વુમનોલોજી / સ્ત્રી નેતૃત્વ : સમાનુભૂતિ અને સંકલ્પશક્તિનો સાહજિક સંયોગ

article by megha joshi

મેઘા જોશી

Mar 26, 2019, 03:35 PM IST

ન્યૂઝીલેન્ડના કાળા દિવસમાં અજવાળું એટલે રાષ્ટ્રની મહિલા પ્રધાનમંત્રી જેસીન્ડા અર્ડેન. ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ પર એક બંદૂકધારી દ્વારા હુમલો થયો. સમગ્ર વિશ્વમાં ક્રોધ અને દુઃખ, પીડા અને દયા જેવી સંવેદનાઓની સાથે નિઃસહાયતા વિશેષ જોડાયેલી હતી. લોહિયાળ અને ક્રૂર ઘટના જેમાં ચાલીસ નિર્દોષ વ્યક્તિઓની હત્યા થાય, ત્યારે સાહજિકપણે દરેક દેશ અને સરકાર માટે ચિંતા, રોષ, કટોકટીની આકરી પરીક્ષા હોય છે. દુર્ઘટના બાદ જ્યારે આપણે દૃશ્યો જોઈને ચેનલ બદલતા હતા, સોશિયલ મીડિયા પર ધિક્કાર વરસાવતા હતા, ત્યારે ન્યૂઝીલેન્ડનાં પ્રધાનમંત્રી એમનાં શબ્દો અને એક્શનથી દેશને સંતુલિત કરવામાં સફળ રહ્યાં. મસ્જિદ પર થયેલ હુમલા બાદ દેશમાં શાંતિ જાળવવાની અપીલ કરતી વિશ્વની સૌથી નાની વયની મહિલા પ્રધાનમંત્રીએ ઉદાહરણીય વર્તન અને વહીવટ કર્યા. હુમલાની બીજી સવારે નવ વાગે એમણે જણાવ્યું કે, ‘હું આ તબક્કે એટલું કહી શકું કે, આપણા ગન લો બદલાશે.’ બપોરે એક વાગે ઘટના સ્થળે ગયાં, રેફ્યુજી અને મુસ્લિમ સમુદાયને સાંત્વના આપી. સમગ્ર દેશ વતી સંદેશો આપ્યો જેમાં દુઃખ સાથે નક્કર પગલાં લેવાની વાત હતી. દેશદાઝ કાઢવાને બદલે દેશની નિરપેક્ષતાને ઉજાગર કરી. એમણે ન્યૂઝીલેન્ડવાસીઓને યાદ કરાવ્યું કે તેઓ મૂલ્ય, વિભિન્નતા, સ્વીકૃતિ અને દયામાં માનનારી પ્રજા છે. દેશે ક્રૂર હત્યાકાંડનો જે ભોગ બન્યાં છે, એમની સહાય માટે વિચારવું જોઈએ. જે દેશમાં બસોથી વધુ સમુદાય, દોઢસો ભાષા હોય એ દેશની પ્રધાનમંત્રી શોકસંદેશ સાથે પોતાના રાષ્ટ્રની ફિલોસોફી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, ‘જે કોઈ નૈતિકતામાં માને એ દરેક માટે ન્યુઝીલેન્ડ ઘર છે.’

  • મહિલાનો શક્તિ અને બુદ્ધિનો અર્થપૂર્ણ ઉપયોગ કેવો હોય એનું જીવંત ઉદાહરણ

ઘરમાં નાનકડી દુર્ઘટના પણ આપણને હતપ્રભ કે દિશાશૂન્ય કરે છે. આ તો સમગ્ર દેશ અને તેની આંતરિક સલામતી અને શાંતિ પર પ્રહાર હતો, એ સમયે નવ મહિનાના બાળકની માતા જેસીંડાની સ્થિરતા, સ્પષ્ટતા અને શબ્દો પરનો સંયમ શીખવા જેવો છે. ક્રાઇસ્ટચર્ચના મેયરની, મુસ્લિમ સમુદાયના ઇમામની અને ભોગ બનેલ પરિવારોની મુલાકાત કરનાર આ મહિલાને જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પૂછ્યું કે, ‘અમેરિકા શું કરી શકે?’ ત્યારે એનો જવાબ હતો, ‘મુસ્લિમો માટે પ્રેમ અને હમદર્દી.’ એક મહિલા પોતાની શક્તિ અને બુદ્ધિનો અર્થપૂર્ણ ઉપયોગ કરે તો એ કેવો હોઈ શકે એનું જીવંત ઉદાહરણ આપણી સામે છે. સ્ત્રીએ માતૃત્વ અને કારકિર્દીમાંથી એક જ વિકલ્પ પસંદ કરવો પડે, જેવી માનસિકતાને એમણે રદિયો આપ્યો. પિતૃસત્તાક ધારાને તોડીને દેશના સર્વોચ્ચ સ્થાને બેઠાં. કોઈ પણ કાર્યક્ષેત્રમાં મહિલાને માતૃત્વના પ્લાનિંગ વિશે પૂછાય કે એ કારણે વ્યવસાયમાં અન્યાય થાય તે અયોગ્ય છે, મહિલાએ ક્યારે ગર્ભવતી થવું, કેટલા સમય સુધી બાળકને સ્તનપાન કરાવવું તે એનો અંગત નિર્ણય જ હોવો જોઈએ. એની સ્પષ્ટતા સાથે જેસીંડાએ કહેલું કે, ‘હું ગર્ભવતી થઇ છું, અશક્ત નથી.’ આજે એક વર્ષ પછી જેસીંડાએ પુરવાર કરી બતાવ્યું કે, ‘હું સ્ત્રી છું, અબળા નહીં.’ વૈશ્વિક રાજકારણ, આતંકવાદનો સામનો, રાષ્ટ્રનું સંતુલિત અર્થતંત્ર અને સમાજ પરત્વેની સંવેદનશીલતા જેવા દરેક પાસાંમાં એમ્પથેટિક લીડરશિપની જરૂર છે. એક સ્ત્રીએ સાહજિક રીતે એ દિશામાં કામ શરૂ કર્યું છે.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી