વુમનોલોજી / દીકરીનો જન્મારો સુધરે તો મૃત્યુદર ઘટે

article by megha joshi

મેઘા જોશી

Apr 16, 2019, 03:48 PM IST

ઓગણીસ દિવસની દીકરીને દાદીએ ઝેર પાયું. રડતી દીકરી શાંતિથી સુઈ શકે તે માટે ડોક્ટરે આપેલ સિરપમાં ઝેર ભેળવીને સગી દાદીએ કાયમ માટે એને સુવડાવી દીધી. દીકરીને દૂધ પીતી કરનાર સમયગાળો ઇતિહાસ તરીકે ઓળખાય છે. કન્યાભ્રૂણ હત્યાના ઘટતાં આંકડા દર્શાવીને સરકાર ખુશ, સમાજસેવી સંસ્થાઓ ખુશ અને સમાજ પણ ખુશ, પરંતુ સંશોધનપત્રના આંકડા અને દીકરીની વાહવાહી જોઈને અનુભવેલો આનંદ ઝાઝો ટક્યો નહીં. તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં રહેતાં શાંતાબહેને સમાજની શાંતિ હણી લીધી. પુત્રવધૂને બીજી વાર દીકરી આવી ત્યારથી જ દુઃખી અને ક્રોધિત થયેલ શાંતાબહેને 19 દિવસની પૌત્રીને દીકરા-વહુની ગેરહાજરીમાં દવામાં ઝેર ભેળવીને પાઈ દીધું. શાંતાબહેને ગુનો કબૂલ કરી લીધો છે અને પોલીસ તેમ જ કોર્ટ કાર્યવાહી પણ થશે. પરંતુ એક સમાજ તરીકે અને એક સ્ત્રી તરીકે આપણે કઈ કાર્યવાહી કરીશું?

  • એકવીસમી સદીમાં એક સ્ત્રી, દીકરીના જન્મને ધુત્કારે, રોષે ભરાય અને એને મૃત્યુના હવાલે કરે એ માટે જવાબદાર કોણ? એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન હોય છે અથવા સ્ત્રી થઈને દીકરીને નફરત કઈ રીતે કરી શકે?

એકવીસમી સદીમાં એક સ્ત્રી, દીકરીના જન્મને ધુત્કારે, રોષે ભરાય અને એને મૃત્યુના હવાલે કરે એ માટે જવાબદાર કોણ? શાંતાબહેન એવાં સ્ત્રીસમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જેને દીકરામાં વંશ દેખાય છે અને દીકરીના જન્મમાં પીડા અને શોષણ દેખાય છે. એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન હોય છે અથવા સ્ત્રી થઈને દીકરીને નફરત કઈ રીતે કરી શકે? આ કોઈ પણ પ્રશ્નનો પહેલો જવાબ વંશવેલો આગળ વધારવાની આપણી બાયોલોજિકલ જરૂરિયાત અને સામાજિક માનસિકતા તો છે જ, પરંતુ સહેજ ગહેરાઇમાં જઈને વિચારીએ અને જે જવાબ મળે એ સ્વીકારવો જરા અઘરો છે. શોષણ, અન્યાય અને અસમાનતાને કારણે જીવનભર જે કંઈ સહન કરવું પડ્યું હોય, જે કંઈ મજબૂરી વેઠી હોય એનું પુનરાવર્તન ના થાય એ હેતુથી પણ સ્ત્રી દીકરાના જન્મની માનતા રાખે છે. દીકરાની માતાને આપણો સમાજ ‘સંપૂર્ણ’ ગણે છે અને પોતે પૂર્ણ સ્ત્રી અને આદર્શ માતા છે એ સાબિત કરવું એ પણ પિતૃસત્તાક સમાજની દેણ છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના પોસ્ટર લગાડવાને બદલે કન્યાના જીવનને વધુ સરળ અને સલામત રાખી શકીશું તો આપોઆપ કન્યા બચી શકશે.
લૈંગિક અસમાનતાને કારણે દીકરા અને દીકરી પ્રત્યેના વલણ અને વ્યવહારમાં જોવા મળતી અસમાનતા દૂર કરી શકાય, તો પણ દીકરી બચી શકે. ભ્રૂણ પરીક્ષણ પર કાયદો બન્યો, ગુના પણ નોંધાયા પણ ઉછેર કે પરિવારમાં જોવા મળતાં સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવ અંગે તો ગુનો નહીં નોંધી શકાય. બળબળતા ઉનાળાની બપોરે જાહેર વાહનમાં નાયલોનની સાડી પહેરીને ઘૂમટો કાઢેલી નવવધૂ અને બાજુમાં ગરમીને કારણે શર્ટના ત્રણ બટન ખુલ્લા રાખીને બેઠેલો યુવાન જોયો છે? સવારથી રાત ઘર અને વ્યવસાયને નિભાવતી વર્કિંગ વુમન અને હોમમેકર વચ્ચે અટવાતી મહિલાની શરણાગતિ જોઈ છે? બળાત્કારનો ભોગ બન્યા પછી ‘પીડિતા’ના નામે ઓળખાતી છોકરી તરફ ચિંધાતી આંગળીઓ જોઈ છે? એક સંવેદનશીલ સમાજ અને જવાબદાર નાગરિક તરીકે પરિવારમાં અને આસપાસના વાતાવરણમાં સ્ત્રી સાથે થતા અમાનવીય વર્તનમાં ફરક લાવી શકીશું તો કદાચ ભવિષ્યમાં કોઈ સ્ત્રીને દીકરીના જન્મ સાથે પીડા નહીં થાય. रत्नજેના થકી પૃથ્વી પર માનવજન્મ શક્ય છે, જેના થકી ગર્ભ રચાય છે, વિકસે છે અને જન્મે છે, એ જ સ્ત્રીજાતિને અજન્મા કઈ રીતે રાખી શકાય? દીકરીના જન્મને વધાવતાં પહેલાં એના જન્મારાને સુખી બનાવીએ.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી