નીલે ગગન કે તલે / આઠ કોલમનું સ્માઇલ

article by madhu rye

મધુ રાય

Apr 03, 2019, 04:38 PM IST

સન 1974માં ગાંધીનગર ખાતે થયેલી ‘આકંઠ સાબરમતી’ની એક બેઠક પૂરી કરીને અમે બબ્બે રૂપિયાની બસ ટિકિટ ખર્ચીને કર્ણાવતી ભણી પાછા આવતા હતા ત્યારે સન્મિત્ર ચંદ્રકાંત શેઠે આઠ કોલમનું સ્માઇલ આપતાં જાહેર કરેલું, ‘એટમ બોમ્બ!’. મતલબ કે ભારતે એના અણુ કાર્યક્રમનું પ્રથમ સફળ પરીક્ષણ (કોડનેમ ‘સ્માઇલિંગ બુદ્ધા’) કરેલું કોઈ રણમાં. તે સમયે ‘ટાઇમ’ મેગેઝિને ઠઠ્ઠો કરેલો કે ન્યુક્લિયર સાયન્સના શિરમોર સમા આ બોમ્બનું પરીક્ષણ કરવામાં ધડાકાનું ટાઇમિંગ કરવા કોઈ ટાઇમર બાઇમર નહોતું, કોઈ બિહારી ભાઈ મોંએથી બોલેલા, ‘દસ–નૌ–આઠ–સાત...’ કે ‘એક–દો–તીન...’ કે જે બી હોય તે! અને તે મંતર બોલનારો એટલો ઉત્તેજિત થઈ ગયેલો કે છેલ્લે છેલ્લેના આંકડા ઝટઝટ બોલી ગયેલો. હેંહેંહેં ભુખ્ખડ ભારત પાસે વ્યવસ્થિત ટાઇમરની બી સગવડ નહોતી.

  • દુશ્મનનો ઉપગ્રહ આપણી જમીન ઉપર ક્યાં એટમ બમ ફેંકે તે જોવા આવે ત્યારે સટાક આપણું આ અગ્ન્યાસ્ત્ર તેના ભુક્કા બોલાવીને દુશ્મનની આંખો ફોડી નાખે

તે સમયે ઇરાનના અણુ વિજ્ઞાનીઓ આપોઆપ ભેદી રીતે અલ્લાહને પ્યારા થવા માંડેલા અને ભારતના હોમી ભાભાનું હવાઈજહાજ તેના 116 પેસેન્જરોની સાથે ભસ્મીભૂત થઈ ગયેલું. તેથી ભારતના અણુ કાર્યક્રમને સાતમા પાતાળમાં સંતાડીને ગવેષણા જારી રાખવામાં આવેલી, એટલે સુધી કે આ પરીક્ષણની વાત પણ ભારતે પોતે જાહેર કરી ત્યારે બહાર આવી અને અમેરિકા, રશિયા વગેરે મહાસત્તાઓ હસ્તઘર્ષણ કરતા રહી ગયેલા.અને અલબત્ત આજે વો કાગજ કી કશ્તી ને વો બારિશ કા પાની યાદ કરવાનું નિમિત્ત છે ફરી એક આઠ કોલમના સમાચાર, ‘ભારતે અંતરીક્ષમાં અગ્ન્યાસ્ત્ર ફેંકીને પોતાના જ એક ઉપગ્રહને વીંધી નાખ્યો છે. તો? આ અંતરીક્ષમાં અગ્ન્યાસ્ત્ર ફેંકવાનો ફાયદો શો? ઓક્કે, આજકાલ અંતરીક્ષમાં યાને સ્પેસમાં અસંખ્ય ઉપગ્રહો અને અન્ય પદાર્થો મુઠ્ઠીઓ વાળીને ચક્કર ચક્કર ફરી રહ્યા છે જે થકી તરાહ તરાહનાં કાર્યો સંપન્ન થાય છે, જેમાંનું એક મહત્ત્વનું કાર્ય છે દુશ્મન દેશની ધરતી ઉપરની હિલચાલ ઉપર નિગરાની રાખવાનું. સંગ્રામનો સમય હોય અને દુશ્મનનો ઉપગ્રહ આપણી જમીન ઉપર ક્યાં એટમ બમ ફેંકે તે જોવા આવે ત્યારે સટાક આપણું આ અગ્ન્યાસ્ત્ર તેના ભુક્કા બોલાવીને દુશ્મનની આંખો ફોડી નાખે. જાણે ભારતે અંતરીક્ષના દ્રુપદ દરબારમાં ગોળ ગોળ ફરતી માછલીની આંખ વીંધી છે, અને અમેરિકા, રશિયા તથા ચીન જેવા દુનિયાના દાદાઓ સામે ઠેક મારીને મંતર બોલેલ છે, કબડ્ડી, કબડ્ડી, કબડ્ડી.
આ પ્રકારનાં શસ્ત્રાસ્ત્રનો સૌ પ્રથમ ટેસ્ટ અમેરિકાએ 1959માં કરેલો. પછી રશિયાએ તે મુજબની ટેક્નોલોજી અજમાવીને પોતાના ટેસ્ટ કર્યા, પણ વેપનાઇઝેશન હજી થયું નહોતું, પણ 2007માં ચીને પોતાની ટેક્નોલોજી હાંસલ કરીને પોતાનાં સાધન વસાવ્યાં તેથી સ્પેસને યુદ્ધનું રણાંગણ બનાવવાની હોડ શરૂ થઈ. હવે આ ‘હથિયાર’ વડે ભારત દુશ્મનના ઉપગ્રહને હલાલ કરીને તેના દેશની ખેતીવાડી, સંરક્ષણ, નેવિગેશન અને કમ્યુનિકેશન તહસનહસ કરી શકે છે. હજી સુધી કોઈ દેશે આ ક્ષમતાનો ઉપયોગ લડાઈમાં કર્યો નથી. ભારતે કહે છે કે તે સ્પેસમાં તલવારબાજી કરવાની તેને કોઈ તમન્ના નથી. ચીન કહે છે કે દરેક દેશ પોતાની અમન અને આબાદીની નીતિને વળગી રહે તે યોગ્ય કહેવાશે. પાકિસ્તાન કહે છે, કે સ્પેસ તે સમગ્ર માનવજાતની વિરાસત છે, તેને હથિયારોથી કલુષિત ન કરવી ઘટે.
ગગનવાલાને અલબત્ત ફક્ત રાજી થાય કે ભારતનો સ્પેસ પ્રોગ્રામ ધમધમે છે, યારો! સન 2017માં ભારતે વિક્રમી સંખ્યામાં ઉપગ્રહો છોડેલા સ્પેસમાં. કહેવાય છે કે 2022માં સ–માનવ સ્પેસ મિશન લોન્ચ થશે, ઇનશાલ્લાહ! પણ હલો, આ બધાં વાજાં નગારાંથી આપણને એક શૂર ચડે છે, યાહ? આપણે બી અમેરિકા કે રશિયા કે ચીન જેટલા જોરાવર છીએ એવો હોકો ચડે છે. આપણી પાસે દાદાનો ડંગોરો હોય તો તેનો ઉપયોગ કરવાની લાલચ થઈ આવે તેમ આપણી નવી સાંપડેલી ‘શક્તિ’ કશેક અજમાવી જાવાનું મન કોઈને થવા માંડે તો?
અથવા સત્તાધારીઓ કે સત્તાવાંચ્છુઓ પોતપોતાનો ઉલ્લુ સીધો કરવા તમને ને મને દેશભક્તિના કહુંબા પીવડાવે ને કશુંક ન કરવાનું કરી બેસે તો? જય જગત!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી