Back કથા સરિતા
મેઘા જોશી

મેઘા જોશી

સ્ત્રી-સાંપ્રત (પ્રકરણ - 36)
લેખિકા સ્ત્રીવિષયક મુદ્દાઓ પર કલમ ચલાવે છે.

એકલી દીકરી,અર્ધી રાત અને સલામતી?

  • પ્રકાશન તારીખ19 Feb 2019
  •  

અંધારી અર્ધી રાત્રે તમે ઓશિકાંની બાજુમાં મૂકેલો સેલફોન હાથમાં લો. એમાં કોઈ નંબર ડાયલ કરો અને સામેથી મીઠો અવાજ સંભળાય કે, ‘નમસ્તે, હું તમને શું મદદ કરી શકું?’ તમે મોડી રાત્રે હાઇવે પર ગાડી ચલાવતાં હો અને કોઈ ગેસ સ્ટેશન પર ગાડી અટકાવો ને સસ્મિત ચહેરે કોઈ યુવતી રિસીપ્ટ બનાવીને આપે તો? તમે દર્દથી કણસતા હો અને અથાગ પ્રયત્નો પછી ઊંઘ ના આવતી હોય ત્યારે હોસ્પિટલના બિછાને નર્સ આવીને, કપાળે હાથ ફેરવીને દવા આપીને જાય તો? આ કોઈ કહાનીનો પ્લોટ નથી કે ન તો હસીને કાઢી નાખવા જેવી કોઈ જોકનો પૂર્વાર્ધ છે. ભલે આ પ્રશ્નોના જવાબ અને મનમાં આવતાં પહેલાં પ્રત્યાઘાતનો આધાર તમારા જેન્ડર પર આધારિત હોય અને જાતજાતના વિચાર આવતાં હોય, પણ શક્ય હોય તો એ દરેક યુવતીમાં તમારા પરિવારમાંથી કોઈ છોકરીનો ચહેરો જોઈને પ્રશ્નો રિવાઇન્ડ કરી જવાબ વિચારજો. અંધારું, રાત અને ડ્યુટી સાથે જોડાયેલી સ્ત્રીની સલામતીનું શું? જે અવાજ સાંભળીને કાનને મજા આવે કે જે ચહેરો જોઈને આંખ રાજી થાય એ દરેક ચહેરા પાછળ ડોકાતી અસલામતીની મૂંઝવણનું શું?

  • દીકરીને સાંજ પડ્યે ઘર ભેગી કરાવતાં પરિવારે સલામતી સાથે જરૂર છે યુવતીને વધુ સશક્ત કરવાની!

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર, જાહેર સ્થળોએ, જાહેર વાહનવ્યવહારમાં કે અંગત વ્યવસાયના સ્થળે યુવતીનું જાતીય શોષણ રાત્રે વધુ થાય છે. એક જ વર્ષમાં નોંધાયેલા 15,000 ગુનામાંથી 18થી 30 વર્ષની યુવતીઓ સૌથી વધુ ગુનાનો ભોગ બની. મોટા દવાખાના કે એરપોર્ટ જેવી જગ્યા હજી પણ રાતના સમય માટે સલામત સ્થળ છે. બાકી રાતના સમયે કોઈ પણ જગ્યા ખાસ કરીને એકલી મુસાફરી યુવતી માટે ભયજનક રહી છે. સ્ત્રીને સશક્ત કરવા તરફ ગતિ કરતા આ દેશમાં મહિલાકર્મીઓની સંખ્યા ઘટી રહી છે. સૂર્યાસ્ત પહેલાં નોકરીનો સમય પૂરો થાય અને તે સુખરૂપ ઘરે પહોંચી શકે એ આ દેશની મોટા ભાગની વ્યવસાયિક મહિલા માટે અગ્રતાક્રમે છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં નોકરી કરીને પરત આવતી મહિલાની તસવીર કે ફાઈટર પ્લેન ઉડાવતી અવનીની તસવીર જોઈને સલામત દેશના કોલર ઊંચા કરવાને હજી વાર છે. દેશની અર્ધી વસ્તી અને મહિલા મતદાર માટે રાંધણ ગેસ, કિશોરીઓ અને સગર્ભા કે ધાત્રીઓ માટે પૌષ્ટિક ખોરાક અને કન્યા કેળવણી જેવા વિષય સાથે સરકાર પાસે મહિલા સલામતીનો મુદ્દો હજી નક્કર પગલાં માંગે છે. મહિલા સ્વયં ગુનેગારોની સામે પગલાં લઇ શકે, સ્વરક્ષણ માટે મદદ માંગી શકે તેવી હેલ્પ લાઈન સગવડ શરૂ થઇ છે. છતાં હજી એ સંપૂર્ણપણે કાયદા કે રક્ષક પર ભરોસો નથી મૂકી શકતી. દરેક યુવતીને મહિલા વ્યવસાયી માટેના કાયદાની જાણ હોવી જરૂરી છે. માતૃત્વની રજા, સમાન પગાર ધોરણ, વ્યવસાયની જગ્યાએ મહિલા માટેની ખાસ વ્યવસ્થા સાથેના મહત્વના કાયદામાં રાત્રે કામ કરતી મહિલાની સલામતીનો પણ છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મહિલા વ્યવસાયીઓને સલામતી આપે છે. જે એમ્પ્લોયર મહિલાકર્મીઓને રાત્રિના સમય માટે નિયુક્ત કરે એને પરવાનગી અને એમની સલામતી માટેની બાંહેધરીપત્ર પણ આપવાનાં હોય છે. મહિલાઓ પણ પેપર સ્પ્રે કે અન્ય સ્વરક્ષણ માટેના શસ્ત્રો સાથે રાખે છે, પરંતુ છોકરીના મનમાં સમાંતરે ભય અને તેના પરિવારની ફિકર ઓછી થાય તે માટે સરકારી યોજના ઉપરાંત, એ માટે સુરક્ષા અને સજાના સમીકરણ વધુ સ્પષ્ટ રાખવા જોઈએ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP