ઘમ રે ઘમ ઘંટી, બાજરો ને બંટી

article by megha joshi

મેઘા જોશી

Nov 27, 2018, 12:05 AM IST

ઘમ રે ઘમ ઘંટી, બાજરો ને બંટી,
ઝીણા દળું, તો ઊડી ઊડી જાય,
જાડું દળું તો કોઈ ના ખાય.


પથ્થરના બે થાળા વચ્ચે અનાજના દાણા ગોળ ફરતા જાય, પીસાતા જાય ને એ સાથે જીવનનું સંગીત સંભળાય તો? એ સંગીતમાં સામાજિક સંબંધો, ઐતિહાસિક કથાઓ અને તેનાં પાત્રો, શાસ્ત્રો અને ધર્મગ્રંથના ઉપદેશો, પૌરાણિક સમયની વાતો અને જીવનલક્ષી બાબતો લોકબોલીમાં સાહજીકતાથી ગૂંથાઈ જાય. આ અનાજ દળવા સાથે ગૂંથાયેલાં ગીતોની વાત પહેલી નજરે ભલે ઇતિહાસ જેવી કે જૂની લાગે, પરંતુ એ આજની વાત છે. પૂણેના સામાજિક વિજ્ઞાન વિષયના સહકારી સંશોધન કેન્દ્રમાં 1996ની સાલમાં ઘંટીનાં ગીતોના પ્રોજેક્ટની શરૂઆત થઈ. ગ્રામ્ય વિસ્તારમાં, ખાસ કરીને પહાડી પ્રદેશ, વન વિસ્તાર, ભૌગોલિક દૃષ્ટિએ અંતરિયાળ વિસ્તારની મહિલાના સશક્તિકરણ અને સ્વ અભિવ્યક્તિને સમજવા માટે આ ઘંટીગીતો અર્થપૂર્ણ માધ્યમ બન્યા. 1107 ગામની કુલ 3,302 મહિલાઓએ ઘંટીગીતો ગાયાં અને તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું. ‘પરી’ (પીપલ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયા) એ ગામડાની પરીઓએ(મહિલાએ) ગાયેલી જીવનલક્ષી વાતોનું સંવધર્ન કરવાનું કામ ઉપાડયું. પરીના એડિટર, લેખક ખાસ કરીને ઉર્દૂ, બંગાળી, કન્નડ અને ગુજરાતી જેવી ભાષામાં ભાષાંતર પ્રોજેક્ટ સંભાળનાર નમિતા વેઇકરે મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સૂરીલો વિશ્વાસ આપ્યો. મહિલાઓ દ્વારા વિશેષ ગવાતાં ભજનો, લોકગીતો, લોકસાહિત્યમાં ધબકતા જીવનને ડિજિટલ યુગમાં જીવંત કર્યું.

મોલમાંથી તૈયાર લોટ લાવતી આધુનિકા અને ગોળાકાર બેસી અનાજ દળતી ગીતો ગાતી ગ્રામ્ય સ્ત્રી વચ્ચે તફાવત મોટો લાગે

ઘંટીના ઉપયોગ વખતે ગવાતાં ગીતોને ભેગાં કરવાં, એનું વિવિધ ભાષામાં ભાષાંતર કરવું, વિષય પ્રમાણે વર્ગીકરણ કરવું અને વેબસાઇટ પર મૂકીને વિશ્વ સમક્ષ મૂકવા એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. જેના ભાગરૂપે 10,000થી વધુ ગીતો વેબસાઇટ પર મૂકવામાં આવ્યાં. આ ગીતોમાં રાજકારણ, જાતિભેદ, લિંગભેદ જેવા સામાજિક મુદ્દાઓ સમાજશાસ્ત્રના વિદ્યાર્થી માટે સંશોધન અને રસનો વિષય બની રહે તેવા છે. આજે ભાગ્યે જ કોઈ ઘરમાં ઘંટીના પથ્થર જોવા મળે છે અને અનાજ દળવું એ આજની પેઢી માટે દૂરનો ભૂતકાળ લાગે તેમ છે. આવનાર વર્ષોમાં કદાચ ઘંટી પર અનાજ દળતી સ્ત્રી દંતકથાનું કાલ્પનિક પાત્ર લાગશે, તેવા સમયે નમિતાએ આ દળવા સાથે ગવાતાં ગીતોના સંવર્ધનનું કામ હાથમાં લીધું. સમગ્ર વિશ્વ સામે અને ખાસ કરીને સ્ત્રીની આવનારી પેઢી માટે આ ગીતો નક્કર રેફરન્સ રહેશે. સમાજજીવન, સ્ત્રીઓનું સ્થાન, કામ, સ્ત્રીની જવાબદારી, સમાજની અપેક્ષા જેવા સંવેદનશીલ અને સમજવાલાયક મુદ્દાઓ માત્ર યુનિવર્સિટીની કોન્ફરન્સમાં જ ચર્ચાય એ જરૂરી નથી. બાળકના જન્મ, ઉછેર અને વિકાસની વાત કરતું ગીત જ્યારે ડોશીમા ગાય ને બાજુમાં બેઠેલી પરિણીતા સાંભળે ત્યારે એમાં સંગીત, ટાઇમપાસ કે પંચાત નહીં, પણ સાહજિક રીતે માતૃત્વની તાલીમ હોય છે. જ્યારે પછાતવર્ગને કે અમુક વર્ણને અન્યાયની વાત ગવાય છે ત્યારે એમની આવનારી પેઢીને એનાે માર્ગ શોધવાનું આહ્્વાન આપવામાં આવે છે. કુદરતના કરિશ્મા અને દૈવી શક્તિના પરચાની વાત ગવાય ત્યારે આ સૃષ્ટિ પરનાે વિશ્વાસ વધારવાનો સંકેત હોય છે.


વારસો સાચવવો એટલે એના અર્થ અને ઉપયોગિતાને જે તે સમયગાળામાં સમજવી. મોલમાંથી તૈયાર લોટ લાવતી આધુનિકા અને ગોળાકારમાં બેસી અનાજ દળતી વખતે ગીતો ગાતી ગ્રામ્ય સ્ત્રી વચ્ચે દેખીતો તફાવત મોટો લાગે. આજની સ્ત્રીને ઘંટી જ અપ્રસ્તુત લાગે તો એનાં ગીતો ક્યાંથી નજીકના લાગે? જો પરિવારમાં દાદીમા કહી શકાય તેવી કોઈ મહિલા હોય તો એને આવા કોક ગીત વિશે પૂછજો, જીવનનો રંગ એમાં ચોક્કસ મળશે. અનાજ દળતી વખતે ગવાતાં ગીતો એટલે સમાજની તસવીર અને મહિલાનું કેથાર્સીસ.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી