વુમનોલોજી / મિડલાઈફ : મન રે તું કાહે ના ધીર ધરે

article by megha joshi

મેઘા જોશી

Mar 19, 2019, 01:18 PM IST

‘હું જન્મી પછી મારી રાશિ જોઈ, ફોઈએ મારું નામ પાડ્યું, કોઈએ વળી એને લાડકું કર્યું, મમ્મીએ એને ગમતી હેરસ્ટાઇલ કરી, પપ્પાએ મારા માટે બેસ્ટ સ્કૂલ શોધી. દરેક ટીચરે માર્ક લાવવાનો ગોલ આપ્યો, બધાંએ ભેગાં થઇ મારી કરિયર નક્કી કરી, મામાની બહુ વ્હાલી, મૂરતિયો એમણે શોધ્યો. સસરાએ ફેમિલી બિઝનેસની એક ઓફિસ આપી, બાળકો થયાં, મોટા થયાં, જવાબદારી ઘટી. બસ! હવે એક મોટું કામ બાકી છે, એ પતાવું. બીજાની અપેક્ષા બાજુ પર મૂકું, ઈચ્છાઓને ભેગી કરું, એક પછી એક એને પૂરી કરું. હવે હું મારી રીતે મારા જીવનને ચીંધું.’ જીવનના લગભગ મધ્ય ભાગ પર પહોંચેલી સરેરાશ ભારતીય સ્ત્રીનાં મનમાં ડોકિયું કરતાં કંઇક પ્રકારની લાગણીનો ચિતાર મળે છે. બાલ્યાવસ્થાથી શરીરની વૃદ્ધિ અને વિકાસની સાથે પારિવારિક, અંગત અને સામાજિક અપેક્ષા જોડાતી જાય છે. ભણતર, કારકિર્દી, બાળકોનો ઉછેર વગેરે એક પછી એક જવાબદારી નિભાવ્યા પછી આધેડાવસ્થામાં પોરો ખાવાની અનુકૂળતા મળે છે.
આર્થિક સ્થિરતા અને સામાજિક સ્થાનને સફળતાપૂર્વક મેળવ્યા પછી જીવનને ઊજવવાનો અવસર આવે ત્યારે આનંદના અનુભવ સાથે અસંતોષની ક્ષણો પણ હળવેકથી જીવનનો ભાગ બની જાય છે. વૈવાહિક જીવનમાં પણ શરૂઆતનો રોમાંચ ઘટતો જાય, શરીર યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા તરફ ગતિ કરે, ત્યારે આ વચ્ચેના પડાવમાં ઠહેરાવની સાથે ઉચાટ પણ હોય છે. અલબત્ત, જેમની પાસે જીવનમાં અર્થ હોય, ઉદ્દેશ હોય એમને આ સમયગાળામાં મનની તંદુરસ્તી માટે વધારે મહેનત નથી કરવી પડતી. અંગ્રેજીમાં જેને ‘મિડલાઇફ ક્રાઈસિસ’ કહેવામાં આવે છે, એ ખરેખર છે ખરી ?

  • આર્થિક સ્થિરતા અને સામાજિક સ્થાનને સફળતાપૂર્વક મેળવ્યા પછી જીવનને ઊજવવાનો અવસર આવે ત્યારે આનંદના અનુભવ સાથે અસંતોષની ક્ષણો પણ હળવેકથી જીવનનો ભાગ બની જાય છે

1060ની સાલમાં સાયકોલોજિસ્ટ એલિયોટ જેક્સએ ‘મિડલાઈફ ક્રાઈસિસ’ શબ્દની ઓળખ આપી. એમનાં દર્દી અને આર્ટિસ્ટમાં જોયું કે ઘરડા થવાનાં ભયને કારણે વૃદ્ધાવસ્થા પહેલાંનાં ઉંમરના પડાવમાં લોકો હતાશાના ભોગ બને છે. મનોવિજ્ઞાનીઓનો એક વર્ગ દૃઢપણે માને છે કે, ‘ઉંમર સાથે આવી માનસિક વિટંબણાને કોઈ લેવાદેવા નથી. માનસિક હતાશા અને અસંતોષ સાથે જોડાયેલ ઉચાટ તો તો કોઈ પણ અસફળ વ્યક્તિને પણ થઇ શકે.’ મિડલાઈફ એટલે કે આધેડાવસ્થાને પરવારી જવાની ઉંમર કહે છે. માણસ નોકરી, પારિવારિક જવાબદારીથી પરવારે પણ જ્યારે જાતથી પરવારે ત્યારે જીવન ઝાંખું લાગે છે. બીજાને તમારામાં રસ ઓછો થાય એવો કોઈ અનુભવ મળે તે પહેલાં તમને જ તમારામાંથી રસ ઓછો થવા માંડે. અહીં બે પ્રકારના રસની અભિવ્યક્તિ છે. એક, બહારનો અને બીજો અંદરનો.’ મેનોપોઝમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાનું શરુ થાય એટલે શરીર અને મન ઉપર એની અસર દેખાય અને એ જ કારણે બહારનો રસ ઊતરતો લાગે. જીવનમાં અંદરનું બોરડમ ઓછું કરવા માટે આપણે પૈસા હોય તો કારનું મોડેલ બદલીએ, રેટ્રો કે સ્પોર્ટ્સ જેવી થીમ રાખીને પાર્ટી કરીએ. સ્ત્રીઓને બ્યૂટી પાર્લરના ધક્કા વધે, પુરુષને આર્થિક સદ્ધરતા (ફાઇનાન્સિયલ ગ્રેટફુલનેસ) વધારવી ગમે. ત્રણ બેડરૂમમાંથી પાંચ બેડરૂમના ઘર માટે વિચારીએ, ટુર કરીએ. બધું જ બરાબર, પણ અંદર શું?

મિડલાઈફ એટલે હવે જાત માટે વિચારતાં થવાનો સમય. સામાન્ય રીતે લોકો એમ માને છે કે, મિડલાઇફમાં ખુશી ઓછી થવાની શરૂ થાય છે, વાત અહીં જુદી છે, નાનપણથી આપણે જે ખુશી કે જે શાંતિ માટે સંઘર્ષ કરતાં આવ્યાં, એ આ જ છે. વર્ષોથી આપણી ખુશીને ‘તારીખ પે તારીખ’ આપતા ગયા.
લાંબા ગાળાની રાહત, વૃદ્ધત્વની સલામતી, બાળકોનું ભવિષ્ય, ઘરનું ઘર આ દરેક વખતે મનને એક જ આશ્વાસન આપાય કે, ‘બસ! આટલું થઇ જાય પછી શાંતિ.’ તો સમજી જાવ કે જીવનમાં આ ઉંમરે હવે આટલું થઇ ગયું છે. મિડલાઈફ એટલે જીવનની એક નવી શરૂઆત!

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી