિયું મૂક્યું હોય અને બીજી બાજુ ખરીદેલો સામાન હોય ત્યારે વેપારી સંબંધના ધોરણે અથવા પોતાની સારપ બતાવવા વજનિયાના પ્રમાણમાં વધુ માલ આપે અને ખરીદનારને એ રીતે મહત્ત્વ આપે અથવા એનું દિલ જીતે જેથી તે કાયમી ઘરાક બની શકે.

હવે આ આખું દૃશ્ય આપસી સંબંધમાં મૂકીને જુઓ. સંબંધમાં નમતું જોખવું એટલે આપણી સાથે જોડાયેલી વ્યક્તિ કે લોકોને સાંભળવા, જરૂર પડે ત્યારે પોતાનો રસ બાજુ પર મૂકવો. ક્યારેક ત્રાજવાને બીજી તરફ નમતું રાખવા ચૂપ થવું તો ક્યારેક બીજાને ગમે એવું જ બોલવું. જ્યાં સુધી આ નમેલા એટલે ગમેલા રહેવાનું પરસ્પર સાહજિક હોય ત્યાં સુધી ઠીક છે, પણ જ્યારે નમતી વખતે એનો ભાર મહેસૂસ થાય અથવા એ આદત બની જાય ત્યારે ચેતી જવું. આમ તો સંબંધમાં ‘નમેલા એ જ ગમેલા’ સમીકરણનો તફાવત હોવો ન જોઈએ, પરંતુ નમતું જોખવાની આદત અને અપેક્ષા સ્ત્રીના ફાળે વધુ જાય છે.

સંબંધ એટલે લોહી કે સામાજિક જોડાણ નહીં, પણ બે વ્યક્તિ વચ્ચેની સમજણ, સંવાદ અને અગત્યનું પરિબળ એકબીજા માટે અને એકબીજાને જોડતા સંબંધનું સન્માન. એ સંબંધને પારદર્શક અને વિશ્વસનીય રાખવો

બાળપણથી છોકરીને શારીરિક બંધારણનો તફાવત દર્શાવીને સમજાવી દેવામાં આવે કે, છોકરામાં વધુ તાકાત હોય, એ વધુ ઊંચા હોય, છોકરા દરેક જગ્યાએ પહોંચી વળે. એ સાથે શરૂ થાય એક અદૃશ્ય સરખામણી. સપનાના રાજકુમારની શરૂઆત પરિવાર અને સમાજમાં જ્યારે ચર્ચાય ત્યારે છોકરો છોકરી કરતાં મોટો, વધુ ભણેલો અને વધુ કમાતો હોય એ પૂર્વશરતો હોય છે. એ સાથે છોકરીના જિનેટિક અને સામાજિક વારસામાં પણ લાગણીના સંબંધો અને સંવેગોને વધુ પ્રાધાન્ય અપાય છે. આથી જ સંબંધ બચાવવાની અથવા કહો કે સંબંધની ગરજ સ્ત્રીને વધુ હોય છે અને સાહજિકપણે એને નમતું જોખવાની આદત પડી જાય છે. સંબંધનું સન્માન જાળવવા ક્યારેક જીદ તો ક્યારેક ઇચ્છા જતી કરીએ તે બરાબર છે, પણ એ સન્માન બંને પક્ષે સરખું હોવું જોઈએ. આ દરેક સંબંધમાં લાગુ પડે છે. એકસરખી ભાગીદારી શક્ય ન હોય તો પણ ત્રાજવાના બંને પલ્લાં વચ્ચે ઝાઝો તફાવત ન હોવો જોઈએ. સંબંધ એટલે લોહી કે સામાજિક જોડાણ નહીં, પણ બે વ્યક્તિ વચ્ચેની સમજણ, સંવાદ અને અગત્યનું પરિબળ એકબીજા માટે અને એકબીજાને જોડતા સંબંધનું સન્માન.


કોઈ પણ સંબંધનું સન્માન રાખવું એટલે એ સંબંધને પારદર્શક અને વિશ્વસનીય રાખવો. માની લો કે સમય જતાં ગેરસમજ અથવા અન્ય અડચણ આવે તો એને પણ સ્વીકારીને સંબંધને ગરિમાથી નીચે ન પડવા દેવો. સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાનો વખત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિની સમજણ અને મેચ્યોરિટીનાં પારખાં થાય છે. જ્યાં લાગણીના નામે બ્લેક મેલિંગ થાય, જ્યાં સંવાદને બદલે વિવાદ થાય, જ્યાં સતત એક જ વ્યક્તિ પર આક્ષેપોના ઢગલા થાય, જ્યાં દરેક શબ્દ અને ક્ષણ ભારરૂપ લાગે ત્યાં સૌથી છેલ્લો તંતુ પણ તોડવાનો વખત આવી ગયો છે એમ સમજવું. તમારા નમતું જોખવાના આયાસને તમારી નબળાઈ ન માની લે એનું ધ્યાન રાખવું પડે.

ચાહે તે પરિવાર હોય કે મૈત્રી હોય. તમે જેને ખાનદાની, મોટાપણું, સારપ, જેવાં નામ આપો છો એ લખવા-બોલવામાં સારાં લાગે, પરંતુ વાસ્તવિક જીવનમાં આ જ ગુણો ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ થાય છે. બે-પાંચ ટકા શું, સો ટકા નમતું જોખો, પણ તમે જેની માટે ઝૂકી ગયા એને ખબર કે ગૌરવ છે ખરું?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP