નીલે ગગન કે તલે / સોંકડી શેરીમોં પેહવાના પૈહા? રશ

article by madhu rye

મધુ રાય

Apr 10, 2019, 03:25 PM IST

ભારતનાં મોટાં શહેરોમાં ઠેર ઠેર રસ્તાઓની વચ્ચોવચ બેશરમીથી પડ્યાપાથર્યા મેટ્રો ટ્રેન કન્સ્ટ્રક્શનના ઠઠારા જોતા ગગનવાલાના શાગિર્દ મિસ્ટર બાદલ ચારુતરી બોલીમાં વિનોદ કરતાં કહે છે, ‘આ મેટ્રો થઈ જાય પછી ગોંધીનગરથી અમ્દાદ પંદર મિનિટમોં!’ મુંબઈમાં નવા ઓવરબ્રીજ બંધાયા પછી ગ્રાન્ટ રોડથી પૃથ્વી થિયેટર જવું રમતવાત હતી. અમદાવાદમાં ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર થીજી ગયેલાં સિમેન્ટનાં મોજાં જેવા હાઇવે રચાયા ત્યારે ગોંધીનગરથી સડસડાટ પ્રહ્લાદનગર જવું બચ્ચાનો ખેલ હતો. કલકત્તાનો બિદ્યાસાગર સેતુ ઊભો થયા બાદ લાગેલું કે જિંદગીમાં સહેજ શોન્તિ સોંપડશે, પણ રે રે કિસ્મત, નગરપાલિકાઓએ કાઢ્યા ઓવરબ્રીજ તો માણસે કાઢ્યા ટ્રાફિક જામ. સહૂલિયત વધી તો સામે ટ્રાફિક બમણી તાદાદમાં વધ્યો અને ઓપણે હતાં ત્યોંનાં ત્યોં. કહે છે કે તોકિયોમોં ને બેંગકોકમોં ને એવાં બધાં શહેરોમાં પોઇન્ટ એ–થી પોંઇંટ બી–સુધી પહોંચતાં બે અઢી કલાક થઈ જાય છે અને કારમાં કુદરતી હાજત અંગેની સોઈ રાખવી કોમન છે.

  • ‘રોડ ટેક્સ’ નવા નથી, ભારતમાં પણ ‘ટોલ ટેક્સ’ છે

લંડનમાં છે, સિંગાપુરમાં છે, સ્ટોકહોમમાં છે અને હવે ન્યૂ યોર્કમાં આવશે, કન્જેશ્ચન પ્રાઇસ! યાને ગીચ લત્તામાં ગાડી લાવો તો પાઘડી આપવી પડશે! દિવસે દિવસે શહેરોમાં વસ્તીનો ભરાવો વધતો જાય છે અને વેપાર વાણિજ્યના કારણે વાહનવહેવાર ગીચ થતો જાય છે. મુંબઈની લોકલ ટ્રેનો જેવી લોકલ ટ્રેનોની ન્યૂ યોર્કમાં શરૂઆત થયેલી ત્રણ લાઇનોથી 1868માં, જે હવે વિસ્તરીને સત્તાવીસ લાઇનો સુધી વધી છે. તે ટ્રેનો મોટાભાગે અન્ડરગ્રાઉન્ડ હોવાથી ‘સબવે’ના નામે ઓળખાય છે અને હવે તેને સાંગોપાંગ સમારકામની જરૂરત છે. તેથી તેને માટે નાણાં ઊભાં કરવાં તથા ન્યૂ યોર્કના વ્યાપારી વિસ્તારમાં ટ્રાફિકની ગીચતા નિવારવા 2022થી નવો ટેક્સ લાગુ થશે, જેને કન્જેશ્ચન પ્રાઇસ કહેવાય છે.
ન્યૂ યોર્કની લોકલ ટ્રેનોના 394 કિમી તથા 427 સ્ટેશનોમાં ફેલાયેલા આધુનિક રૂપમાં તે 1904થી પ્રવૃત્ત છે. તેમા વર્ષે 1.72 બિલિયન મુસાફરી નોંધાય છે. એટલે રોજની 56 લાખ! તેના રશ અવર્સમાં તે ત્રણ-ત્રણ મિનિટે આવતી હોય છે, ઓફ–રશ અવર્સમાં દસ-દસ મિનિટે. ન્યૂ યોર્કની લોકલ ટ્રેનો મુંબઈની જેમ પેસેન્જરોથી છલકાતી નથી હોતી. પહેલાં તો તેના ડબ્બા અને સ્ટેશનોમાં ભૂતાવળાં લખાણો ને ચિતરડાં તથા તોડફોડ ભરેલા ડબ્બા ભયાવહ ગણાતા હતા, પરંતુ છેલ્લાં વર્ષોમાં ઘણો સુધારો થયેલો છે. તેમ છતાં હાલ બિલિયન્સ ઓફ ડોલર્સની ખોટમાં ચલતી આ સિસ્ટમને અપડેટ કરવાની તાતી જરૂર છે અને આ કન્જેશ્ચન પ્રાઇસ દ્વારા થતી આવક તેમાં વપરાય એવી સરકારની ગણતરી છે.
આવા ‘રોડ ટેક્સ’ નવા નથી, ભારતમાં પણ ‘ટોલ ટેક્સ’ છે, પરંતુ શહેરની અમુક સોંકડી શેરીમાં પેહવાના પૈહા આપવાની વાત કદાચ સાચા અમ્દાદીને આઘાત આપનારી લાગે (જોક, જોક. ગીચ વિસ્તારો તો હવે કર્ણાવતીના કોટની બહાર છે). છતાં એસજી કે સીજી રોડ ઉપર ચારે તરફથી સકંજામાં ફસાયેલા નવી પેઢીના મોટરિસ્ટને થાય કે બે પૈસા આપતાં છુટકારો થતો હોય તો ઐસીતૈસી. આમ, રોડ ટેક્સથી જેમને ખરેખર કામ હોય તેવા લોકો જ રશ અવર્સમાં આવશે, ઓછાં વાહનોના કારણે પ્રદૂષણ ઘટશે, રસ્તા ખુલ્લા થતાં બચતો ટ્રાવેલ ટાઇમ કશાંક સત્કર્મોમાં વપરાશે અને અલબત્ત તેથી થયેલી આવકમાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા માટે ભંડોળ ઊભું થશે.
હાલાંકિ દરેક સારી વાતની પાછળ એક દવલી વાત ઘૂમટો તાણીને ઊભી હોય છે તેમ આવાં સારાં વાનાં થતાંની સાથે જ દાખલા તરીકે લંડનમાં તેવા તેવા વિસ્તારોમાં મકાનોના ભાવ વધી ગયા, ઘરનાં ભાડાંએ માઝા મૂકી, તે કારણે પેઢીઓથી તે સ્થળે રહેતા મધ્યમ અને દરિદ્રવર્ગના લોકોને બીજે જવું પડ્યું અને ખુલ્લા બનેલા, ઓછા પ્રદૂષિત એરિયામાં દુષ્ટ તવંગરો પોતપોતાની ગાડીઓ લઈને આવી વસ્યા. આવાં ભયસ્થાનો છતાં પર્યાવરણના ટેકેદારોને આ પ્રસ્તાવ પસંદ છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે લાંબાગાળે આમ જનતા માટે આવાં પગલાં ઉપકારક છે.
હવે થોડીક દેશદાઝની શેખી: દુનિયાનાં સૌથી મનોહર સ્ટેશનોવાળી મેટ્રો છે મોસ્કોમાં અને હલો! લોસ એન્જલસ ટાઇમ્સમાં અમે એક વાર વાંચેલું છે કે વર્લ્ડ ઓવરમાં ક્લીનેસ્ટ ડબ્બા તથા સુભદ્ર વર્તાવવાળા ઉતારુઓ દેખા દે છે રોબી ઠાકુરના કોલકાતાની મેટ્રોમાં. જોય ઠાકુર!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી