વુમનોલોજી / સપ્તપદી: સમજ,સ્વીકૃતિ અને સન્માનનો મંડપ

article by megha joshi

મેઘા જોશી

Feb 05, 2019, 12:05 AM IST

શેરી હોય કે સોશ્યલ મીડિયા, છેલ્લા ત્રણ મહિનાથી વૈવાહિક સંબંધના શણગાર દર્શાવતી તસવીરો દેખાય છે અને શરણાઈના સુર સતત સંભળાય છે. ઈશા, દીપિકા અને પ્રિયંકા જેવી સેલિબ્રિટી કન્યાઓના વિવાહમાં પાનેતરથી માંડીને પાર્ટી સુધી દરેક પાસાંમાં આપણી નજર રહેતી, ક્યારેક નિકના નસીબ માટે કોઈએ નિસાસા પણ નાખ્યા ને ક્યારેક અંબાણીના જમાઈ બનવાના દીવાસ્વપ્નો પણ જોવાયાં.


શાદી બિગ ફેટ હોય કે સ્મોલ થીન, પતિ-પત્ની વચ્ચેનું સાયુજ્ય કેટલું તંદુરસ્ત છે એ મહત્વનું છે. અહીં સાયુજ્ય એટલે સમજ, સ્વીકૃતિ અને એકબીજાનું સન્માન.। આ ત્રણેય સાચા અર્થમાં જળવાય તો જ સ્નેહ ટકી રહે. નવાં-નવાં લગ્ન અને જૂનાં લગ્ન વચ્ચે માત્ર સમયનો તકાજો નહીં, બે વ્યક્તિની સમજદારી અને બંનેનાં એકબીજા સાથેના અનુભવો મોટો ભાગ ભજવે છે. લગ્નજીવનની શરૂઆતમાં સ્પર્શથી માંડીને કપડાં-દાગીના બધું જ નવું હોય, એટલે એમાં ગમા-અણગમાને ઓછો અવકાશ રહે છે. જેમ બંને વ્યક્તિઓ એકબીજા સાથે જીવવાનું શરૂ કરે છે, નાવીન્ય ઓછું થતું જાય છે. ઓળખાણની સાથે ઘરેડ ઉમેરાતી જાય છે. સંબંધની મજબૂતી માટે એકબીજાની હોશિયારી અને દેખાવને પ્રેમ કરવાને બદલે એકબીજાની નબળાઈને જાણીને સમજવી વધુ જરૂરી છે.

  • અન્યના વિચારો અને વર્તનને જાણવું જરૂરી છે, પણ એ માટે પહેલી જરૂરિયાત છે પોતાના વિચારોને ઓળખવાની. આ બાબત એવી છે જેમાં વ્યક્તિએ પોતાનું જ માર્ગદર્શન લેવું જોઈએ

જીવનસાથીની પસંદગી વખતે જે મુદ્દાઓ મોખરે રહેતાં એ હળવેકથી ખસી જાય છે. ચશ્માંની ફ્રેમ, બ્રાન્ડેડ કપડાં, લેટેસ્ટ મોડેલની ગાડી આકર્ષિત કરે કે રોજ સવારે વ્હોટસ એપમાં આવતી રોમેન્ટિક શાયરી ઝણઝણાવી મૂકે એ ઉંમરનો તકાજો હશે, પણ આ બધાં બાહ્ય આકર્ષણની એક્સપાયરી ડેટ બહુ જલ્દી આવી જાય છે, જ્યારે એ ઊતરી જાય ને અંદર ખાલીખમ હોય ત્યારે જીવનમાં પડેલો ખાડો અને ખાલીપો પૂરવો અઘરો થઇ પડે. જીવનસાથી પ્રેમના પરિણામસ્વરૂપ મળે કે મળ્યા પછી પ્રેમ થાય એ બંને હેમનું હેમ જ છે.

જરૂર છે સમજણપૂર્વકની ભાગીદારીની. હા, જીવનનો સૌથી લાંબો તબક્કો જે વ્યક્તિ સાથે જીવવાનો છે એની સાથે સમજણનો સંબંધ અનિવાર્ય છે. માત્ર યુવાનીની મસ્તી કે રોમાન્સ નહીં, પણ પ્રૌઢાવસ્થાનું ઠરેલપણું કે ઘડપણની પરતંત્રતા જેની સાથે જોડાવાની હોય એ જ વ્યક્તિ ગમતી ન હોય કે અરસપરસ સ્વતંત્ર વિચારોનું સન્માન ન જળવાય તો બેંક બેલેન્સ, કોફી ડેટ, રાતભરની પિલો ટોક, મોરેશિયસનું હનિમૂન, એનિવર્સરી ગિફ્ટ બધું ધોવાઈ જાય છે.


જીવનસાથી નક્કી કરવા માટે મનમાં શું નક્કી થયેલું હોય છે એ જાણવું ખૂબ જરૂરી છે. બીજાને જીવનનો એક મહત્વનો ભાગ આપવા માટે, આખા જીવનની ભાગીદારી કરવા માટે વિચાર તો કરવો પડે એટલે એ માટે વિચારોનું હોવું જરૂરી છે. પહેલાં યુવાન થતાં દીકરા-દીકરીને આ વિશે વિચારવાનું ભાગ્યે જ આવતું. આ પેઢીમાં ખોટી-સાચી ગમે તે પણ વિચારોની ક્લેરિટી છે. પોતાને શું જોઈએ છે અને શું ગમે છે એ નિખાલસતાથી, વિના સંકોચ કહી શકે છે.

અન્યના વિચારોને અને વર્તનને જાણવું ચોક્કસ જરૂરી છે, પણ એ માટેની પહેલી જરૂરિયાત છે પોતાના વિચારોને ઓળખવાની. આ એક બાબત એવી છે જેમાં વ્યક્તિએ પોતાનું જ માર્ગદર્શન લેવું જોઈએ. મેરેજ નામની ઇવેન્ટને ખિસ્સાં અને શોખ મુજબ અલગ અલગ થીમ દ્વારા ઊજવવામાં આવે છે. આ એક ઇવેન્ટ એવી છે કે એના પછી બે જણની આદતો, તેમનો ઉછેર, નબળાઈ, તાકાત સામસામે કે સાથે આવીને ઊભાં રહી જાય છે. માત્ર શરીર જ નહીં, વ્યક્તિત્વ, માનસિકતા અને મન નગ્ન થઇ જતાં હોય છે, ત્યારે સમજણ અને પરિપક્વતા સાથ આપે છે. લગ્નપ્રસંગ ભલે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપીને ધામધૂમથી ઉજવો, પણ બે વ્યક્તિ વચ્ચેના સંબંધની ઉજવણી માટે એકબીજાની કંપની(સંગાથ) ઓછા ભારરૂપ લાગવી જોઈએ।.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી