દિવ્યાંગ : સંબોધન નહીં સમજ હોવી જોઈએ

article by megha joshi

મેઘા જોશી

Dec 04, 2018, 12:04 AM IST

‘વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને વધુ સક્ષમ કરવી અને તેમને સમાનતા અને સંમિલિત સમાજની બાંહેધરી આપવી’ વિશ્વ વિકલાંગતા દિવસ - 3 ડિસેમ્બર, 2018નો આ વૈશ્વિક સંદેશ છે. સમગ્ર વિશ્વમાં ત્રણ ડિસેમ્બરથી એક સપ્તાહ વિકલાંગતા અંગેની જાગૃતિ, સમજ, સવલતો અને સહાય જેવાં વિવિધ સ્વરૂપે ઊજવાય છે. ક્યાંક બેનરો લઈને રેલી નીકળે છે, ક્યાંક વિકલાંગ વ્યક્તિઓને મંચ ઉપરથી સાધનોની સહાય કરવામાં આવે છે, જે જરૂરી પણ છે જ.

વિશ્વ વિકલાંગ દિવસ-સપ્તાહની ખરી ઉજવણી સમાજની માનસિકતા અને દૃષ્ટિકોણ બદલવાથી જ થઈ શકે

શિક્ષણ અને નોકરીમાં વિશેષ અધિકાર આપવા અને એમાં જીવનને સંઘર્ષમુક્ત કરવા સરકાર અને સમાજસેવી સંસ્થા પ્રયત્નશીલ હોય છે. સરકાર એમની આર્થિક જોગવાઈ મુજબ સહાય કરશે અને વિવિધ યોજનાઓ અમલમાં મૂકશે. વિકલાંગ વ્યક્તિઓને સમાજમાં અને દરેક ક્ષેત્રે સંમિલિત કરવા માટે મુખ્ય જરૂરિયાત માનસિકતા બદલવાની છે. અમુક ખાસ દિવસે વિકલાંગ વ્યક્તિને મદદ કરી, એમની સાથે ફોટા પડાવી, સોશિયલ મીડિયા પર અપલોડ કરવાથી બે-પાંચ ઘડીની લાઇક મળશે. એમના જીવનના બદલાવમાં જો તમારો હિસ્સો હશે તો જીવનપર્યંત એક સંતોષ સાથે રહેશે.


27 ડિસેમ્બર, 2015ના રોજ પ્રધાનમંત્રીની ‘મન કી બાત’માં વિકલાંગને બદલે ઈશ્વરીય ભેટ ધરાવતી વ્યક્તિઓ એટલે ‘દિવ્યાંગ’નો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો. ચેન્નઈમાં વિકલાંગ વ્યક્તિના ન્યાય અને અધિકાર માટે સંસ્થા ચલાવતી અપંગ સ્ત્રી મીનાક્ષી બાલાસુબ્રમણ્યમે પ્રધાનમંત્રીને સવાલ કર્યો હતો, ‘અમારી અક્ષમતાને દૈવીશક્તિ સાથે શું લેવાદેવા છે? અને ધારો કે તમે નામ બદલશો તો અમારી સાથે જોડાયેલું લેબલ દૂર થશે? વિકલાંગ અને સામાન્ય વચ્ચેનો ભેદભાવ ઓછો કરશે? અમારાં નામ સાથે જોડાયેલા લેબલિંગની સમસ્યાનું શું?’


યુ એન દ્વારા વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટેના આંતરરાષ્ટ્રીય કન્વેન્શનમાં જે નિર્ણય લેવાયા એના અમલ માટે ભારતે પહેલ કરી. વિકલાંગ વ્યક્તિઓને અભ્યાસ, નોકરી, ભારતીય નાગરિક તરીકેના મૂળભૂત અધિકારો, વિશેષ સવલતો ઉપરાંત તેમની વિકલાંગતાના નામકરણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. લૂલો-લંગડો, બહેરો-મૂંગો, આંધળો અપમાનજનક છે. તેમની વ્યક્તિત્ત્વનો પ્રથમ સ્વીકાર થવો જોઈએ. એમને એમના નામથી બોલાવવા જોઈએ. એવા ઉદ્દાત હેતુથી સમગ્ર વિશ્વમાં વિકલાંગ વ્યક્તિ માટે વિવિધ સંબોધનો અને વિશેષણો વિશે ચિંતા અને ચર્ચા થઈ.

ભારતમાં 1995માં PWD એક્ટ બાદ વિકલાંગ વ્યક્તિના દરેક ક્ષેત્રે વિશિષ્ટ લાભ, વિશિષ્ટ શિક્ષણ અને વિશિષ્ટ તાલીમનું સરકારે અમલીકરણ કર્યું ત્યારથી તેમને વિશિષ્ટ વ્યક્તિ, સ્પેશિયલ વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવ્યા. આ ઉપરાંત તેમની જે તે અક્ષમતા સાથે પડકાર એટલે કે ચેલેન્જ્ડનો ઉમેરો થયો. દક્ષિણ ભારતમાં વિકલાંગતા હિમાયતી જૂથ દ્વારા તેમને ડિફરન્ટલી એબલ્ડ કહેવાનો આગ્રહ રાખવામાં આવ્યો. ભારત દેશમાં હિન્દી તથા અન્ય પ્રાદેશિક ભાષામાં સરકારી ધોરણે પ્રથમવાર ડિસેબલને દિવ્યાંગ શબ્દની ભેટ મળી છે.


જો એક વિકલાંગેે ખરા અર્થમાં દિવ્યાંગ શબ્દ જીવવો હોય તો સૌથી પહેલાં પોતાની જાતની દયા ખાવાની બંધ કરવી જોઈએ અને અન્યની દયાને બદલે જરૂર પડે ત્યારે સહાયની અપેક્ષા રાખવી જોઈએ. વિકલાંગતા એ નુમાઈશની વસ્તુ નથી. જો ખરેખર એક વિકલાંગ વ્યક્તિને દિવ્યાંગ કહેવી હોય તો તેને સામાન્ય માણસ સમજવો એ પહેલું પગલું છે.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી