વુમનોલોજી / કો’ની માતા કો’ની વનિતા, ભગિની ટોળે વળતી

article by megha joshi

મેઘા જોશી

Mar 06, 2019, 12:02 PM IST

પુલવામા એટેકને બાર દિવસ થયા. શહીદની અંતિમ વિદાય, અંતિમ સલામી બાદ લૌકિક ક્રિયા પણ હવે પૂરી થઈ. આક્રંદ અને આંસુ, ખાલીપો અને ઝુરાપા સાથે હવે શરૂ થશે વાસ્તવિકતા સાથેની રોજિંદી લડત. લશ્કરમાં હોવાને કારણે કદાચ એમની પ્રત્યક્ષ હાજરીની ઘરનાંને આદત નહીં હોય, પરંતુ પરોક્ષ રીતે એમની સાથે જોડાયેલી સલામતીની લાગણીનું શું? પોતાના પુત્રને લશ્કરમાં મોકલતા પરિવારને પણ ઘર ચલાવવાનું હોય, લાઈટ બિલ ભરવાનું હોય, બાળકોને ભણાવવાનાં હોય. જેને આપણે સિવિલિયન લાઈફ કહીએ છીએ એવું પણ સામાન્ય જીવન હોય છે. એમના બાળકોને પણ ઢીંગલી અને નાનકડી ગાડીઓ સાથે રમવું હોય, લખોટી રમવાની ઉંમરે એમને ગોળા-બારૂદની માહિતી મળે છે. સૈનિકનો પરિવાર હિંમતવાળો હોયે, સૈનિકના પરિવાર દેશ માટે ન્યોછાવર થઇ જાય, બધું પોરસ ચડે એવું બોલવું ગમે. દુઃખ, ખેદ, આક્રોશ જેવા ઈમોશનને બાજુ પર મૂકીને એ પરિવારના સભ્ય તરીકે વિચારીએ ત્યારે મહાનતા અને વીરતા પાછળ રહી ગયેલ કાયમી સન્નાટો સામે આવીને ઊભો રહે.

  • લશ્કરમાં હોવાને કારણે કદાચ એમની પ્રત્યક્ષ હાજરીની ઘરનાંને આદત નહીં હોય, પરંતુ પરોક્ષ રીતે એમની સાથે જોડાયેલી સલામતીની લાગણીનું શું?

દેશની સેવામાં શહાદત વહોરનાર સૈનિક માતા, પત્ની કે બહેનને પણ આપણી જેમ કે xy ક્રોમોઝોમ જ છે. એમની પરિવારના આત્મીયજન માટેની સંવેદનશીલતા આપણા જેવી જ હોય, એમના હૃદયની ઋજુતા કે સીમા પર લડતા સ્વજનની સુખાકારીની ઈચ્છા પણ આપણા જેવી જ હોય. શહીદની માતા, પત્ની કે બહેન કે અન્ય કોઈ સ્ત્રી તિરંગામાં લપેટાયેલા એમના લાડકવાયાને અંતિમ દર્શન વખતે આંસુ સાથે સલામી આપે છે, એ વખતે વતનને પોતાનું સર્વેસર્વા આપી દેવાનો કદાચ સંતોષ મળતો હશે. એનો અર્થ એ હરગીઝ નથી કે વતન માટેની તેમની પરસ્તીને કારણે એમની એકલતા કે વિવશતાને સરળતાથી પચાવી શકે. બાવીસ વર્ષના સૌથી નાના સીઆરપીએફ જવાન અમિત કુમાર વર્ષ 2017માં લશ્કરમાં જોડાયા. હજી જીવનના સપ્તરંગી ખ્વાબ શરૂ થયા, એ પહેલાં એમની આંખ કાયમ માટે મીંચાઈ ગઈ. છ ભાંડરડાંમાં સૌથી નાનો, છેલ્લે આવેલો ને પહેલા ગયો. કઈ રકમ એની ખોટ પૂરી શકશે? શહીદ વિજયકુમારના બે વર્ષના દીકરાનું બાળપણ પિતાના ખભા વગરનું જશે. મેજર ચિત્રેશના વિવાહ માર્ચની સાતમી તારીખે નકકી કરેલા અને એમાં માતા માટે નવી સાડી લઈને આવશે, તેવો એમણે વાયદો કરેલો.
જીવનની એક નવી શરૂઆત કરતાં પહેલાં જીવનનો અંત આવી ગયો. આઈડીને નષ્ટ કરવાના પ્રયત્નમાં બિષ્ટએ શહાદત વ્હોરી. દરેક પરિવાર વિશેની માહિતી, એમની તસવીરો મીડિયામાં આવે, એને વાંચીને કે જોઈને જીવ બળે અને તે સાથે ક્રોધ, કરૂણાની સાથે એક આમ આદમી તરીકે નિઃસહાયતા સિવાય બીજું શું અનુભવે?
શહીદ થયેલ દેશના રક્ષકના પરિવાર માટે ડિફેન્સ વેલ્ફેર ફંડ અને અન્ય ઘણી સહાયક યોજનાનો સમાવેશ થાય છે. કોર્પોરેટ સેક્ટર અને અન્ય ઘણી સમાજસેવી સંસ્થાઓએ આર્થિક સહાય માટે આયોજન કર્યું. દરેક ચેકમાં લખેલી રકમ એમના નિર્વાહમાં થોડો સમય મદદરૂપ થઇ શકશે. આર્થિક યોગદાન સાથે એમાંનાં એક-બે પરિવાર સાથે સંપર્ક કરીને એમને મળવા જઈએ કે એમના સંતાનનો જન્મદિન યાદ રાખીને ઉજવણીનો ભાગ બનીએ તો? એકલતા ઓઢીને સૂઈ જતી પરિવારની મહિલાને વાત કહેવી હોય, એને સાંભળીએ તો? આ પણ દુઃખ દૂર કરવાના નક્કર ઉપાયો નથી જ. ‘આપણે શું કરી શકીએ?’ જેવા સતત સળવળતા સવાલનો જવાબ મેળવવાની મથામણ છે.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી