પુરુષોએ કર્યું જીવિત પત્નીના નામનું ગંગાસ્નાન

article by megha joshi

મેઘા જોશી

Sep 18, 2018, 12:05 AM IST

વારાણસીમાં ગંગાજીના કિનારે એક એવી ઘટના બની જે ક્યારેય થઈ નહોતી કે ન ક્યારેય કોઈએ વિચારેલી. એકસામટા દોઢસો પુરુષોએ ખરા અર્થમાં એમની પત્નીના નામનું નહાઈ નાખ્યું. સમગ્ર જીવનનાં પાપ ધોવા ગંગાજીમાં ડૂબકી મારવી અને અંતિમ યાત્રાએ જતા પહેલાં મોંમાં ગંગાજળ આપવાથી જીવ અને શરીરનું સંપૂર્ણ શુદ્ધીકરણ થાય એવી ધાર્મિક માન્યતા છે. એવી જ એક માન્યતાને ધ્યાનમાં રાખીને ભારતના દોઢસો પુરુષોએ નારીવાદનો વિચાર અને પત્નીની હાજરીને વિધિવત્્ વિદાય આપી. આ સમાચાર વાંચીને આત્યંતિક પ્રતિક્રિયા શરૂ થઈ. આ એક ઘટનાનું પૃથક્કરણ કરતાં પહેલાં અને કોઈ પણ નિર્ણય પર આવતાં પહેલાં એના તળ સુધી જઈએ.

માની લઈએ કે એ દોઢસો મર્દો જુલમના શિકાર બન્યા હશે. છતાં વિકાસશીલ દેશમાં આ અંતિમ વિધિ યોગ્ય છે? જે સ્ત્રીને અર્ધાંગિનીનું સ્થાન આપ્યું હોય એનો અંત જીવતેજીવ ‘પિશાચિની’ કહી ગંગાસ્નાન દ્વારા આવે, એ શું સૂચવે છે?

સ્ત્રીત્વ, નારીવાદ અને સ્ત્રી સશક્તિકરણ અંગે ઘણું લખાય છે અને ચર્ચાય છે. મહિલાના શોષણ અંગે ચિંતિત સમાજ અને સરકાર દ્વારા વિવિધ સહાયક યોજના ઘોષિત થાય છે. મોટાભાગના વિકસિત દેશમાં કાયદા અને ન્યાયતંત્ર મહિલાની તરફેણમાં હોય છે. એવા આ સ્ત્રી તરફી સમયમાં એક વર્ગ એવો છે જેમાં પીડિતોની સંખ્યા વધતી જાય છે. આ વર્ગ એટલે નારીવાદ પીડિત પુરુષવર્ગ. થોડા સમય પહેલાં એક સો ને પચાસ પુરુષોએ વારાણસીની દિશા પકડી.

ભારતીય પરિવારને બચાવવા માટે કાર્યરત સંસ્થા ‘સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશન’ પુરુષ અને પરિવારને સલામતી આપવાનું કામ કરે છે. ભારતના દરેક કાયદા એકતરફી, પુરુષોને અન્યાયકર્તા હોવાનું આ સંસ્થાના પુરુષોનું માનવું છે. એમના મત મુજબ ભારતમાં નારીવાદને કારણે પરિવારો ભાગે છે અને સ્વતંત્ર સ્ત્રીઓ નારીવાદને કારણે સહનશક્તિ ખોઈ બેસે છે. મૂળ વાત એ છે કે એમાંના ઘણા પુરુષોને કાયદાને કારણે વર્ષો સુધી શોષણ અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો. પુરુષોના અધિકાર માટે લડતા અમિત દેશપાંડે જે સુખી લગ્નજીવન ધરાવે છે, એમણે અન્ય પત્નીપીડિત પુરુષોને તેમના સંઘર્ષ અને શોષણનાં સ્મરણો, વૈવાહિક જીવનની નિષ્ફળતાનો ધાર્મિક રીતે અંત લાવવાનું નક્કી કર્યું. પોતાની જીવિત પત્નીની યાદને જીવનમાંથી કાઢી નાખવા આ વિધિવિધાન કરવામાં આવ્યાં. આનું નામ અપાયું ‘પિશાચિની મુક્તિપૂજા’.


જે સ્ત્રીને અર્ધાંગિનીનું સ્થાન આપ્યું હોય એનો અંત એના જીવતેજીવ ‘પિશાચિની’ કહી ગંગાસ્નાન દ્વારા આવે, એ શું સૂચવે છે? એક મહિલા તરીકે લોહીનું દબાણ વધી જાય ને મગજમાંથી ધુમાડા પણ ઊડવા માંડે. કિન્તુ વેઇટ, સિક્કાની બીજી બાજુ પણ જોઈએ. દેશનું સંવિધાન ઘડાયું અને નવેસરથી કાયદા ઘડવાની ચર્ચા થઈ ત્યારે મહિલા માટે વિશેષ સવલત અને સલામતી આપવાની તરફેણ થઈ અને એ પ્રયત્ન હજી ચાલુ જ છે. આ દેશમાં મહિલાના સમાન અધિકાર માટે સમયાંતરે નવા કાયદા અને જૂના કાયદામાં ઉમેરણ થતું આવ્યું છે. અલબત્ત, અહીં મુદ્દો એ છે કે મહિલાને સલામતી આપવા ઘડાયેલ કાયદાનો દુરુપયોગ મહિલા અને તેના પરિવાર દ્વારા થાય છે એનું શું? દહેજ અને અન્ય ઘરેલુ હિંસાના ગુના સબબ પુરુષ અને તેના સમગ્ર પરિવારને જેલના સળિયા ગણાવવાની ધમકી આપતાં સ્ત્રીઓના ‘હિતેચ્છુ’ પણ છે. હવે શા માટે અને કયા સંજોગોમાં આવા નિર્ણયો લેવાતા હશે, એ પછીની વાત છે.

પોલીસખાતાએ પણ કબૂલ્યું છે ઘણા કિસ્સામાં પુરુષો પર ખોટા આરોપ મૂકી ફસાવવામાં આવે છે. માની લઈએ કે પેલા એકસો ને પચાસ મર્દો આવા જુલમના શિકાર બન્યા હશે. તે છતાં શું એકવીસમી સદીમાં વિકાસશીલ દેશમાં લગ્નસંબંધની આ અંતિમ વિધિ યોગ્ય છે? આ ઘટનાથી બે મુખ્ય લર્નિંગ છે. એક: કાયદા આપણી સલામતી માટે છે, ઉપયોગ એ માટે જ કરવો જોઈએ અને બીજું: પરિવારને જોડવાની અને સાચવવાની જવાબદારી સ્ત્રી-પુરુષ બંનેની એકસરખી છે. તૂટતા પરિવાર માટે મહિલાને કે તેની નારીવાદી વિચારધારાને દોષી ગણવાં સંપૂર્ણ ગેરવાજબી છે.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી