નીલે ગગન કે તલે / ‘ગોરો વર્ણ ગ્રેટ છે’

article by madhu rye

મધુ રાય

Mar 28, 2019, 05:06 PM IST

ગગનવાલા જે ગામમાં રહે છે ત્યાં ત્રણ દાયકા પહેલાં ‘ડોટ બસ્ટર’ નામે ટોળકીના ગુંડા રસ્તે ચાલતી ચાંદલાવાળી મહિલા દેખાય તો તેને બેટથી ફટકારતા. પોતાને શ્રેષ્ઠ વંશના માનવ ગણાવતા આ વ્હાઇટ સુપ્રીમસિસ્ટ લોકોને ભીતિ છે કે મુસ્લિમો અને યહૂદીઓની બહુમતી થઈ જશે અને એ લોકો ગોરા ખ્રિસ્તીઓને ગુલામ બનાવી દેશે. એવી ભીતિમાં અચાનક સોશિયલ મીડિયાની સહુલિયતથી અનર્ગલ પ્રચાર, કુપ્રચાર અને હડહડતાં જુઠ્ઠાણાં તેમજ સામસામા ઘુરકાટથી વેર વીજળીની ઝડપથી ફેલાઈ રહેલ છે.

‘એટલાન્ટિક’ માસિકમાં આદમ સર્વર નામે લેખક લખે છે કે ‘ભૂરી આંખો ને સોનેરી વાળવાળા યુરોપિયન ગોરાઓએ અમેરિકા દેશને આબાદ બનાવ્યો છે’ એવું સર્વપ્રથમ એલાન કરેલું મેડિસન ગ્રાન્ટ નામક એક ન્યૂ યોર્કરે. એનું 1916માં લખાયેલું એક પુરાણું પુસ્તક હિટલરે ‘બાઇબલ’ તરીકે સ્વીકારેલું.
હમણાં થોડા મહિનાઓથી અમેરિકામાં નવા પ્રમુખ ચૂંટાયા બાદ દુનિયાભરમાં ગોરાઓએ ઉદ્દંડતાથી માથું ઊંચક્યું છે, બિનગોરા નહીં જોઈએ, પરદેશી નહીં જોઈએ, કાળા ન ખપે, યહૂદી નો–નો, મુસ્લિમ બિલકુલ નહીં, હિન્દુ, બૌદ્ધ, ચીના, જાપાની, મેક્સિકન નો–બ–ડી.
હમણાં સુધી ‘આતંકી’ શબ્દ સાથે આપોઆપ જાણે ‘મુસ્લિમ’ શબ્દ બોલાઈ જતો, પણ હવે દાવ લીધો છે આ જોખમી ગોરાઓએ. જેનો છેલ્લો દાખલો છે ગયા અઠવાડિયે થયેલો ન્યૂઝીલેન્ડની મસ્જિદ ઉપરનો હુમલો જેમાં 50 મૃત્યુ થયાં. ‘ન્યૂઝીલેન્ડ અમારો ગોરાઓનો દેશ છે, અમારે પરદેશીઓ ન જોઈએ.’
આની પહેલાં અમેરિકાના પિટ્સબર્ગ ગામના યહૂદી ધર્મસ્થાન સિનેગોગ ઉપરના હુમલામાં 11 જાનહાનિ, તે પહેલાં એક કાળા લોકોના ચર્ચમાં 15નાં મોત, 2015માં વિસકોનસિનમાં શીખોના ગુરુદ્વારામાં છ સરદારોનાં ખૂન, નોર્વેમાં 2011માં એક યૂથ કેમ્પ ઉપર ‘મુસ્લિમોના આક્રમણને ખાળવા’ બોમ્બના હુમલામાં 11 મોત, 2017માં કેનેડાના ક્યૂબેક શહેરની મસ્જિદમાં ગોળીબાર કરીને એક મુસ્લિમદ્વેષી આતંકીએ છ જણની હત્યા કરેલી. તે જ વર્ષમાં લંડનમાં એક મસ્જિદની બહાર રસ્તે નમાજ પઢતા મુસ્લિમો ઉપર એ ‘આઇ વોન્ટ ટુ કિલ ઓલ મુસ્લિમ્સ’નો પોકાર કરતા ઝનૂની મોટરચાલકે પોતાની વાન ફેરવીને એકનું મોત કરેલું ને બાર જણને ઘાયલ કરેલા.

  • હમણાં થોડા મહિનાઓથી અમેરિકામાં નવા પ્રમુખ ચૂંટાયા બાદ દુનિયાભરમાં ગોરાઓએ ઉદ્દંડતાથી માથું ઊંચક્યું છે, બિનગોરા નહીં જોઈએ, પરદેશી નહીં જોઈએ

પૂર્વે ‘આઇસિસ’ની ઇન્ટરનેટ ઉપર પ્રોપેગેન્ડા ટેક્નિકથી દુનિયાભરમાંથી સ્વયંસેવકોની ભરતી થતી હતી અને હવે તેના તે જ પ્રોપેગેન્ડાનાં સાધનો ને સૂત્રોથી આ ગોરા આતંકીઓ પોતાના મતલબની જેહાદની બાંગ પોકારે છે. યુરોપના ગોરા દેશોમાં મુસ્લિમ નિર્વાસિતોનાં ધાડાં આવતાં જોઈને તે તે દેશના ગોરા ‘રાષ્ટ્રવાદી’ નાગરિકો ઝલ્લાઈ ઊઠ્યા છે અને પોતાના દેશનું કલ્ચર ઇસ્લામી રંગે રંગાઈ જશે એવી ભીતિથી ખળભળી ઊઠ્યા છે. તેવા બેબાકળા બનેલા લોકોને જોરશોરથી ભરતી કરાય છે, મુસ્લિમો તેમજ બીજા બિનગોરાઓમાં ફફડાટ ફેલાવવા, આતંક ફેલાવવા. આમ, ‘ગોરા આતંક’ના કિસ્સાઓમાં છેલ્લાં બે વર્ષમાં 35 ટકાની વૃદ્ધિ થઈ છે.

ઇન્ટરનેટ ઉપર ન્યૂઝીલેન્ડની ઘટના બાદ તરત નેટ ઉપરની મુસ્લિમ વિરોધી ‘હેઇટ સાઇટસ’ ઉપર હરખાતા ઓચ્છવનાં લખાણો ફરી વળેલાં. ઊબકા આવે એવી વાત તો એ છે કે ન્યૂઝીલેન્ડના હુમલાખોરે પોતાના તાંડવનો વિડિયો લાઇવ ઇન્ટરનેટ ઉપર અપલોડ કરેલો! અને તે લાખોના લાખો લોકોએ સામસામે મોકલાવેલો!

આ ઝેર, આ ઝેનોફોબિયા યાને પારકાનો ભય અમેરિકાના નવા પ્રમુખના ચૂંટાયા બાદ વધુ ઉદ્દંડ બનેલ છે. આ નવા પ્રમુખ કહે છે કે ઇલિગલ ઇમિગ્રેશન એક ઇન્વેઝન જ છે અને અમેરિકાની સંસદની ના છતાં પ્રમુખશ્રી મેક્સિકોની બોર્ડર ઉપર અબજો ડોલર ખર્ચીને એક દીવાલ ચણવા માગે છે જેથી ઇલિગલ ઇમિગ્રન્ટો ઘૂસી ન આવે, પણ તેમના ટીકાકારો કહે છે કે ઇલિગલ ઇમિગ્રેશન છેલ્લાં વર્ષોમાં ઘટ્યું છે, વધ્યું નથી. વારે તહેવારે આ નવા પ્રમુખના મોંએથી ગોરા–ગ્રેટ–પંથીઓને ચાનક ચડે એવાં વેણ નીકળે છે. દર અસલ ન્યૂઝીલેન્ડના હત્યારા બ્રેન્ટન તારાન્ટે અમેરિકાના નવા પ્રમુખના નામના ઉલ્લેખ સાથે પોતાનું મુસ્લિમ–દ્વેષી જાહેરનામું નેટ ઉપર મૂકેલું. આ નવા પ્રમુખે ચૂંટણીપ્રચાર વખતે ગાદી ઉપર આવતાંની સાથે જ એક બી મુસ્લિમને અમેરિકામાં આવવા નહીં દેવાય એવો નારો પોકારેલો અને તેનો અમલ તો થયો નથી, પરંતુ તેવા વિચારને કૂણો આવકાર મળ્યો છે દુનિયામાં ઠેર ઠેર. જય માનવ!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી