Back કથા સરિતા
મેઘા જોશી

મેઘા જોશી

સ્ત્રી-સાંપ્રત (પ્રકરણ - 36)
લેખિકા સ્ત્રીવિષયક મુદ્દાઓ પર કલમ ચલાવે છે.

મતનું ‘દાન’ નહીં, સન્માન કરો

  • પ્રકાશન તારીખ23 Apr 2019
  •  

તમારો મત તમારો અધિકાર છે. તમારો મત મહત્ત્વના નિર્ણયનો ભાગ છે. મતદાનની પહેલી શરત વૈચારિક સ્પષ્ટતા છે, તમારી પાસે માત્ર રાજનીતિ, રાજકીય પક્ષ કે સરકાર માટે જ નહીં, જીવનની દરેક બાબત માટે મત હોવો જરૂરી છે. પોતાને શું ગમે છે કે કોણ ગમે છે કે કોણ આપણા માટે સારું છે એની પસંદગી સમય, ઘટના અને ઉંમર સાથે બદલાતી જાય છે. જ્યાં સંબંધ છે, લાગણી છે ત્યાં મહદ્દંશે બધા જ નિર્ણય મનથી લેવાતા હોય છે. જ્યાં ગણતરી છે, ભવિષ્ય માટે વિચારવાનું છે ત્યાં તર્ક શક્તિનો ઉપયોગ મગજની મદદથી કરવામાં આવે છે. ઉંમર, ભણતર અને વ્યવહાર વધતા જાય છે એમ નિર્ણય અને અભિપ્રાય મગજ દ્વારા લેવાતા જાય છે. અલબત્ત, એમાં ક્યારેક સાહજિકતાનો લય ખોરવાય છે, તો ક્યારેક વર્તમાન પરિસ્થિતિને વધુ સારી રીતે સમજીને લેવાતો યોગ્ય નિર્ણય પણ હોય છે. કોઈ પૂછે કે નહીં તો પણ આપણે ડગલે ને પગલે આપણો અભિપ્રાય આપતા ફરીએ છીએ. ચૂંટણી તો પાંચ-પાંચ વર્ષે આવે છે, પણ આપણે સવારથી રાત સુધી દરેક વાતમાં પોતાનો મત આપતા ફરીએ છીએ. પોતાનો વિચાર રજૂ કરવો એ આપણી મૂળભૂત આદત છે. એમાં કશું નવું નથી. વર્ષોથી આપણે નાની-મોટી દરેક ઘટનામાં મંતવ્ય અને મત આપતાં રહીએ છીએ. તો જ્યારે દેશ માટે અતિ મહત્ત્વના નિર્ણયમાં સહભાગી થવાની તક મળે છે ત્યારે શું નડે છે? શું અડે છે?

  • આપણે દરેક ઘટનામાં મત આપીએ છીએ. તો દેશ માટે મહત્ત્વના નિર્ણયમાં સહભાગી થવાની તક મળે છે ત્યારે શું નડે છે?

આપણી પાસે કપડાં, પર્સ, ચંપલથી માંડીને દરેક વસ્તુ અને વ્યક્તિ માટે સ્પષ્ટ અભિપ્રાય છે, પણ જયારે ચૂંટણી અને દેશની તત્કાલીન જરૂરિયાત અંગે મત આપવાનો હોય ત્યારે બહુમતી અથવા આસપાસના લોકોની અસરમાં નિર્ણય લઇએ છીએ. દરેક પ્રશ્નના આપણી પાસે જવાબ હોય છે પરંતુ દેશ માટે, પોતાના વિસ્તાર માટે, જ્યારે આટલો મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય છે ત્યારે મન કે મગજ ભાડે થોડા અપાય છે? કે કોઈના ભાડે લેવા પણ ના જોઈએ. મતદાન ભાવુકતાથી ના થાય. મન અને મગજ વચ્ચે સંપૂર્ણ તાલમેળ રાખીને જ્યારે અભિપ્રાય કે પોતાનો મત રજૂ કરીએ છીએ ત્યારે બીજાને તો ગમે અને સ્વીકૃત થાય જ પણ સૌથી વધુ આનંદ અને સંતોષ આપણે પોતે મેળવી શકીએ છીએ. મન રિએક્શન આપે અને મગજ રિસ્પોન્સ આપે છે. મન સાથે ક્યારેક વહી જવાય છે અને મગજ સાથે અટકી જવાય છે. મન અને મગજ ક્યારે પ્રભાવી થાય અને ક્યારે પ્રસન્ન થાય તે સાપેક્ષ ઘટના છે. દર પાંચ વર્ષે આવતી ચૂંટણી અને મળતો મતાધિકાર એક મહત્ત્વનો નિર્ણય છે, જેમાં મન અને મગજ એકસરખા પ્રભાવી હોય તે ઇચ્છનીય છે.
કોઈ વ્યક્તિને પસંદ કરવી કે એનો પક્ષ લેવો, એ આપણો અંગત નિર્ણય હોવો જોઈએ, કોઈનું દબાણ નહીં. પોતાના અંગત સ્વાર્થ માટે કે ભવિષ્યની વ્યવસાયિક કે અન્ય કોઈ ગણતરીનો મુદ્દો મુખ્ય હોય ત્યારે એ પસંદગી સંપૂર્ણપણે મગજથી કરવામાં આવે છે, એમાં લાગણી કે કમિટમેન્ટનો અભાવ હોય છે. માત્ર લેતી-દેતીના અહીં સમીકરણ રચાય છે. પસંદગી જ્યારે બહુમતીની અથવા માસ હિસ્ટીરિયા દ્વારા થયેલી હોય છે. જેમાં મન કે મગજ બેમાંથી એક્કેયનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ ગાડરિયા પ્રવાહ સાથે ચાલીને ‘હૈશો હૈશો’ કરતાં તરી જવાનું બને છે. એક વિચારશીલ અને સામાજિક પ્રાણી તરીકે સૌથી શરમજનક બાબત આ છે, જેમાં વ્યક્તિ પોતાના મન અને મગજનો ઉપયોગ કર્યા વગર વ્યક્તિ મટીને ટોળું બની જાય છે. ‘મતાધિકાર’ જેમાં કર્તવ્યની ભાવના છે, પરસ્પર હક અને ફરજની ભાવના હોય એમાં ટોળું નહીં, વિચાર બનાય.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP