વુમનોલોજી / સ્ત્રીની જરૂરિયાત : શરીરથી સ્નેહ સુધી...

article by megha joshi

મેઘા જોશી

Jan 29, 2019, 12:05 AM IST

આચાર્ય રજનીશના ઓડિયો લેક્ચર સિરીઝ સાથે એક પુસ્તક આવેલું, ‘સંભોગ સે સમાધિ કી ઓર’ જેની ખૂબ ચર્ચા થઇ, ઘણાબધા લેખકો અને વક્તાઓ એની વાર્તા કરીને ન્યાલ થઇ ગયા. એક સરેરાશ ભારતીય સ્ત્રીને મગજમાં પ્રસ્થાપિત કરીને પુસ્તક લખવાનું વિચારું, તો એનું શીર્ષક હશે, ‘સેક્સ ટુ સેલ્ફ એસ્ટિમ’, ‘સંભોગ સે સ્વગૌરવ તક’.

  • સ્ત્રીની દરેક ક્રિયા કુદરતી છે, પણ તેનાથી મોટી ઇચ્છા એને સ્નેહ પ્રાપ્તિની હોય છે

સ્ત્રીના શરીર અને શારીરિક સબંધ માટેની શરમ એને સંતોષની ગેરમાન્યતા તરફ દોરી જાય છે. સામાજિક સ્વીકૃતિ અને સ્ત્રીના રોલ સાથે જોડાયેલી અપેક્ષા ભેગાં થઈને શારીરિક જરૂરિયાત જેવા સંપૂર્ણ નૈસર્ગિક પાસાંને અવગણે છે. શરીરની જરૂરિયાતને સંતોષ આપ્યા વગર પ્રેમ, સમર્પણ, ત્યાગ, મમતા, સ્નેહ જેવી કોઈ પણ સાંવેગિક પરિસ્થિતિમાં સંતોષ મેળવવો એ આમ તો વૈજ્ઞાનિક રીતે શક્ય નથી. વાત માત્ર વિજાતીય સંબંધના સંતોષની નથી. તમે સ્ત્રીની જરૂરિયાતની યાદી વાંચી છે?


સમગ્ર વિશ્વને જરૂરિયાત અને વર્તન સંબંધિત થિયરી આપનાર સાયકોલોજિસ્ટ અબ્રાહમ માસ્લોના મત મુજબ, દરેક મનુષ્ય સૌથી પહેલાં તેની શારીરિક જરૂરિયાતને સંતોષ આપવા માટેનું વર્તન જ કરે. જેવી કે ભૂખ, તરસ, ઉત્સર્જન અને વિજાતીય શારીરિક સંબંધ માટે જરૂરી વર્તન. ત્યાર બાદ તે સલામતી ઝંખે, જેમાં તે કુદરતી આફત અને શત્રુઓથી સલામતી મેળવવા એક છાપરું શોધે. એ પછી ત્રીજો નંબર આવે પ્રેમ, લાગણી અને પરિવારનો. જેમાં સંવેદના અને લાગણીના અરસપરસ આદાન-પ્રદાનમાં સંતોષજનક અનુભવો લેવાના હોય છે. એ પછી સ્વમાન અને આત્મગૌરવ માટે વ્યક્તિ રોજિંદો વ્યવહાર કરે અને સૌથી ઉચ્ચતમ જરૂરિયાત એટલે સેલ્ફ એક્ચ્યુલાઈઝેશન.


આ થિયરીને આધારે સ્ત્રીના જીવન અને વર્તનને જુઓ. મેસ્લોએ વર્ષો પહેલાં આ થિયરી સમગ્ર માનવજાત માટે જ આપી છે અને એમાં કોઈ જેન્ડર બાયસ હોઈ ના શકે. છતાં ક્યારેક સમાજનું જૂનવાણીપણું કે ક્યારેક પુરુષની હેવાનિયત સ્ત્રીને ‘માણસ’ તરીકે સ્વીકારવા તૈયાર નથી, એ જ રીતે સ્ત્રી પણ જાણે માણસ ના હોય એવું વર્તન કરી બેસે છે. એક નાનું ઉદાહરણ કહુંં તો, મજબૂરીને લીધે, ક્યારેક બાળકો માટે કે પરિસ્થિતિને આધીન સ્ત્રી સૌથી પહેલાં પોતાના પેટ પર પાટા બાંધે છે. ઉત્સર્જનક્રિયા જેવી સંપૂર્ણ કુદરતી પ્રક્રિયામાં પણ શરમ આડે આવીને ઊભી રહે છે.

જ્યાં સુધી સલામત જગ્યા ના મળે ત્યાં સુધી એ પોતાની આ કુદરતી જરૂરિયાતને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામે હજારો મહિલાઓ મૂત્રાશય અને ગર્ભાશયની સમસ્યાથી પીડાય છે. મળસ્કે પ્લાસ્ટિકના ડબલાં લઈને જતી મહિલાઓના તો યુરિન ટેસ્ટ કે ‘પેપ સ્મીયર’ ટેસ્ટ પણ શક્ય નથી. ત્રીજી જરૂરિયાત વિજાતીય સંબંધમાં સંતોષની. જે શરમની સાથે પાપના દાયરામાં હોવાથી એ વિશેની વાત કે ફરિયાદ કરવી સ્ત્રીઓ માટે સૌથી અઘરા કામમાં આવે.

શરીર આપણી સૌથી પહેલી અને છેલ્લી વાસ્તવિકતા છે, એને અવગણીને ઊભું કરેલ કલ્પના જગત બેબુનિયાદ હોય છે. સ્ત્રી માટે શરીરથી મોટી ઈચ્છા સ્નેહની હોય છે. એને લખવું-વાંચવું અને બોલવું ચોક્કસ ગમે, પરંતુ શરીરની દરેક ક્રિયા કુદરતી છે. આથી જ શરીરને ના સાંભળવું એ કુદરતથી વિરુદ્ધ જવાની વાત છે.

સ્ત્રીની આંતરિક વાયરિંગ સિસ્ટમમાં ઘણાબધા જોડાણ એવા હોય છે કે જેનાથી શોટ સર્કિટ થાય, તણખા ઝરે, પરંતુ મનની અંદર હોવાથી નરી આંખે દેખાય તેવી આગ જવલ્લે જ લાગે. આ અસંતોષની આગ એના રોજિંદા જીવન, શરીર અને મનના સ્વાસ્થ્ય અને તેના દરેક સંબંધોમાં પ્રતિબિંબિત થાય છે. શરીર કહે ત્યારે મૂત્રનો ત્યાગ ના કરી શકતી સ્ત્રી પાસેથી જાતજાતના ત્યાગની અપેક્ષા કરતા સમાજે અને સ્ત્રીએ સમયસર ચેતી જવાની જરૂર છે.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી