વુમનોલોજી / સરોગસી : સંતાનપ્રાપ્તિનું સાયન્સ અને માતૃત્વનું વ્યાપારીકરણ

article by megha joshi

મેઘા જોશી

Feb 12, 2019, 12:05 AM IST

‘એકતા કપૂરને બાબો આવ્યો.’ ‘લે,એના લગ્ન ક્યારે થયા?’ ‘અરે, એ સરોગસીથી મા બની’.’ એક સમય હતો, જ્યારે કુંવારી માતા લાંછનરૂપ કહેવાતી. આજે બોલિવૂડ અને ટેલિવૂડે નવજાત શિશુને વધાવી લીધું. પોતાની માતૃત્વની ઈચ્છા પૂરી કરવા એકતા કપૂરે સરોગેટ મધર એટલે કે કૂખ ભાડે લેવાનો નિર્ણય કર્યો. પિતા જીતેન્દ્રના મૂળ નામ રવિકુમાર પરથી એનું નામકરણ કર્યું.

  • પૈસા માટે કૂખ ભાડે આપતી મહિલામાં નવ મહિના ગર્ભમાં રહેલા શિશુ માટે કોઈ લાગણી નહીં થતી હોય?

આ પહેલાં ભાઈ તુષાર તથા અન્ય બોલિવૂડ સેલિબ્રિટીએ પણ સરોગસીથી બાળક માટેની ઝંખના પૂરી કરી. જે યુગલ કોઈ કારણસર માતા-પિતા ન બની શકે ત્યારે ત્રીજી મહિલાની મદદથી આઇવીએફ ટેક્નોલોજી દ્વારા બાળકનો જન્મ શક્ય બને છે. સામાન્ય રીતે સરોગસીમાં પતિના શુક્રાણુ (સ્પર્મ) અને પત્નીના અંડકોષ (એગ્સ)થી બનેલ કોષયુગ્મ જેની કૂખ ભાડે લીધી હોય એમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. જેથી બાળકના ડીએનએ સરોગસી કરનાર યુગલનાં હોય. સમગ્ર વિશ્વમાં ભારત સરોગસીનું હબ માનવામાં આવે છે. સરોગસીથી બાળક મેળવનાર સેલિબ્રિટી મહિલા અથવા અમીર નિઃસંતાન કપલને બાળકના આગમનની વધામણી મળે છે. વિજ્ઞાનને વંદન કરવાનું મન થાય એવી આ ટેક્નોલોજી છે, પરંતુ પૈસા માટે કૂખ ભાડે આપતી મહિલામાં નવ મહિના ગર્ભમાં રહેલા શિશુ માટે કોઈ લાગણી નહીં થતી હોય? શું ગરીબી મમતાને ગીરવે મૂકી શકે? સરોગસી નિઃસંતાન દંપતી માટે આશીર્વાદરૂપ છે એ સાથું એમાં મજબૂર મહિલાઓનું શોષણ થાય છે?
સરોગસી સાથે સંકળાયેલી સમસ્યાને ધ્યાનમાં લઈને જ સંસદમાં સરોગસી બિલ-2016 પસાર કરવામાં આવ્યું. એક રિપોર્ટ મુજબ, જેમને સરોગસી ટેક્નિક દ્વારા બાળક જન્મની ઈચ્છા હોય તેવા પરિવાર આઈવીએફ સેન્ટરમાં ઘણી મોટી રકમ આપતાં, પરંતુ કૂખ આપનારી મહિલાઓને પ્રમાણમાં ક્ષુલ્લ્ક રકમ જ મળતી. જેના પગલે કેટલાક કાયદા કરાર કરવામાં આવ્યા. જેમ કે, નિઃસંતાન દંપતી કે સરોગસીની સહાય લેનાર માતાએ, એ માટે ડોક્ટરનું સર્ટિફિકેટ ઉપરાંત ઇન્ફર્ટિલિટીનું સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. સંતાનની ઈચ્છા પૂરી કરવાની અને કૂખ ભાડે આપીને ઘરમાં આર્થિક મદદ કરવાની તક સરોગસીનું હકારાત્મક ચિત્ર દર્શાવે છે, પરંતુ અનૈતિક પદ્ધતિ, સરોગેટ માતાના શોષણ અને સરોગસી દ્વારા જન્મેલા બાળકને ત્યજી દેવાના દાખલા સામે આવ્યા. માનવગર્ભનું વ્યાપારીકરણ અને દલાલોનું ષડયંત્ર માતૃત્વને નડ્યું।.

ભારતમાં સરોગસીની વ્યાપક ટીકા થઇ, જેને કારણે જ્યાં સાંવેગિક જરૂરિયાત હતી અને નૈતિક ટ્રીટમેન્ટ થતી હતી, ત્યાં પણ નિયમોના નિયંત્રણ લાગ્યાં. સંતાનની અદમ્ય ઝંખના દત્તક લેવાથી પૂરી થતી હતી, પરંતુ પોતાના ડીએનએ હોય, બાયોલોજિકલ વાલીપણું શક્ય બને અને વંશ આગળ વધી શકે એ થોડા સમય પહેલાં અશક્ય જણાતી હતી. વિજ્ઞાને માણસથી આ જરૂરિયાત પણ પૂરી કરી. તો હવે બીજી ફરજ પૂરી કરવાની જવાબદારી આપણી છે. એ ફરજ છે માનવતાની. સરોગસી માનવજાતને મળેલી વૈજ્ઞાનિક અને સાંવેગિક ભેટ છે, એનો ઉપયોગ વિવેકબુદ્ધિથી કરવાનો છે. સંતાનપ્રાપ્તિ માટેની ઈચ્છા, તે માટે મેડિકલ મદદ બરાબર છે, પરંતુ કોઈ મજબૂર સ્ત્રીના ભોગે હશે તો એ મદદ નહીં, માનવગર્ભનો ધંધો જ કહેવાશે, જે દરેક સમાજ અને સમય માટે શરમજનક છે.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી