ઇવ ટીઝિંગ : પુરાવા વગરના બળાત્કાર

article by megha joshi

મેઘા જોશી

Nov 20, 2018, 12:05 AM IST

‘છોકરી સાથે અડપલાં કરનાર ચહેરાને ડામર લગાડી, માથે જૂતાં મૂકી ગામમાં ફેરવ્યો.’ રોડ રોમિયો ટોળાએ ઢોરમાર મારી પોલીસને હવાલે કર્યો. મહિલા સાથે જોડાયેલા આવા સમાચાર આપણા માટે નવા નથી. આપણને એની આદત પડી ગઈ છે. સડકની બાજુએ આવતા સિસોટીના અવાજ, એ સાથે અશ્લીલ ભાષાનો ઉપયોગ કે બીભત્સ ઇશારાને અવગણવાનું નાનપણથી જ દીકરીને શીખવવામાં છે. જગતની પહેલી સ્ત્રી ‘ઇવ’ પરથી ઇવ ટીઝિંગ શબ્દપ્રયોગ શરૂ થયો. જાહેર સ્થળોએ મહિલા સામે બીભત્સ ઇશારા કરવા, અશ્લીલ શબ્દપ્રયોગ કરવા, ચેનચાળા કરવા, અશ્લીલ ફોટા બતાવવા, પીછો કરવો, યુવતીના જાતીય અંગ તરફ અંગુલી નિર્દેશ કરવો જેવાં વર્તનો ‘ઇવ ટીઝિંગ’ના ગુનામાં આવરી લેવામાં આવે છે. ખાસ કરીને અજાણ્યા શખ્સ દ્વારા આ પ્રકારનાં વર્તન થાય છે. ભારતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં છેડછાડની ઘટના કાયમ છે. ભાગ્યે જ કોઈ યુવતી કે સ્ત્રીને ઇવ ટીઝિંગનો અનુભવ નહીં હોય. હવે તો બાળકીમાંથી કિશોરી બને ત્યારથી જ બદલાયેલી નજર એને જુવાન બનાવી દે છે. રોજિંદા રસ્તે પસાર થતા અવાજ સંભળાય કે પીછો થતો લાગે તો એ મોટેભાગે રસ્તો બદલી નાખે છે, પણ પેલો અવાજ બંધ નથી થતો.

બદનામીની બીકે મોટાભાગની યુવતીઓ ચૂપ રહે કે અંદરથી પીડાય અને કાં એ સ્થળ કાયમ માટે છોડી દે છે

સીસીટીવી કેમેરા, જાગૃત દીકરીઓ અને સંવેદનશીલ સમાજને કારણે રોડરોમિયોના બુરા હાલ થાય છે, એની ના નહીં, પણ ક્યારે? જ્યારે છોકરી હિંમત કરીને વિરોધ નોંધાવે. જેનું પ્રમાણ ઘણું ઓછું છે. બદનામીની બીકે મોટાભાગની યુવતીઓ ચૂપ રહે કે અંદરથી પીડાય અને કાં એ સ્થળ કાયમ માટે છોડી દે છે. બદલાયેલા સ્થળે કોઈ જ લંપટ નહીં હોય એની ખાતરી નથી.
સતત તાકી રહેતાં અને આંખ મળે તો કામુક ઇશારા કરતા પુરુષોને પકડવા અઘરા છે. દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ કરી સહકર્મચારીને-ખાસ કરીને પોતાનાથી જુનિયર સ્ત્રીને જાતીય શોષણ કરનારાને કાનૂની સજા આપવા માટે લાંબી પળોજણમાં પડવું પડે, આથી જ મોટેભાગે મહિલાઓ આંખ આડા કાન કરે. કોઈ પણ પરિવારમાં દીકરી જન્મે તે પછી એની ઉછેરની પ્રક્રિયામાં બધું શિખવાડવાની જવાબદારી માતાની હોય છે. બાળકીમાંથી છોકરી, છોકરીમાંથી યુવતી અને યુવતીમાંથી સ્ત્રી બનવાની પ્રોસેસમાં એના શારીરિક ફેરફાર અને જીવનમાં આવતા નાના-મોટા ભયસ્થાન અંગેની માહિતી પરિવારની મહિલાઓ કે સ્કૂલ-કોલેજમાં સંપર્કમાં આવતી મહિલાઓ જ આપે છે. આ માહિતીમાં દરેક પ્રકારના‘dos અને donts’નો સમાવેશ થાય છે, પરંતુ પાનને ગલ્લે, ભીડભાડવાળી જગ્યાએ છોકરી સાથે અણછાજતું વર્તન થાય ત્યારે ચુપકીદી.


દિલ્હીમાં નિર્ભયા કેસ બાદ મહિલા માટે વિશેષ મેટ્રોની વ્યવસ્થા થઈ. મુંબઈમાં પણ ગુલાબી રિક્ષા, મહિલા ટેક્સી ડ્રાઇવરની જોગવાઈ થઈ. સરકાર દ્વારા મહિલા પોલીસ સ્ટેશન, મહિલા હેલ્પલાઇન નંબર અમલમાં મુકાયા, ગુજરાતમાં અભયમ એપની શરૂઆત થઈ, જેમાં 181 બટન દબાવવાથી મહિલાના પાંચ સગાંસંબંધીને મેસેજ પહોંચી જાય છે. આ હેલ્પલાઇનમાં સંપર્ક કરનાર મહિલાની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. જે રીતે વ્યવસાયમાં શોષિત મહિલા ‘મી ટૂ’ ચળવળ ચલાવી રહી છે, એ જ રીતે ‘ઇવ ટીઝિંગ’નો પ્રતિકાર કરવો જરૂરી છે. જે તે સમયે કે સ્થળે નિ:સહાય હો તો હેલ્પલાઇનનો ઉપયોગ કરો. જાહેર સ્થળોએ તો પ્રતિકાર આસાન છે, ટોળું ભેગું કરો. શોષણનો ઉપાય શક્તિ છે.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી