વુમનોલોજી / મારું નામ સ્ત્રી છે, મારો અર્થ પણ સ્ત્રી છે

article by megha joshi

મેઘા જોશી

Mar 12, 2019, 01:00 PM IST

મારું નામ સ્ત્રી છે. મારો અર્થ પણ સ્ત્રી છે. હજારો વર્ષ પૂર્વે પણ હું આ જ હતી, જે આજે છું? તો શા માટે અર્થઘટન અલગ અલગ? તો શા માટે સ્વીકાર માટેનો સંઘર્ષ? પૃથ્વી પર માનવજાતની શરૂઆત નર અને માદા - આવા બે જેન્ડરથી થઇ છે. ઉત્ક્રાંતિની સાથે શરીરના વિકાસ અને વૃદ્ધિની તરેહ બદલાતી ગઈ, પરંતુ પુરુષ અને સ્ત્રી બંને એકસરખી વાસ્તવિકતા હતી, છે અને રહેશે. તે છતાં સ્ત્રીનું શરીર, સ્વભાવ, શણગાર, સ્થાન, સ્વીકૃતિ અને શોષણ કાયમ ચર્ચાનો વિષય રહ્યાં છે. એનો સીધો અર્થ એ છે કે સ્ત્રી-પુરુષ સમાનતા હજી એના યોગ્ય સરનામે પહોંચી નથી. એરફોર્સમાં પાઇલોટ બનેલી અવની કે ગુજરાત રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી બનેલાં આનંદીબહેન પટેલના ઉદાહરણો આપીને ખુશ થવાય, પરંતુ બૃહદ અને વાસ્તવિક ચિત્ર જોવું હોય તો દરેક શહેરના રેલવે સ્ટેશન આસપાસની વસાહતોમાં, મુખ્ય સડકથી ચાલીસ કિલોમીટર અંદર જીવતા કોઈ નાના ગામમાં નજર કરી આવવી. મહિલા સાથે મહેનત અને મજૂરી જોડાઈ, પણ અભ્યાસ નહીં. પુરુષ જેટલું કામ કરવાનું આવ્યું, પુરુષ જેવું કામ પણ એમાં ઉમેરાયું, પણ જ્યારે ગૌરવની વાત આવી ત્યારે બીજો નંબર. સ્ત્રીની મહાનતાની કથા કરવી અને એને સમકક્ષ માનવી એ બંને વચ્ચે ફરક છે.

  • જે સ્ત્રીમાં આત્મગૌરવ વધુ હોય એને સાહજિક રીતે સમાજ ગૌરવ આપશે જ. જે સ્ત્રીએ સ્ત્રી હોવાને સન્માનની નજરે જોઈ એની ડિક્શનરીમાં શોષણ શબ્દ નથી રહ્યો

ગૌરવ એ મેળવવાનો નહીં, અનુભવનો વિષય છે. જે સ્ત્રીમાં આત્મગૌરવ વધુ હોય એને સાહજિક રીતે સમાજ ગૌરવ આપશે જ. જે સ્ત્રીએ પોતાના સ્ત્રી હોવાની વાતને શરમને બદલે સન્માનની નજરે જોઈ એની ડિક્શનરીમાં શોષણ શબ્દ નથી રહ્યો. આ એ દેશ છે જેમાં સતી લોયણે સ્પષ્ટ ભાષામાં લખેલું, ‘જી રે લાખા, તમારું ધણીપણું ત્યાગો’ અને દરેક વ્યક્તિમાં રહેલ માલિકીભાવનો છેદ ઉડાવેલો. આ એ સંસ્કૃતિ છે જેના શાસ્ત્રોમાં સ્ત્રી માટેના બહુસૃતા, પંડિતા, વિદુષી, દીર્ઘદર્શિની, બુદ્ધિમતી જેવા વિશેષણો પ્રયોજ્યા છે. આ એ સમાજ છે જેમાં નાની ઉંમરે સરોજિની નાયડુએ ૧૩૦૦ પંક્તિની કવિતા ‘ધ લેડી ઓફ ધ લેક’ રચીને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. જે દેશની સ્વતંત્રતા માટે પુરુષોની સાથે સ્ત્રીઓ ઘરની બહાર નીકળી હતી અને આ એ જ સ્વતંત્ર ભારત છે, જેના બંધારણના ઘડતરમાં પંદર મહિલાઓએ પોતાનું યોગદાન આપેલું. અનેક નામો, અનેક જીવનકથાઓ આપણી સામે છે, પરંતુ તકલીફ એ જ છે જે આ દરેક નામ આપણા માટે અહોભાવથી આગળ નથી વધતા. મહાન સફળ મહિલાના નામ ઉદાહરણીયને બદલે અનુકરણીય બને તે જરૂરી છે.

મહાનતા અને સફળતાની શરત છે, આત્મવિશ્વાસ. બીજાની નજરે પોતાની જાતને જોવાની આદત ઘટે અને પોતાની નજરે રોજ એક વખત ઈચ્છા વત્તા વાસ્તવિકતાનું ગણિત ગણાય તો સ્ત્રીત્વની ઉજવણી શરૂ થઈ શકે. મહિલાદિન નજીક આવે એ સાથે જ મહિલા વિશે, મહિલા દ્વારા મહિલાના સન્માન માટેના આયોજન શરૂ થઈ જાય. મહિલાની મહાનતા અંગે પરિસંવાદો યોજાય અને એમાં જે તે ક્ષેત્રમાં સફળ થયેલી મહિલાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે. વર્ષમાં એક દિવસ આવો મહિલા વિશેષ ઊજવાય એમાં કંઈ ખોટું નથી, પરંતુ 365 દિવસ જો સ્ત્રી તરીકે ઉજવવા હોય તો પુરુષ જાતિ સાથે જોડાયેલ પાવરની ઈર્ષ્યા કરવાને બદલે સ્ત્રીજાતિ સાથે જોડાયેલી ગરિમાને સન્માન આપવાનું શરૂ કરો.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી